________________
સત્સંગ-સંજીવની
ત્યાર પછી બીજે દિવસે શ્રી વડવા મુકામે ગયા હતા કે નહીં તે હાલમાં મને સ્મૃતિમાં રહેલ નથી.
ત્યાર પછી અમો ભાઇ શ્રી અંબાલાલભાઇ તથા ભાઇ શ્રી ત્રિભોવનભાઇ આદિ મુમુક્ષુ ભાઇઓના સમાગમમાં હમેશા જતા હતા. ત્યાં ભાઇ શ્રી અંબાલાલભાઇ હમેશા ઘણો વખત પરમકૃપાળુદેવની અદ્ભુત દશાનું વર્ણન કરતા હતા. એક દિવસે ભાઇ શ્રી અંબાલાલભાઇ જણાવતા હતા કે પરમકૃપાળુદેવ જ્યારે લઘુવયના હતા તે સમયે સ્કૂલે ભણવા જતા હતા ત્યારે બગલ માંહે સ્લેટ પાટી રાખતા હતા અને ટોપી તથા પહેરણ તથા છેટી પહેરીને જતા હતા.
ભાઇ શ્રી સબુરભાઇ હમેશા મારા મુકામે આવતા હતા ત્યારે સમાગમમાં પરમકૃપાળુદેવ સંબંધી જે જે વાતો સાંભળવામાં આવી હોય તે સઘળું વૃત્તાંત અમારા બૈરાઓ પાસે કહી સંભળાવતા હતા. એક દિવસને વિષે એટલે રાત્રિએ સાંભળવામાં આવેલું તેના બીજે દિવસે (ઉપર જણાવી ગયા છીએ કે પરમકૃપાળુદેવ સ્કૂલે જતા હતા તે સંબંધી વૃત્તાંત) સઘળું વૃત્તાંત કહી સંભળાવ્યું હતું. તે સમયે અમારા બૈરાઓની તબિયત સહજસાજ નરમ રહેતી હતી જેથી બારણા પાસે બેસી રહ્યા હતા. તે સમયે જાગ્રતપણામાં એક અદ્ભુત દેખાવ થયો હતો કે નાની ઉંમરના આશરે સાત વર્ષની વયના એક છોકરાને દીઠો. તે છોકરો જે બારણા પાસે હું બેઠી હતી તે બારણામાં પ્રવેશ કરી મારી નજીકમાં થઇને પાછળના બારણે થઇ ચાલ્યો ગયો. જ્યારે મારી નજીકમાં થઈને ચાલ્યો જતો હતો ત્યારે થોડે દૂર ગયા બાદ પૂંઠ વાળી મારા સામું હસમુખે દષ્ટિ કરી હતી. તે સમયે મારી સ્મૃતિમાં આવ્યું કે આતો સાહેબજી પોતે જ, આપણને હાલ થોડા જ વખત પર સબુરભાઇએ જે વાત કરી હતી એ જ આકૃતિ ધારણ કરી પ્રભુ પધાર્યા – એમ વિચાર સ્મૃતિમાં આવતાં તે સાથે બીજો એમ વિચાર ઉત્પન્ન થયો હતો કે આ શું ચમત્કાર ? વગેરે વિચારોથી બીજી કાંઇપણ ગમ પડી નહીં. હું આ પ્રમાણેના વિચારો કરતી હતી અને તેઓશ્રી તો ત્વરાથી પાછળના બારણે થઇ ચાલ્યા ગયા હતા. થોડા વખત પછી મને વિચાર થયો કે કઈ તરફ જાય છે તે તો જોઉં. તેવા વિચારોથી હું ધસી ધસી પાછળના બારણા તરફ ગઇ અને બહાર જઇ ચારે દિશા તરફ કેટલેક દૂર સુધી નજર પહોંચાડી જોયું તો બિલકુલ દેખાયા નહીં. તેઓશ્રીએ પહેરણ તથા ટોપી તથા છેટી પહેરેલી હતી. તથા બગલમાં સ્લેટ પાટી રાખેલ હતી. મને પાછળથી એવો વિચાર ઊગ્યો કે જો કદાચ તે વખતે તેઓશ્રીનો હાથ ઝાલી થોભાવ્યા હોત તો ઘણો જ લાભ થાત - એમ વિચાર થયો હતો.
આ સઘળો વૃત્તાંત હું મારા મુકામેથી સાંજના સાત વાગ્યા પછી ભાઇ શ્રી સબુરભાઇની સાથે ભાઇ શ્રી અંબાલાલભાઇના મુકામે ગયો હતો, ત્યાર બાદ ત્યાંથી જ્યારે હું મારા મુકામે આવ્યો ત્યારે બૈરાઓએ કહી સંભળાવ્યો હતો.
શા ગટોરચંદ મોતીચંદે શ્રી વડવા મુકામે પરમકૃપાળુદેવ પ્રત્યે ખોટા આક્ષેપો આરોપણ કરી નિંદા કરી હતી, તે સંબંધમાં મેં ભાઇ શ્રી અંબાલાલભાઇને પૂછયું હતું ત્યારે ભાઇશ્રી અંબાલાલભાઇએ જણાવ્યું કે જ્યારે તમો સર્વે પોતપોતાના મુકામ તરફ ગયા હતા ત્યાર બાદ પરમકૃપાળુદેવ દરિયા તરફ ફરવા માટે પધાર્યા હતા. ત્યાંથી પાછા આવતી વખતે મેં પરમકૃપાળુદેવ પ્રત્યે જણાવ્યું હતું કે અત્રે ઢૂંઢક જ્ઞાતિના જે લોકો મુહપત્તી સંબંધમાં પૂછવા આવ્યા હતા તે લોકો આપશ્રીના અવર્ણવાદ બોલતા હતા, તેમાં પણ જે ગટોરચંદ મોતીચંદ હતા તે તો ઘણું જ બોલતા હતા. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે ગટોરચંદ મોતીચંદ થોડા વખતમાં આ સત્ય માર્ગ પામી શકશે, માટે તમો સૌ કોઇ તેઓની નિંદા કરતા નહીં, તેઓનો અવર્ણવાદ બોલશો નહીં. તમારા મનમાં પણ તેઓના સંબંધમાં કોઇ પણ પ્રકારનો વિક્ષેપ કરશો નહીં. તેઓ અમારા સંબંધમાં કષાયના આવેશમાં બોલ્યા હતા, તેને માટે તેઓને ઘણો જ પશ્ચાત્તાપ થશે. એમ સાહેબજીએ જણાવ્યું હતું એવું ભાઇ શ્રી
૧૪૬