________________
સત્સંગ-સંજીવની
પૂછયું કે સાહેબજી ઉપર મેડા પર છે ? અમારે દર્શન કરવા જવું છે. ત્યારે તે ભાઇએ જણાવ્યું કે સાહેબજી અને તેઓશ્રીની સાથે કેટલાક ભાઇઓ નારેશ્વર તરફ પધાર્યા છે. ત્યારે અમોએ જણાવ્યું કે પાછા ફરીને અત્રે ક્યારે પધારશે ? ત્યારે તે ભાઇએ જણાવ્યું કે અત્રે કયારે પધારશે તે હું ચોક્કસ જાણતો નથી. ત્યારે અમો બન્ને ત્યાંથી પાછા વળ્યા. રસ્તામાં ચાલતાં મેં માણેકલાલને કીધું કે હવે કાલે ક્યા ટાઇમે જવાનો જોગ રાખીશું ? ત્યારે માણેકલાલે જણાવ્યું કે આવતી કાલે તો અત્રેથી બીજા ક્ષેત્રે પધા૨વાના છે. ત્યારે મેં જણાવ્યું કે ત્યારે તો હવે જ્યારે ફરીથી આ તરફ પધારે ત્યારે જરૂર મને ખબર આપજો. એમ વાતચીત થયા બાદ અમો બન્ને જુદા પડયા અને ત્યાંથી હું મારા મકાને ગયો.
ત્યાર પછી પરમકૃપાળુદેવ સંવત ૧૯૫૨ની સાલમાં શ્રી ખંભાતથી આશરે ત્રણ ગાઉ દૂર ગામ રાળજ છે ત્યાં પધાર્યા હતા. તે સંબંધી સમાચાર મને માણેકલાલે જણાવ્યા હતા તેથી ત્યાં જવાની તીવ્ર ઇચ્છા ઉત્પન્ન થઇ. આ સંબંધી સમાચાર માણેકલાલે જણાવ્યા. તે વખત રાત્રિનો હતો. જેથી મેં વિચાર કર્યો કે સવારે વેલાસર રાળજ જવું. આ પ્રમાણે દૃઢ નિશ્ચય કરી હું સબુરભાઇ પાસે ગયો.
પ્રથમ જ્યારે માણેકલાલે પરમકૃપાળુદેવ સંબંધી અદ્ભૂત વર્ણન કરેલું તે હકીકત મેં સબુરભાઇને જણાવી હતી જે સાંભળતા તેઓશ્રીને સાહેબજીના દર્શન કરવાની તીવ્ર જિજ્ઞાસા ઉત્પન્ન થઇ હતી અને મને જણાવ્યું કે હવે જો કદાચિત ફરીથી આ તરફ સાહેબજીનું આગમન થાય તો જરૂર ખબર આપજો. તેથી હું ખબર આપવા ગયો હતો. ત્યાં જઇને મેં સબુરભાઇને જણાવ્યું કે સાહેબજી રાળજ મુકામે પધાર્યા છે, માટે હું આવતી કાલે સવારમાં પહેલા પ્રહરે જવાનો છું, તમારે આવવા મરજી હોય તો તૈયાર થજો. ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે હું તો તૈયાર જ છું. હું સવારમાં વેલાસર તૈયાર થઇને તમારા મકાને આવીશ. એમ વાતચીત થયા બાદ હું મારા મકાન તરફ ગયો. રસ્તામાં જતાં ગાંધી દલસુખભાઇ ડાહ્યાભાઇ મળ્યા હતા. તેઓને મેં સાહેબજીનું આગમન થયા સંબંધી તથા સાહેબજીના અદ્ભુત ચમત્કારો વિષે વર્ણન કરતાં તેઓએ પણ મારી સાથે આવવાની ઇચ્છા જણાવી, ત્યાર પછી અમો ત્રણે બીજે દિવસે સવારમાં પાંચ વાગતાના સુમારે ગાડીમાં બેસી રાળજ તરફ ગયા. રાળજ મુકામે આશરે નવ વાગતાં પહોંચ્યા હતા.
સાહેબજીનો ઉતારો ઇનામદાર શેઠ બાપુજી શેઠ ખરસેદજી શેઠના બંગલામાં હતો. અમો જે વખતે પહોંચ્યા હતા તે સમયે સાહેબજી ઉપર મેડા ઉપર વચલા હોલમાં છત્રપલંગ પર શયન થયા હતા અને ગાથાઓની ધુનમાં વારંવાર ઉદ્ગારો થતા હતા.
અમો ત્રણે મેડા પર જવાની સીડી પાસે જઇને ઊભા રહ્યા ત્યાં તે સીડીના પગથિયા માંહે પૂજ્ય ભાઇ શ્રી અંબાલાલભાઇ બેઠા હતા. અમોએ સાહેબજીના દર્શનાર્થે મેડા પર જવાની આજ્ઞા મંગાવી ત્યારે ભાઈશ્રી અંબાલાલભાઇ સાહેબજી સન્મુખે ગયા અને સાહેબજી પ્રત્યે જણાવ્યું કે આપશ્રીના દર્શનાર્થે ખંભાતથી ત્રણ ભાઈઓ આવ્યા છે. અને અત્રે આપશ્રી પાસે આવવા ધારે છે, માટે આજ્ઞા મેળવવાર્થે હું આપની પાસે આવ્યો છું. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે ભલે, આવવા દ્યો.
જ્યારે અંબાલાલભાઇ સાહેબજી પાસે ગયા ત્યારે હું તથા સબુરભાઇ મેડા પર સાહેબજીના હોલ નજીક જઇને ઊભા રહ્યા હતા તે એવા વિચારથી કે સાહેબજી તરફથી આવવાની આજ્ઞા થાય કે તુરત જ સાહેબજી પાસે જઇ શકાય. તેવા હેતુએ નજીકમાં જઇને ગુપ્તપણે ઊભા રહ્યા હતા જેથી ઉપર જણાવ્યા પ્રમાણે સાહેબજી સમીપે ભાઈશ્રી અંબાલાલભાઇએ કરેલી વાતચીત અમોએ લક્ષપૂર્વક સાંભળી હતી જેથી અત્રે જણાવી છે.
૧૪૦