________________
૮૩
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત
પરિશિષ્ટ-૮ : નિદાન સંબંધી તર્ક-વિતર્ક
[દશા–૧૦] આ દશામાં શ્રેણિક રાજા અને ચેલણારાણીના નિમિત્તથી નિદાન કરવાવાળા શ્રમણ-શ્રમણીઓના મનુષ્ય સંબંધી ભોગોના નિદાનોનું વર્ણન શરૂઆતમાં કર્યું છે. પછી ક્રમશઃ દિવ્ય ભોગ તથા શ્રાવક અને સાધુ અવસ્થાના નિદાનોનું કથન કર્યું છે. આના સિવાય બીજા અનેક પ્રકારના નિદાન પણ હોય છે, જેમ કે– કોઈને દુઃખ દેનારો બનું કે તેનો બદલો લેનારો બનું ઇત્યાદિ. ઉદાહરણના રૂપમાં શ્રેણિકને માટે કોણિકનું દુઃખદાયી બનવું, વાસુદેવનું પ્રતિવાસુદેવને મારવું, દ્વીપાયન ઋષિ દ્વારા દ્વારકાનો વિનાશ કરવો, દ્રૌપદીને પાંચ પતિ હોવા અને સંયમ ધારણ પણ કરવો, બ્રહ્મદતનું ચક્રવર્તી થવું અને સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ થવી, ઇત્યાદિ.
નિદાનના વિષયમાં આ સહજ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે કોઈ સંકલ્પ કરવા માત્રથી ૠધ્ધિની પ્રાપ્તિ કેવી રીતે થઈ જાય છે ?
સમાધાન એ છે કે કોઈની પાસે રત્ન કે સોના ચાંદીનો ભંડાર છે, તેને રોટી કપડા આદિ સામાન્ય પદાર્થોના બદલામાં આપવામાં આવે તો તે સહજ પ્રાપ્ત થઈ શકે છે. એવી જ રીતે શાશ્વત મોક્ષ સુખ દેનારા તપ સંયમની વિશાળ સાધનાના ફલથી મનુષ્ય સંબંધી કે દૈવિક તુચ્છ ભોગો પ્રાપ્ત કરવા તે કોઈ મહત્ત્વની વાત નથી. તેને સમજવાને માટે એક દૃષ્ટાન્ત પણ આપ્યું છે—
એક ખેડૂતના ખેતરની પાસે કોઈ નિક રાહગીરે દાલ-બાટીને ચૂરમુ બનાવ્યું. ખેડુતનું મન ચૂરમા આદિ ખાવાને માટે લલચાયું. ખેડુતના માગવા પર ધનિકે કહ્યુ કે આ તારું ખેતર બદલામાં આપી દે તો ભોજન મળે. ખેડૂતે સ્વીકાર કર્યો અને ભોજન કરી તે ઘણો આનંદિત થયો.
જેમ ખેતરના બદલામાં એકવાર મન ઇચ્છિત ભોજન મળવું તે કંઈ મહત્વનું નથી, તેમ તપ-સંયમની મોક્ષદાયક સાધનાથી એક ભવના ભોગ મેળવવા તે મહત્ત્વનું નથી.
પરંતુ જેમ ખેતરના બદલે ભોજન ખાઈ લીધા પછી બીજા દિવસથી લઈ વર્ષ આખું ખેડૂત પશ્ચાતાપથી દુ:ખી થાય છે, તેમ સંયમના ફળથી એક ભવનું સુખ પ્રાપ્ત થઈ જાય પરંતુ મોક્ષદાયક સાધના ખોઈને નરકાદિના દુઃખો પ્રાપ્ત થવા તે નિદાનનું ફળ છે.
જેવી રીતે ખેતરને બદલે એક દિવસનું મિષ્ટ ભોજન પ્રાપ્ત કરનાર ખેડૂત મૂર્ખ ગણાય છે તેવી જ રીતે મોક્ષમાર્ગની સાધના કરનારો સાધક નિદાન કરે તો તે મહામૂર્ખ જ કહેવાય છે. તેથી(ભિક્ષુ) સાધુએ કોઈપણ પ્રકારનું નિદાન કરવું ન જોઈએ પરંતુ તેને તો સંયમ તપની નિષ્કામ સાધના કરવી, તે જ શ્રેયસ્કર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org