________________
સત્સંગ-સંજીવની
સાંભળી સર્વેના ગાત્ર છૂટે એવો બોધ ચાલતો હતો. અને અમો સર્વેને જણાવ્યું કે અમોએ તમોને કુળધર્મથી મુકાવ્યા તો હવે તમારે શું કરવું ? શું ખાવું પીવું એથી જ મોક્ષ ? જાઓ, તમો બધા એ મુનિશ્રી પાસે જઇને પોતાની યથાશક્તિ વડે વ્રત નિયમ ગ્રહણ કરો અને હમેશા બે ઘડી નિત્યનિયમમાં બેસવાનો નિયમ ગ્રહણ કરો. અમારો કહેવાનો હેતુ માત્ર એ જ હતો કે જે આગ્રહરૂપે ક્રિયા કરવામાં આવે તેનો ત્યાગ કરવો, ત્યારે તમોએ તદ્દન છોડી દીધું. વગેરે ઘણો જ બોધ કર્યો હતો અને પોતાની યથાશક્તિ વડે મુનિશ્રી પાસે જઇને વ્રતનિયમો ગ્રહણ કર્યા હતા અને નિયમમાં બેસવાનો નિયમ તો સર્વેએ ગ્રહણ કર્યો. મેં અમુક જાતની લીલોતરીનો તથા બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કર્યો હતો. ત્યાર બાદ મેં પરમકૃપાળુદેવ પાસે વિનંતી કરી કે મારે શું વાંચવું ? તે બાબત પૂછતાં ‘મોક્ષમાર્ગ પ્રકાશ' વાંચવાની આશા થઈ. મોક્ષમાર્ગ-પ્રકાશ હું એકલો વાંચી સમજી શકતો નથી, માટે કોઇ ભાઇને ભલામણ કરે કે વાંચી સંભળાવે અને સમજણ પાડે તેવી આજ્ઞા કરો તો સારું – એમ મેં ત્રણ વાર વિનંતી કરી પરંતુ પરમકૃપાળુદેવે જણાવ્યું કે તમારે વાંચવું, સમજાશે. આ પ્રમાણે જણાવ્યાથી મને વિચાર થયો કે સત્પુરૂષના વચન પર વિશ્વાસ કેમ નથી રહેતો ? સત્પુરૂષો જે કાંઇ આજ્ઞા ફરમાવે તે યોગ્ય જ જણાવે. ત્યા૨ બાદ ખંભાત જઇ સ્વયમેવ (પોતાની મેળે) વાંચવા માંડ્યો અને બરાબર રીતે સમજી શકાયું જેથી પ્રતીતિ દૃઢ થઇ. પરમકૃપાળુદેવની પાસે અમો જ્યારે ત્યાંથી વિદાય થવાના હતા ત્યારે રજા મેળવવા માટે ગયા હતા. તે વખતે મારા મનમાં એમ થયું કે ચિત્રપટ મળી શકે તો સારું, પણ માગી શકતો નહોતો, જેથી ત્યાં જઇ નમસ્કાર કરી ઊભો રહ્યો. એટલે પરમકૃપાળુદેવે જણાવ્યું કે કેમ, ચિત્રપટ જોઇએ છે ? મેં કીધું કે હાજી. ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે ભાઇ અંબાલાલભાઇ આપશે, એમ જણાવ્યું. ત્યાર બાદ પરમકૃપાળુદેવે જણાવ્યું કે અમારા પર અખંડ વિશ્વાસ રાખજો, એમ જણાવ્યું હતું.
છેલ્લો સમાગમ શ્રી વઢવાણ કેંપમાં થયેલો. ભાઇ શ્રી નગીનદાસ સાથે હતા. ત્યાં એક દિવસ અમે બધા સમીપે ગયા ત્યારે કૃપાળુદેવે કહ્યું કે તમો બધા આમ દોડ્યા દોડયા આવો છો તે કોની આજ્ઞાથી ? એટલે પછી ભાઇ શ્રી નગીનદાસભાઇએ જણાવ્યું કે આપણે આજ્ઞા વિના આવ્યા તે ઠીક નહીં, માટે પરમકૃપાળુદેવ પાસે જઇને આજ્ઞા મેળવી આવીએ. જેથી અમો બન્ને ત્યાં ગયા. પરમકૃપાળુદેવ કેશવલાલ કોઠારીના મુકામે સૂતા હતા ત્યાં ગયા હતા અને ત્યાં આજ્ઞા માંગી, ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે અમોએ તમારા માટે કાંઇ કહેલ નથી, તમો સુખેથી સંવત્સરી સુધી રહો. પછી અમો સંવત્સરી સુધી રહ્યા હતા અને તેના બીજે દિવસે અમો ત્યાંથી જવાના હતા જેથી દર્શન કરવા માટે ગયા હતા. તે વખતે અમોને પરમકૃપાળુદેવે જણાવ્યું કે ફરી મલીએ કે ન મલીએ, સમાગમ થાય કે ન થાય, પણ અમારા પ્રત્યે અખંડ વિશ્વાસ રાખજો, અમારામાં અને શ્રી મહાવીરદેવમાં કાંઇ પણ ફેર નથી, ફક્ત આ પહેરણનો ફરક છે એમ કહી પહેરણ ઊંચું કરી દેખાડ્યું. તે વખતે અંધારું હતું છતાં તે વખતે પરમકૃપાળુદેવે જણાવ્યું કે જાઓ, હવે પાંચ જ મિનિટની વાર છે. મગનલાલ વકીલને અમારા માટે ટિકિટ લઇ ગાડીએ બેસાડવાની આજ્ઞા કરી હતી જેથી અમો સ્ટેશને ગયા ત્યારે ટિકિટ લીધેલી હતી તે લઇને ગાડીમાં પગ મૂક્યો અને ગાડી ઊપડી, પરમકૃપાળુદેવ પ્રતિ વિશેષ દૃઢ પ્રતીતિ થઇ. પછી ફરી સમાગમ લાભ નથી થયો. એ જ. ઉપર પ્રમાણે સ્મૃતિમાં રહેલ તે પ્રમાણે ઉતારો કરાવ્યો છે.
શ્રી છોટાલાલ છગનલાલ - ખંભાત
શ્રી ખંભાત નિવાસી ભાઇ શ્રી છોટાલાલ છગનલાલ પરમકૃપાળુદેવના સમાગમમાં આવેલા તે પ્રસંગે જે જે કાંઇ વાતચીત ખુલાસા થયેલ તે પોતાની સ્મૃતિ પ્રમાણે ઉતારો કરાવેલ છે. હાલ તેઓની ઉંમર વર્ષ ૫૬ની છે.
૧૫૭