________________
O GSSSSSSS સત્સંગ-સંજીવની SREENAGADO
પત્ર-પ૭ પરમ પૂજ્ય શ્રી આત્માર્થી ભાઈ અંબાલાલભાઈ આદિ મુમુક્ષુ ભાઈઓની સેવામાં,
આપનું પત્ર મળ્યું છે. હકીકત વિદિત થઈ. પૂ. ભાઈશ્રી રેવાશંકરભાઈનો વિચાર પોષ સુદ-૨ પછી મુંબઈ જવાનો હતો. પણ તેઓનું આરોગ્ય અસ્વસ્થ રહેતું હોવાથી પરમકૃપાળુદેવશ્રીની આજ્ઞા હાલ મુંબઈ ન જવાની થઈ છે.
પરમકૃપાળુશ્રીના દર્શનની જેમ આપ અભિલાષા રાખો છો, તેમ હું પણ તેઓ નિવૃત્તિ લેવા બહાર પધારે તેમ ઈચ્છું છું. અને એટલા માટે થઈને જ મેં બહુ વિનંતીપૂર્વક મુંબઈ જવા વિષેની આજ્ઞા મંગાવી હતી. પણ આજે જ પત્રથી હાલ અહિં સ્થિરતા કરવાની આજ્ઞા આવી છે. તેમ ચિ. છગનના પગ માટે પણ ફરજરૂપે રોકાવું પડે તેમ છે. છતાં આજે ફરી વિનંતી કરી છે કે મુમુક્ષભાઈઓ દર્શનની બહુ અભિલાષા રાખે છે માટે પધારવાનું કરો તો સારું. મારાથી જેટલું લખાય તેટલું લખી આપની વતી વિનંતી કરી છે. તેમ મારી વતી પણ કરી છે. આપ લખો છો કે સોભાગભાઈ સાહેબનું પદ ધારણ કરો તો સારું. પણ પદ ધારણ કરવાનું કહેવાથી ધારણ કેમ થઈ શકે ? જે ઉત્તમ ગુણો, અભેદભક્તિ મરણપર્યંત એકનિષ્ઠા તેઓને વિષે વાસ કરી રહેલા હતાં, તેમાંનું થોડું પણ હોય તો તે પદ ધારણ કરવાની ઈચ્છા થાય. પણ જ્યાં જડતા વિશેષ હોય ત્યાં તેવી ઈચ્છા કેમ સંભવે ? મારા પ્રત્યે કંઈ લખવાનું જેમ આપ ઈચ્છો છો તેમ હું પણ ઈચ્છું છું. પણ વિક્ષેપી ચિત્ત તેમ કરવામાં અસમર્થતા ધરાવે છે. ઘણી વખત લખવાનું કહું છું પણ આગળ ન ચાલવાથી પાછો અટકું છું. શ્રી યોગીન્દ્ર ભર્તુહરિ કહે છે કે આ જગતમાં શું ઈચ્છવા યોગ્ય છે ? અપરોક્ષજ્ઞાને આ સર્વ અનિત્ય અને અસાર જણાય તેવું છે. તે અજ્ઞાનને લીધે સર્વ નિત્ય અને સારભૂત માની વર્તન થાય છે. તે કેમ અટકે ? સર્વથી અદ્ભૂત મનનું ચાંચલ્ય છે. તે સ્થિર થવામાં પુરૂષાર્થની અવશ્ય છે. તો પુરૂષાર્થ કેમ પ્રાપ્ત થતું નથી ? | દેહની સ્થિતિની ખબર નથી કે તે એક ક્ષણ પણ છે. તથાપિ જેની ખબર નથી તે ધારવાનો દોષ ગ્રહણ કરી ધારીએ કે વિશેષમાં વિશેષ આયુષ્ય સો વર્ષનું હશે. તેમાંથી બાળવય અને અભ્યાસવય પચીસ વર્ષ સુધીનું ગણીએ. તો બાકી રહે પોણો સો. સામાન્ય રીતે માણસ સાઠ વર્ષની ઉંમર પછી અશક્ત થાય છે. એટલે ચાળીસ વર્ષ પરાધીન છે. તે પોણોસોમાંથી બાદ કરીએ તો પાંત્રીસ બાકી રહે. તેમાંથી પાંચ વર્ષ સાઠ વર્ષની ઉંમર સુધીમાં, પાંચ વર્ષ માંદગીના ગણીએ તો બાકી રહે ત્રીસ. તેમાંથી ઉંઘના પંદર વર્ષ ઓછા કરીએ તો બાકી રહે પંદર વર્ષ. આટલા વર્ષમાં જીવ પોતાને કદી પણ નાશ ન થાય તેવો માને છે. તેના જેવું બીજું કંઈ આશ્ચર્ય છે ? પંદર વર્ષમાં સંસાર અને તેને લગતી ક્રિયામાં જીવ કાઢે છે તો પછી આત્મસાર્થક ક્યારે કરશે ? આ વાત પ્રત્યક્ષ છતાં જીવને કેમ આંખ અંધ થઈ ગઈ છે !
અત્યંત વૈરાગ્ય ઉત્પન્ન થાય તેવા અને મનને કોમળ રાખે તેવા પુસ્તકોની ઈચ્છા છે. એવાં પુસ્તકો આપની ધ્યાનમાં હોય તો લખશો. પૂ. શ્રી છોટાલાલભાઈ, ત્રિભોવનભાઈ તથા લલ્લુભાઈ, કિલાભાઈ, નગીનદાસ આદિ સર્વ ભાઈઓને નમસ્કાર.
સં. ૧૯૫૪ લિ. અલ્પજ્ઞ મનસુખના સવિનય પ્રણામ.
૨૬૯