________________
સત્સંગ-સંજીવની
પોતે એકલા પણ વિચરે, હાલ તો તે વિષે કંઈ લખી શકાતું નથી. યથાવસરે સત્સંગનો યોગ બન્યા પછી જે થાય
તે ખરૂં.
લિ. અલ્પ અંબાલાલના નમસ્કાર
પૂજ્ય ભાઈ શ્રી પોપટલાલ પ્રત્યે
આત્માર્થી ભાઈશ્રી,
પત્ર-૯
સંવત ૧૯૫૯
ચૈત્ર સુદ ૧ – સોમવા૨
કૃપા પત્તુ ૧ મળ્યું. જ્ઞાની પુરુષોએ આ ચૌદ રાજલોકમાં પોતાની અનુભવરૂપ વાણી પ્રસિધ્ધિમાં મૂકેલી છે. તેનું કોઈ વિરલા જ જીવો પાન કરે છે. આત્માની ઉજ્જવળતા વડે સમ્યભાવે કે વિનયાન્વિત ભાવે જે જીવો તે અમૃતમય વાણીનો અનુભવ કરે છે, પાન કરે છે, તે અનુક્રમે ઉત્તમ પદને પામે છે. તે વાણીનો રસ લેવામાં જીવને અનાદિના દોષો આવરણરૂપ રહે છે. તેમાં વળી સૂક્ષ્મપણે જે લોભ અને સ્વચ્છંદપણું એવા મીઠા સબળાં છે કે પામર જીવના જાણવામાં આવતા નથી, અને તે દોષ આડે આત્માની ઉજ્જવળતા - એ જ્ઞાનનો અપૂર્વ સ્વાદ ચખાડવા દેતા નથી. તે દોષ માટે વિશેષ પ્રકારે જ્ઞાનીના ચરણની ઉપાસના કરવા યોગ્ય માર્ગ મોટા પુરુષોએ બોધ્યો છે, પણ આ કાળમાં તેવા જ્ઞાની પુરુષનો વિયોગ જોવામાં આવે છે, તો પણ હવે નિષ્ફળતાને પામવું ઉચિત નથી, કારણ કે પ્રગટ જ્ઞાનીના વચનો - બોધ-ઉપદેશો જે આપણા જેવા પામરને પ્રગટ જ્ઞાનીરૂપે પ્રાપ્ત છે. જે વચનોથી પ્રગટપણે વર્ણવેલા દોષો - સંસારના ભોગ ઉપભોગ પદાર્થો નિરાશપણે ભોગવતાં સૂક્ષ્મ કે બાદરપણે દેખાય તેટલા દોષોનો પુરૂષાર્થ યોગથી ત્યાગ કરવો ઉચિત છે. તેટલા માટે વિશેષ - નિવૃત્તિ, આત્મવિચાર, સત્સંગ, ઉત્તમ શાસ્ત્રનું અવલોકન એ આદિની જરૂર છે. એ જ વિનંતી.
લિ. અલ્પ અંબાલાલના નમસ્કાર.
પત્ર-૧૦
પરમ પૂજ્ય કૃપાનાથશ્રીને ત્રિકાળ નમસ્કાર, અમદાવાદ.
પરમ પવિત્ર પૂજ્ય આત્માશ્રી.....
વિનંતિ કે આપનો પત્ર એક મળ્યો. વાંચી સંતોષ થયો. પરમ પૂજ્ય દયાળુનાથશ્રી, મનસુખભાઈના પ્રસંગે દેશમાં પધાર્યા હતા. ત્યાંથી પાછા પધારતાં નડિયાદ અને આણંદ થઈ દોઢ દિવસ આ પામર બાળકને કલ્યાણ કરવા રોકાયા હતા. તે વિષે સ્ટેશન પર આવવાને લખવા જેટલો વખત નહીં મળવાથી આપને લખ્યું નહોતું. તેમ આણંદ પધારવું સહેજે થયું હતું. માટે આપ પ્રતિદિન સત્પુરુષના સમાગમની કામના રાખી, તે પવિત્ર પુરુષોના ચરણકમળ પ્રતિ પડાય એવી ભાવનાએ વર્તાય એ હિતકારી કાર્ય છે. આ ફેરાના પવિત્ર સમાગમમાં શ્રી હરિમુખથી એમ કૃપા થઈ છે કે પરસ્પર મુમુક્ષુ ભાઈઓએ બને તેટલો સમાગમ ક૨વો. બે ચાર કે આઠ દિવસને આંતરે પત્રાદિ લખવાનો પરિચય રાખવો અને પોતાની વૃત્તિ જણાવતા રહેવું. તેમ સવૃત્તિ વર્ધમાન થાય એવો લક્ષ રાખવો. જેમ બને તેમ સંસાર વધવાની જે પ્રવર્તના તેને જતી કરવી. અવશ્ય જતી કરવામાં જ ઉપયોગ રાખવો. અને જે સવૃત્તિ, સદ્વિચાર અને સત્શાસ્ત્રને અંગીકાર કરવા. જે પ્રકા૨થી છૂટવાનો મુખ્ય ઉપાય મળે
૧૯૯