________________
GSSSS સત્સંગ-સંજીવની GPSC
R:
સાહેબજીના સમીપે ગયા હતા. તેઓશ્રી નીચે આવ્યા બાદ અમો સાહેબજી પાસે દર્શનાર્થે ગયા હતા. ત્યાં વાતચીતના પ્રસંગે મેં જણાવ્યું હતું કે અમો જમવા માટે શહેરમાં જવાના છીએ. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે એમ કાં કરો છો ? અત્રે રસોડું છે માટે બીજે જવાની શી જરૂર છે ? જેથી અમોએ રસોડે જમવાનું રાખ્યું હતું. ત્યાર બાદ અમો સાહેબજીના દર્શન કરીને નીચે આવ્યા હતા. તો
સાહેબજીની શરીર પ્રકૃતિ ઘણી જ નરમ રહ્યા કરતી હતી જેથી પરમકૃપાળુદેવના માતુશ્રી તથા ડોકટર પ્રાણજીવનદાસ વગેરે ત્યાં હતા. અમો ત્યાં દસેક દિવસ રોકાયા હતા. મુનિશ્રી લલ્લુજી સ્વામી આદિ ચાર મુનિશ્રી. અમદાવાદમાં કાંકરિયા તળાવ નજીક ધર્મશાળામાં પધારેલા હતા. ત્યાં મુનિશ્રી પાસે સાહેબજી જતા હતા.
અમો જ્યારે રાત્રે સૂઇ રહ્યા હતા ત્યારે ભાઇ સબુરભાઇને સ્વપ્રામાં જે પ્રમાણે ભાસ થયેલો તે પ્રમાણે સવારમાં મને જણાવ્યું હતું તે પ્રમાણે અત્રે જણાવું છું. સ્વપ્નામાં એવો ભાસ થયો હતો કે આકાશમાર્ગેથી રૂપિયાનો વરસાદ વરસે છે – વગેરે તેવા પ્રકારનો ભાસ થયો હતો. તે જ દિવસે સાંજના પાંચ વાગે સાહેબજીએ સર્વે ભાઇઓને જણાવ્યું હતું કે શ્રી ખંભાતમાં શ્રી સુબોધક પુસ્તકાલય ખોલવાનો વિચાર ધારેલ છે અને તે અર્થે ફંડ ઊભું કરવા વિચાર ધારેલ છે. આ વખતે ખંભાતના તથા અમદાવાદના તથા બીજા ગામોના ઘણા જ ભાઇઓ હતા. સર્વે ભાઇઓ સાહેબજીના સન્મુખે બે હસ્તો વડે અંજલી જોડી ઊભા રહ્યા હતા. સાહેબજીએ તે વખતે ભાઇ શ્રી અંબાલાલભાઇને જણાવ્યું કે ગાંડાભાઈને બોલાવો, સાહેબજીના કહેવાથી ભાઈશ્રી અંબાલાલભાઈએ મને બોલાવ્યો જેથી હું તુરતજ સાહેબજીના સમીપવાસે જઈને બે હાથ વડે અંજલિ જોડી ઊભો રહ્યો એટલે સાહેબજીએ મને જણાવ્યું કે ખંભાતમાં શ્રી સુબોધક પુસ્તકાલય સ્થાપન કરવાનું છે અને તે સ્થાપના પ્રથમ તમારા હાથે જ કરાવવા વિચાર ધારેલ છે જેથી પ્રથમ તમો પોતે જ રૂ. ૨૦૧/- આ ટીપમાં ભરો. ત્યારે મેં જણાવ્યું કે શ્રી વઢવાણ કેંપમાં શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળની ટીપમાં રૂ. ૧૦૧/- ભરેલા છે, માટે આ વખત આટલી મોટી રકમ નહીં પોષાય. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે અમારું જે કાંઇ કહેવું થાય તેમાં બીજો વિચાર નહીં કરતાં યોગ્ય જ માની લેવું. ત્યારે મેં સાહેબજી પ્રત્યે જણાવ્યું કે તથાસ્તુ. એમ બોલી સાહેબજીના જણાવ્યા પ્રમાણે ટીપમાં ભર્યા હતા. ત્યાર બાદ ખંભાતના બીજા સર્વે ભાઇઓ તરફથી ભરાયા હતા. ત્યાર બાદ શ્રી અમદાવાદવાળા પૂજ્ય ભાઈ શ્રી પોપટલાલભાઇએ સાહેબજી પ્રત્યે જણાવ્યું કે અમારે પણ આ ટીપમાં ભરવાની ઇચ્છા છે. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે હાલ તો પ્રથમ પહેલું સ્તંભતીર્થમાં સ્થાપના કરવા વિચાર ધારેલ છે, માટે આ વખતે તો ખંભાતવાળા ભાઇઓ તરફથી ભરાવવા વિચાર છે. ત્યાર બાદ પાણીની પરબોની માફક કેટલાંક સ્થાનો પર સ્થાપન કરવા વિચાર છે. જ્યારે અમદાવાદમાં સ્થાપન કરવાનું થાય ત્યારે તમારી ઇચ્છાનુસાર ભરજો. ત્યાર બાદ સાહેબજીએ જણાવ્યું હતું કે સુબોધક પુસ્તકાલયનું મકાન કેવા પ્રકારનું બંધાવવું તે વિષે ભલામણ કરી હતી કે તે મકાન એવા સ્થાન પર જોઇએ કે બજારમાં નહીં તેમજ બજારમાં ગણી શકાય તેવા સ્થાન પર તથા ચારે તરફ ખુલ્લી જગા હોય તથા દિશા-પાણીની સગવડતા તથા પુસ્તકોજીની ગોઠવણી માટે કબાટો રાખવાં તથા મૂળ રકમ રહી શકે અને યોગ્ય વ્યવસ્થા થાય તેમ કરવું - વગેરે ભલામણ કરી હતી.
સાહેબજીએ જ્યારે ટીપમાં ભરવા માટે આજ્ઞા કરી હતી અને હું તેટલી રકમ ભરવામાં પ્રથમ સહજ અચકાયો હતો તે વખતે સાહેબજીએ મને જણાવ્યું હતું કે અમો જે કાંઇ જણાવીએ તે યોગ્ય જ માની તેમજ કરવું. કોઇની પાસે પાશેર કચરો વધુ હશે અને કોઇની પાસે પાશેર કચરો ઓછો હશે પરંતુ તમારે તે તરફ દૃષ્ટિ કરવાની જરૂર નથી. અમારા લક્ષમાં છે કે આ બધાઓની પાસે તમારા કરતાં અધિક પૈસા છે તે સઘળું અમારા જાણવામાં છે છતાં અમોએ તમોને જણાવ્યું છે તો તેમાં બીજો વિકલ્પ કરવાની જરૂર નથી એમ જણાવ્યું હતું.
૧૪૯