________________
સત્સંગ-સંજીવની
સંવત ૧૯૪૬ના આસો વદ ૧૪ અથવા ૦)) ના દિને ભાઇ શ્રી અંબાલાલ લાલચંદના મુકામે પરમકૃપાળુદેવના દર્શન થયાં હતાં અને કારતક સુદ ૧ ના દિને શા પોપટલાલ અમરચંદને ત્યાં ઘણા આગ્રહપૂર્વક વિનંતી થવાથી ચાહ પાણી વાપરવા માટે પરમકૃપાળુદેવ પધાર્યા હતા. હું તથા ભાઇ શ્રી અંબાલાલભાઇ તથા ભાઇ શ્રી ત્રિભોવનભાઇ વગેરે ભાઇઓ સાથે ગયા હતા. તે વખતમાં શા પોપટલાલ અમરચંદના મકાનની પાસે જૈનશાળા છે, તે જૈનશાળામાં મુનિશ્રી નીતિવિજયજી તથા તેમના શિષ્ય હરખવિજયજી તથા દીપવિજયજી હતા. તે વખતે પરમકૃપાળુદેવને મુનિશ્રી નીતિવિજયજીએ જણાવ્યું કે આપ શું ધર્મ પાળો છો ? તે ઉપરથી પરમકૃપાળુદેવે જવાબમાં જણાવ્યું કે અમો જૈનધર્મ પાળીએ છીએ. તે ઉપરથી તેમના શિષ્ય દીપવિજયજીએ જણાવ્યું કે તપાનો કે ઢુંઢીયાનો પાળો છો ? ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે અમો તપાયે નથી અને ઢુંઢીયા પણ નથી. ત્યારે શ્રી દીપવિજયજીએ પ્રશ્ન કર્યો કે ત્યારે તમો ક્યો ધર્મ પાળો છો ? ત્યારે મુનિશ્રી નીતિવિજયજીએ તેમના શિષ્ય દીપવિજયજીને જણાવ્યું કે હવે તમો શું પૂછો છો? કારણ કે બન્ને પક્ષથી જુદો જવાબ આપે છે ત્યારે હવે પૂછવા જેવું નથી. તે પરથી તે વાત બંધ રાખી. ત્યાર બાદ ભાઇ શ્રી પોપટલાલ અમરચંદના મકાનમાં ચાહ પીવા માટે પધાર્યા. ત્યાં ચાહ પીને ભાઇ શ્રી અંબાલાલભાઇના મુકામે પધાર્યા હતા.
ત્યાર બાદ હું મુંબઈ ગયેલ તે વખતે મુંબઇમાં શા ભાયચંદ કુશલચંદ ખંભાતવાળાની પેઢી હતી ત્યાં હું ઊતર્યો હતો. તે વખતે હું પરમકૃપાળુદેવના દર્શન કરવા માટે પરમકૃપાળુદેવની પેઢીએ ગયો હતો. ત્યાં પરમકૃપાળુદેવ ઘણો જ બોધ કરતા હતા. ત્યાંના ઘણા ભાઇઓ પરમકૃપાળુદેવ પાસે આવ્યા હતા અને ઘણી ઘણી શાસ્ત્ર સંબંધી તે પુરુષોની સાથે નિઃસ્પૃહભાવે વાતો કરતા હતા. તે વાતો સાંભળવાથી મને પરમકૃપાળુદેવ પ્રત્યે દૃઢ નિશ્ચય થયો કે આ પુરુષ કોઇ પરમાર્થમાર્ગને પામેલા છે એવી ખાતરી થઇ. ત્યાર બાદ સંવત ૧૯૫૦૫૧માં પરમકૃપાળુદેવની સાથે ભાઇ શ્રી રેવાશંકરભાઇ જગજીવનદાસના નામથી વહીવટ ચાલતો હતો. તેઓશ્રીને ત્યાં મેં આડત રાખેલ જેથી કાપડ મંગાવવાના લેણ-દેણનું કામ ચાલતું હતું. ત્યાર બાદ સંવત ૧૯૫૨માં ભાદરવા માસમાં અમો કાપડ ખરીદ કરવા ગયેલ. ‘તે વખતે હું અને અમારો પુત્ર નગીનદાસ સાથે ગયેલ, તે વખતે રાતના વખતમાં એટલે સાંજના છ વાગ્યા પછી પરમકૃપાળુદેવ પાસે ત્યાં રહેલ. કચ્છી ખીમજીભાઇ દેવચંદ તથા કલ્યાણજીભાઇ તથા કુંવરજીભાઇ આણંદજી ભાવનગરવાલા તથા શા. ત્રિભોવનભાઇ ભાણજી - તે લોકો રાતના આવવાનું રાખતા હતા, તે લોકો સાથે ઘણી ધર્મ સંબંધીના પ્રશ્નોની વાતચીત થતી હતી, તે પણ મારા સાંભળવામાં આવેલ. હું ત્યાં લગભગ એક માસ રહેલ હતો જેથી મને તેઓશ્રી ગૃહસ્થાવાસમાં હતા છતાં અંતરથી નિરુપાધિ પુરૂષ છે એમ ખાતરીપૂર્વક થયેલું. ત્યાર બાદ આવો સત્સંગ જાણી તેમની પાસે અમારા પુત્ર નગીનદાસને તેઓશ્રીની દુકાન પર કાયમ રહેવાને માટે શ્રી પરમકૃપાળુદેવને વિનંતી કરી,તે પરથી પરમકૃપાળુદેવે જણાવ્યું કે ઠીક છે, ભલે રહે, એવું કહ્યું. તે પરથી ભાઇ શ્રી ત્રિભોવનદાસ ભાણજીભાઇએ મને પોતાને કહ્યું કે તમારે નગીનદાસના પગાર માટે નક્કી કરો. ત્યારે મેં જણાવ્યું કે પગાર લેવાના વિચારથી હું અહીં મૂકતો નથી, પણ સત્સંગના લાભની ખાતર હું મૂકવા ઇચ્છું છું, તેમ છતાં તેઓશ્રીને ધ્યાનમાં આવશે તે પ્રમાણે તેને જે આપવું યોગ્ય લાગશે તે આપશે. તેવી રીતે હું કહીને ત્યાં મૂકીને આવ્યો અને તેઓશ્રીની દુકાન સંબંધીનું કેટલુંક કામકાજ તે કરતો હતો. તે વખતમાં તેને નામું લખવામાં કચાશ હતી જેથી તે કામમાં માહિતી મળે તે કારણથી પરમકૃપાળુદેવે ચાર-પાંચ વર્ષ અગાઉના જૂના ચોપડા સોંપી માણેકલાલ ઘેલાભાઇને તેની સાથે બેસવા ભલામણ કરી જૂના હિસાબો કરવાનું કામ સોંપ્યું, તે અમારા દીકરા નગીનદાસના કહેવા પરથી મારી માહિતી છે. તેમજ નગીનદાસની રૂબરૂમાં સંવત ૧૯૫૨ થી ૧૯૫૫ સુધીમાં કેટલીક કેટલીક ધર્મ સંબંધીમાં હકીકત સાંભળવામાં આવેલી તેની નોટ તેમણે પોતે (નગીનભાઇએ) રાખેલી તે નોટો બે, અત્રેના ભાઇ શ્રી
૧૫૮