________________
{} સત્સંગ-સંજીવની
હોય છે એટલે કાયાને દુઃખ લાગતું નથી દુઃખ ઉલટું સુખરૂપ થઈ પડે છે.
એ બધામાં વિચાર જાગૃતિ મુખ્યપણે જોઈએ છે. અને તે વિચાર જાગૃતિની ઘણી જ ન્યૂનતા જોવામાં આવે છે. અને તેથી દશા વર્ધમાન થતી નથી. બળથી કરવા જતાં વધુ વખત રહેતી નથી અને કૃત્રિમ થઈ તે દશા જતી રહે છે. પછી આપણને યાદ આવે છે કે આ દશામાં શાંતિ ઠીક હતી પણ તે મેળવવા પાછું ફરી બળ કરવું પડે છે. તેનું કારણ એ જ કે, વિચારશક્તિની બહુજ ન્યૂનતા. જો વિચાર જાગૃતિ હોય તો સહેજે ઓછા બળે કે વિના પરિશ્રમે તે દશા વર્ધમાન થાય છે.
ત્યારે હવે આ સ્થળે આપને પ્રશ્ન થશે કે તે વિચાર જાગૃતિ શાનું નામ કહેવાય ? તેનો ટૂંક ખુલાસો હું લખી જણાવું છું.
કોઈપણ વાકય, પદ કે કાવ્યનું વિચારથી ક૨ી વિશેષ અર્થનું ફેલાવવાપણું તે વિચાર જાગૃતિ છે. તે એટલે સુધી કે જેમ જેમ તેનો અર્થ વિશેષ થતાં જતાં મન નિરાશા ન પામતું હોય પણ પ્રફુલ્લિત રહેતું હોય, ઉમંગ વધતો હોય, આનંદ આવતો હોય, લયતા થતી હોય અને મન, વચન અને કાયા જાણે એક આત્મરસરૂપ થઈ જઈ તે જ વિચારમાં પ્રવર્તે જતાં હોય ત્યાં કેવી મજા પડે, કે જેનો સ્વાદ લખવામાં નથી આવતો. એવી જે રસ લયલીનતા તે વિચાર જાગૃતિને આપે છે ને તેની બહુ ન્યૂનતા છે. માટે તેવા જીવોને જ્ઞાનીઓએ સત્સંગમાં રહેવાની આજ્ઞા કરી છે. કારણ કે વિચાર શક્તિના ઓછા બળને લીધે સત્સંગ છે તે જીવોને બહુ બળરૂપ થાય છે. તે વિચારશક્તિ માટે વિદ્યાભ્યાસ, ન્યાય, તર્ક, વ્યાકરણ અને શાસ્ત્ર અભ્યાસની જરૂર છે કે જેથી વિચારશક્તિને તે ઉપકારભૂત થાય છે.
આ બધું લખાણ કર્યું તે વાત રૂબરૂમાં કરવાની હતી, પણ હાલ તે અનિયમિત હોવાથી આજે તે વાત કાગળે ચઢાવી છે. ત્યારે હવે આ સ્થળે એમ પ્રશ્ન થશે કે એવી દશા ન હોય, તેવો સત્સંગ ન હોય, વિચાર કરવાની વિશેષ ગતિ ચાલતી ન હોય ત્યારે “શું કરવું ? કાળ કેમ વ્યતિત કરવો ? તમારો સમાગમ ઈચ્છીએ છીએ. માટે તમે જ ચારિત્રધર્મ અંગિકાર કરી જગતનું કલ્યાણ કરો.’’ એ વગેરે વિચાર આવી જાય તો તેનું સમાધાન પણ આપી જાઉં છું કે – ચારિત્ર અંગિકાર કરવારૂપ દશા અત્યારે નથી (ઈચ્છા છે) તેમ બફમમાં રહી ચારિત્ર લૌકિક રીતે લેવું નથી. જગતનું કલ્યાણ કરવા જેવી દશા નથી. તેવો દંભ ભાવ રાખવો નથી. જગત પ્રત્યે અનુકંપા ભાવ વર્તે છે.
તે પહ્દર્શનનું યથાર્થ સ્વરૂપ, જ્યાં સુધી યથાર્થ આત્મવિચારે સમજાયું નથી, ત્યાં સુધી કોઈ પણ મત મંડન કે ખંડન થઈ શકે તેમ નથી.
તે છ પદનું સ્વરૂપ જેમ જેમ વિચાર-જ્ઞાનની પ્રાધાન્યતા અને ચારિત્ર ધર્મની શુદ્ધતા તેમ તેમ અનુભવરૂપે વિશેષ પ્રકારે સમજાય છે. માટે હાલ તો દેશવિરતપણામાં રહેવાની પણ શક્તિ નથી. માત્ર જ્ઞાનની શુદ્ધતા કરવાની ઈચ્છા છે. આપને પણ હાલ તો ચારિત્ર ધર્મ-ગુણ જે પ્રકારે પ્રગટ થાય તે પ્રકારે વર્તી વિચારદશા જાગૃત કરવાનો પરિચય રાખશો.
જેમ જેમ વિચાર જાગૃતિ વધશે તેમ તેમ એકાંત સ્થળ અને અસંગપણું વિશેષ વિશેષ રૂચિકર થશે. નહીં તો પછીથી કંટાળો આવી જશે. આ સ્વતઃ અનુભવસિદ્ધ લખ્યું છે.
લખવાને માટે આ પત્ર લખતાં આત્માથી ઘણીજ ઊર્મિઓ ઊગી આવતી, પણ હવે તો કંટાળો ખાઉં છું. માટે અવસરે બનશે તો રૂબરૂમાં વાત.
૧૯૨