________________
સત્સંગ-સંજીવની
કહ્યું કે એમ તે કાંઇ સુધરતો હશે ? પછી તેને મારવાનું બંધ કર્યું ને છોકરો ચાલ્યો ગયો.
એક વખતે હું તથા છોટાલાલભાઇ શ્રી પ.કૃ.દેવ સાથે ફરવા સ્ટેશન પર ગયા હતા, ત્યારે કહ્યું કે પાંચથી દસ હજાર જીવો માર્ગ પામશે. કેટલાક તો અમોને શોધતા આવશે અને આવો પુરૂષ બીજો નહી થાય એમ કહેતા અને સમયસારનો દોહરો બોલતા હતા.
ઘટઘટ અંત૨ જિન બસે, ઘટ ઘટ અંતર જૈન, મત મદિરા કે પાનસે, મતવારા સમજૈન.
એક વખતે રસ્તામાં શ્રી કૃ. દેવના મસ્તક ઉપર છત્રી ધરી હતી. હું જોડે ચાલતો હતો. તે વખતે મારા પગમાં જોડો નહતો અને રસ્તામાં પથરા હતા. તે વાગતા હતા. પરંતુ તે યોગી પુરૂષના પસાયથી ઘણો ઉલ્લાસ ભાવ રહેતો હતો. પછી પોતે તે પથરા ઉપરથી ઉતરી ગયા હતા.
મુંબઇમાં શ્રી કલ્યાણજીભાઇ કરીને મુમુક્ષુ આવતા હતા તે ગુણ પર્યાય સંબંધી ઘણું પૂછતા હતા. તેમનું સમાધાન કરતાં અને તે બહુ આનંદ પામતા હતા. કેટલીક વખત ખીમજીભાઇ પણ ત્યાં આવતા હતા. ખીમજીભાઇ સંબંધી વાત કરી હતી કે તે પૂર્વના સંબંધી હતા. તેણે એક વખત કોઇ પુસ્તક વાંચ્યું તે ઉપરથી તેને એમ થયું કે બધું પુસ્તકમાં છે એટલે તે પુસ્તક લઇ ગિરનાર પર જતા રહ્યા. અમુક વખત ત્યાં રહી પાછા આવ્યા. આશય એ કે જીવ એમ જાણે છે કે બધું પુસ્તકમાં છે પરંતુ બધું સત્પુરૂષના હૃદયમાં સમાયું છે. તેમ આશય જાણવા માટે મને (ત્રિભોવનને) કહ્યું.
એક વખત હું કોણ છું ? ક્યાંથી થયો ? આ ગાથાનો અર્થ કરવા આપ્યો હતો. મેં તે લખીને સાહેબજીને આપ્યો હતો. પોતે મૌન રહ્યા એમ યાદ છે. એક વખતના અવસરે શ્રી કૃપાળુદેવની સમીપમાં સાણંદથી મોતિભાઇ ઓસવાળ આવ્યા હતા. તે અને બીજા ભાઇઓ બેઠા હતા. તે વખતે એ લોકોના પૂછ્યા વગર એમના પ્રશ્નના ઉત્તર શ્રી કૃપાનાથે આપ્યા હતા. તેથી આ ભાઇને કૃપાળુ દેવ પ્રતિ ઘણું માન ઉત્પન્ન થયું પણ તેમના મનમાં હતું કે આતો ગૃહસ્થ છે. તેથી તેમને ફેટાવંદન થાય તેથી બેહાથ જોડી ધીમે ધીમે ચાલ્યા ગયા હતા. પછી રાતના બધા બેઠા હતા તે અવસરે શ્રી કૃપાનાથે કહ્યું કેમ મોતિભાઇ ! તમોને ક્યા ક્યા સાધુ મળ્યા છે ? તેણે કહ્યું કે મને બાલચંદજી તો મલ્યા છે. શ્રી પ.કૃ.દેવે કહ્યું કે તમને અત્યાર સુધી તમારા માન કષાયના પરમાણુ વેરી નાંખનાર મળ્યા નથી. આજે તમારા માન કષાયના પરમાણુ આ લોકમાં વેરી નાંખવા જણાવીએ છીએ. તમે સાણંદથી પત્ર લખ્યો તેમાં ઘણી ઘણી ઉપમાઓ લખી હતી ખરૂં ? તેણે કહ્યું હા. સાહેબજી – સવારે તમારા પ્રશ્નોનું સમાધાન થયું હતું ? તેણે કહ્યું હા, જી સાહેબજી – તમારા મનમાં એમ આવ્યું કે આ તો ગૃહસ્થ છે, માટે ખમાસમણ ન દેવાય પણ ફેટાવંદન થાય આવી કલ્પનાથી તમે ધીમે ધીમે ખસી ગયા કેમ એ વાત સાચી છે ? તેણે કહ્યું હા. સાહેબજી. અમને કંઈ નમસ્કારની દરકાર નથી. તમો નમસ્કાર કરો તેના અમને પૈસા ઉપજવાના નથી. તેમ તમોને પણ માનની કિંમત ત્રણ પૈસા કોઇ આપનાર નથી. અમારે જો નમસ્કાર જ કરાવવા હોય તો એક નોકર રાખીએ અને તેને કહીએ કે તારે નમસ્કાર કરવા. પણ તે કામનું નથી. અત્યાર સુધી તમને કોઇ કહેનાર તે ન મળ્યું માટે કહીએ છીએ. જીવ ઉપમા ઘણી લખે પણ સંદેહ કરી ચાલ્યો જાય છે. ઇત્યાદિ ઘણું કહ્યું હતું. આ મોતિભાઇએ શ્રી આત્મસિધ્ધિ છપાવવા કાયમ માટે રૂા. ૩૦૦ અર્પણ કર્યા હતા. શ્રી કૃપાનાથના બોધથી તેના માનના પરમાણુ વેરાઇ ગયા હતા એમ મને લાગ્યું હતું.
૧૨૬