________________
સત્સંગ-સંજીવની
મનને નહીં થવાથી તે વાત પૂછવાને માટે ભાઇ છોટાલાલ છગનલાલનો કાગળ લઇ શ્રી પરમકૃપાળુદેવ પાસે શ્રી મુંબઇ ગયો. જઇને એ કાગળ તથા મીઠાઇ સૂતરફેણી અને નાની ટોપલી તથા કાગળ ભાઇ શ્રી છોટાલાલ છગનલાલના દીકરા નગીનદાસને આપ્યો. તેઓ સાહેબજીને ત્યાં નોકરી રહેલા હતા. તે ટોપલી તેમણે રસોડામાં મોકલવાનો હુકમ કર્યો અને પોતે પત્ર વાંચ્યો અને મને ગાદી પર બેસવાનું કહ્યું. હું થોડી વાર બેઠો અને વાત કરવાનો વખત જોઉં છું. તે વખતે માકુભાઇને સાહેબે કહ્યું કે આપણે ત્યાં મેમાન છે અને ભાઇ છોટાલાલભાઇને જમવાનું કહીશું ? એવી આજ્ઞા માગી. એમણે આજ્ઞા મળવાથી મને કહ્યું કે અહીં જમજો, મારો પણ એ જ વિચાર હતો કે તેમની પાસે જમવું અને તેમની પાસે રહેવું. તે વિચારને મળતી વાત આવી એટલે મેં હા કહી. પછી વખત આવવાથી મારે જે અગાઉ મનમાં ખટક હતી તે પૂછી. ત્યારે એમણે જવાબ આપ્યો કે જે પ્રકારે તમે તે ધણી સાથે જે પ્રકારની માયા કરેલી હોય તે જ પ્રકારે તમામ દર્શાવીને, તે ધણીની જે રકમ રહી હોય તે રકમ તેના વ્યાજ સાથે તે ધણીને ગણી આપીને પગે લાગો તો તમો નિર્દોષ થઇ શકો. એ જ પ્રકારે મારા અધ્યવસાય પૂરેપૂરા એ જ પ્રમાણે વાતચીત કરવી અને તે પ્રમાણે ૨કમ પૂરેપૂરી ગણી આપવી - મેં મારા વડીલને વાત કરી પણ વડીલે ઊલટો ભય બતાવ્યો અને મારી આજીવિકામાં વિઘ્ન આવે તેવો ભય મારા વડીલે મને બતાવ્યો તે ભયસંજ્ઞાથી એ ધણી સાથે કંઈપણ વાતચીત મારે થઈ નહીં અને તેને કાંઇ પણ રકમ હું આપી શક્યો નહીં. એ ભય હોવાથી મારું શરીર ક્ષણભંગુર ધારીને મેં એ રકમ વ્યાજ વગરની મારા મનકલ્પિત સારા માર્ગે વાપરી. ત્યાર પછી તે ભૂલવાળો ધણી દેહમુક્ત થયા પછી જે મને વડીલની ભયસંજ્ઞા કમતી થઇ ત્યારે મેં કૃપાળુદેવ ભગવાનના આશ્રિત ભાઇઓની સલાહ પ્રમાણે થોડી રકમ સારા માર્ગે વાપરી.
જે વખતે કૃપાળુદેવની સાથે વાતચીત થઈ તે વખતે બીજા મહેમાનો ઝાઝા હતા. પછી મેં પૂછ્યું કે મારા જોગ કંઇક સમજવા જેવું આપશ્રી બતાવો. ત્યારે સાહેબજીએ મને પૂછયું કે જૈન ધર્મ સિવાયના બીજા સંપ્રદાયના પુસ્તકો વાંચવામાં તમોને અડચણ છે ? મેં જણાવ્યું કે મને કોઇ વાતની અડચણ નથી. આપશ્રી જે પુસ્તકની આજ્ઞા કરશો તે આપશ્રીના માણસને સાથે લઇ જઇ લઇ આવીશું. પછી પરમકૃપાળુદેવે આજ્ઞા ફરમાવી તે પાંચ કે છ પુસ્તકો મંગાવવા ફરમાવ્યું, તેમાં શ્રી મણિરત્નમાળા તથા યોગવાસિષ્ઠના બે પ્રકરણો તથા મોહમુદ્ગર વગેરે પુસ્તકો મને તેઓશ્રીના માણસે લાવી આપ્યા. તે પુસ્તકો લઇ હું બીજે દિવસે મદ્રાસ ગયો અને મારું સરનામું સાહેબજીની પેઢીએ નોંધાવ્યું હતું. ત્યાર પછી ચાર-પાંચ મહિના પછી વી.પી.પી. થી મને પુસ્તક નંગ ૧ સાહેબજીએ મોકલ્યું હતું તેની કીંમત રૂા. ૨/- આશરે હતી. તે પુસ્તકમાં એમ લખ્યું હતું કે માર્ગાનુસારીના જે પાંત્રીશ બોલ કહેવાય છે તેવા આકારમાં શેઠ વગેરેની અનીતિ ક૨વી નહીં, એવા આકારમાં તે પુસ્તકમાં લખેલું હતું. તે જ પુસ્તક હું હર વખતે વાંચતો હતો અને પાસે રાખતો હતો, અને ત્યાર પછી તે પુસ્તક ક્યાં મૂક્યું છે તે હાલ મને સ્મૃતિમાં રહેલ નથી, તેમજ તે પુસ્તકના નામની પણ યાદી રહેલ નથી.
મને પ્રથમ સંવત ૧૯૫૨ની સાલમાં શ્રી વડવે દર્શન થયેલાં, કંઇ વાતચીત થયેલી નહીં. તેમની વાણી સાંભળેલી તેથી મારું મન શાંત થયું હતું. તેના અગાઉ સંવત ૧૯૪૮ની સાલમાં ભાઇ છોટાલાલનો કાગળ લઇ ગયેલ તેમાં મોક્ષમાળા અપાવવા લખેલું હતું. તે કાગળ મેં સાહેબજીને હાથોહાથ આપેલ, તે વખતે તેઓશ્રીએ ઊઠીને મને મોક્ષમાળાનું પુસ્તક હાથોહાથ આપ્યું અને તે વખતે તેઓશ્રી મૌન રહેતા હતા. J
મારા સંશયનો ખુલાસો કર્યો તે વખતથી મને આસ્થા થઇ. પછી પૂજ્ય શ્રી હીરાભાઇ પોપટલાલભાઇથી મને સંપૂર્ણ આસ્થા થઇ છે અને તેઓશ્રી પ્રત્યે ભગવાન તરીકે આસ્થા થઇ છે. એ જ. મારી સ્મૃતિ પ્રમાણે ઉતારો કરાવેલ છે, સંવત ૧૯૬૯ના ચૈત્ર વદ ૧૧ ગુરૂવારના દિને.
૧૫૪