________________
EYERS સત્સંગ-સંજીવની SASASASAS ()
વિશ્વાત્મક સત્તા જેને ભરી છે, એવા તે હરિના પરમ દિવ્ય અવયવો હું શી રીતે સ્મરૂં ? સ્તવું? પામર પ્રાણી તે ક્યાં ? અને તે સ્વરૂપ શ્રી ભગવાન તે ક્યાં ? અખંડ પ્રેમ, અનન્ય પ્રેમ, અનંતપ્રેમે શ્રીમાન્ હરિને હું સ્મરું છઉં, સ્મરૂં છઉં. સંભારી સંભારીને પરમાનંદ પામું છઉં.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
પત્ર-૩૧ જેમ બને તેમ ભક્તિમાં લીન થવું એ જ આપણને માર્ગ પામવાનું લક્ષણ છે. તન, મન, વચન અને આત્માથી પવિત્ર પુરૂષોની ભક્તિમાં હંમેશા લયલીન રહેવું એજ વારંવાર જ્ઞાનીઓનું સૂચવવું થાય છે. તો આપણે જો તેમ કરીશું અને યથાયોગ્યમય હશે તો ઈચ્છીત વસ્તુની પ્રાપ્તિ તે પવિત્ર પુરૂષ તરફથી બની શકશે. ભક્તિમાં લયલીન રહેવું તે જ્ઞાનીઓનું કહેલું રહસ્ય છે. સત્સંગ એ અદ્ભુત દશાને પ્રાપ્ત કરાવે છે. એ વિના અનંતકાળ ગયો. આ ભવે યથાર્થ આજ્ઞા આરાધકે થાય તો અવશ્ય બંધનથી છૂટી જવાય. શાશ્વત સિદ્ધિ રિદ્ધિ પ્રાપ્ત કરી શકાય એ નિઃસંશય કરવા જેવું છે. આ કાળમાં આ યોગ બહુ જ દુર્લભ છે. જેમ બને તેમ આપણે બધા એ સન્માર્ગનું સેવન કરીશું તો જરૂર સુખી થઈશું. સત્ સર્વત્ર રહ્યું છે. એ માટે સત્પુરૂષોનો સમાગમ, તેના પ્રત્યે નિઃશંક શ્રદ્ધા અને સદેવકાળ તેમની સમીપે રહેવું. એમ જોગ બને તો કલ્યાણ થાય. તત્વજ્ઞાનનું મૂળ વિનય અને જ્ઞાનીઓ પર પ્રશસ્ત રાગ એ છે.
પત્ર-૩૨.
“.......જિનમાર્ગની ઉન્નતિ રાગદ્વેષ વધવાથી થાય કે રાગદ્વેષ ઘટવાથી થાય ? રાગદ્વેષની વૃદ્ધિ કરી તે જેના ખ્યાલમાં નહીં તે જૈન માર્ગમાં છે કે અન્ય માર્ગમાં છે ? અને જો તે અન્ય માર્ગમાં હોય તેમ છતાં જૈન માર્ગમાં છું એમ માને તો કેવું કર્મ બાંધે ? અને કેટલી સ્થિતિવાળું બાંધે તે વિચારો !!!
જે જે પ્રકારે કર્મના સમૂહ ટળે તે જ જૈન માર્ગની ઉન્નતિ કહેવાય. સમકિતનું સુલભપણે પામવું થાય તે જૈન માર્ગ કહેવાય. વૈરાગ્યના પ્રવાહની છોળો ઊડે તે જૈન માર્ગની ઉન્નતિ કહેવાય. કષાય ઘટે, વિષય ઘટે તે જૈન માર્ગની ઉન્નતિ કહેવાય. આટલો બધો વિરોધ જોઈ જીવને કેમ વિચાર આવતો નથી ? તે વિચારમાં કોણ આડું આવે છે. અને જે આડું આવે છે તે કારણ રઝળાવનાર છે, ભવ વધારનાર છે કે ભવ ઘટાડનાર છે ? એ કેમ વિચારાતું નથી.
- જ્ઞાનની રક્ષા તો ક્યારે કરી કહેવાય કે વાંચીને વિચારે અને આત્મ પરિણામ કરે તો જ્ઞાનની રક્ષા કરી કહેવાય.
- આ જીવને યથાર્થ વૈરાગ્ય પ્રાપ્ત થવો યોગ્ય છે. જે આ આત્મા નજરે જુએ છે કે તેની સમીપેથી તેનાથી લઘુ અને વડીલ એવા ઘણા આત્માઓ કાળના ઝપાટામાં ચાલ્યા ગયા છતાં આ કલેશિત આત્મા કાળનો વિશ્વાસ ધરી નિશ્ચિત થઈને સૂતો છે. તે તેને કેમ જરા પણ ખબર પડતી નથી ? પ્રત્યક્ષ જોઈ રહ્યો છે કે કાળ ગળકા ખાય છે, લીધો કે લેશે એમ થઈ રહ્યું છે છતાં આ અજ્ઞાની એવો મૂઢાત્મા જ્ઞાની પુરૂષોની પેઠે નિશ્ચિત થઈને સૂવે છે. કીધું છે કે જેને મૃત્યુ સાથે મિત્રતા હોય અથવા જે મૃત્યુથી ભાગી છૂટે એમ હોય અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય તે ભલે, સુખેથી સૂવે.
૨૧૬