________________
સત્સંગ-સંજીવની
જ વિચારમાં આટલો વખત જતાં પછી એમ જ થયું કે લખવાથી ખુલાસો થશે માટે આ પત્ર લખ્યો છે. મને મારી કલ્પનાથી કરી પદાર્થનો નિર્ણય થયો હોય એમ સમજાય છે. કારતક શુદ ૨, રવિએ રાત્રિના પ્રથમ ભાગમાં અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનું સ્વરૂપ વિચારતાં તેમજ પદાર્થ ઉપરના સ્વરૂપનો નિર્ણય થયો હોય એમ સમજાય છે. માટે આ વાત ખરી છે કે નહીં અથવા તે પદાર્થના સ્વરૂપનો નિર્ણય થયો હોય તો તે નિર્ણય તે ધારી રાખી અથવા મૂકી દઇ આગળ અભ્યાસમાં કેવી રીતે પ્રવર્તવું ? એટલે કે હાલ કયું શાસ્ત્ર વાંચવું અથવા શું વિચાર કરવો તે યોગ્ય લાગે તો જણાવવા કૃપા કરશોજી. સ્વચ્છંદી છું. અનંત દોષથી ભરેલો છું. જેથી કરીને કલ્પનાથી કંઇ કલ્પાયું હોય તો વારંવાર ત્રિકરણ યોગથી અને આત્મભાવથી વંદન નમસ્કાર કરીને ક્ષમાવું છું અને તેથી વિશેષ અથવા બીજી રીતે સમજવા ઇચ્છું છું.
પદાર્થનો નિર્ણય થયો હોય તે આત્માની દશા કેવી વર્તતી હશે ? કે ખચિત આવી દશા વર્તતી હોય ત્યારે પદાર્થનો નિર્ણય થયો હોય એમ સમજી શકાય. એ વાત જો જાણવા યોગ્ય ભૂમિકાને યોગ્ય આ આત્મા થયો હોય તો જણાવશો.
સત્ય પરમાત્માનો વિયોગ થયા પછીથી આ આત્માનો ક્રમ - ઉપયોગ એક જ ધારાનો ચાલ્યો આવે છે તે સહજ ભાવે વિદિત થવા લખ્યું છે. હાલ એ જ. આ આત્માને યોગ્ય કામસેવા ફરમાવશોજી. શ્રી સ્તંભતીર્થ ક્ષેત્રથી દેહધારી આત્માના આત્મભાવે વારંવાર નમસ્કાર.
(જવાબ વ. ૬૫૪)
પત્ર-૪૯
સં. ૧૯૫૨
સ્વરૂપ વિલાસી, પ્રભુશ્રીને ત્રિકાળ નમસ્કાર.
સદા આનંદી, પૂરણ બ્રહ્મ સ્વરૂપી, સદા આત્મસુખમાં બિરાજમાન, વર્તમાન મહાવીર શ્રી રાજચંદ્રજી. પરમકૃપાના અનુગ્રહથી એક પત્ર મળ્યું (વ. ૬૮૫) વાંચી આનંદ થયો છે. તે પત્રમાં જણાવ્યા પ્રમાણે અત્રેની બુકોમાં ફેર તપાસ કરી સુધારી લઇશ, અને હાલ એક બુક શ્રી કુંવરજીભાઇને મોકલી આપીશ. અને શ્રી સુખલાલને તેમનો પત્ર આવ્યેથી મોકલીશ.
જે જે વચનામૃતોની બુકો ઉતારી હોય તે તે સઘળી બુકોમાં મારાથી અવ્યવસ્થિત ચિત્તને લીધે તેમજ અલ્પજ્ઞતાથી, છદ્મસ્થતાથી, દષ્ટિદોષ કિંવા શૂન્ય ઉપયોગથી અશુદ્ધતા થઇ હોય તે સર્વની આજ સુધીની ક્ષમાપના ઇચ્છું છું તે આપ સાહેબ, દીન જાણી, ગરીબ પામર જાણી ક્ષમા આપવા યોગ્ય તેની દશા જાણી ક્ષમા આપવા દયા કરશોજી. કારણ આપ તો દયાળુ છો.
હે પ્રભુ ! આપ તો કૃપાળુ છો, જીવદયા પ્રતિપાળ છો અને ‘જીવદયાણું' જીવના આપણહાર છો. ત્યારે હવે તો કઇ ઉપમા આપને લખું ? કારણ કે આખું જીવનું સ્વરૂપ જ આપ આપો છો. અત્યાર સુધી અજ્ઞાનના વિભ્રમથી હું અજીવરૂપ જ હતો. અને જ્યારે તે વિભ્રમ યોગનું અજીવપણું મટાડી જીવપણું પ્રત્યક્ષ પ્રગટ કરાવનાર એવા જે આપ તરણતારણ નાથને મારા તરફથી શું ભેટ આપું કે જેથી તેનો બદલો વળી શકે. એવી તો કોઇ શાશ્વતી વસ્તુ દુનિયામાં જણાતી નથી ત્યારે જે જીવપણું આપવાને આપ દયાળુ છો તે જ જીવ આપને અર્પણ કરવા યોગ્ય છે. અને જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાં સુધી જીવપણું પ્રાપ્ત થવું નથી, અને સર્વસ્વ અર્પણ કરવાની
૫૪