________________ છતાં બાજુમાં બેસી જાય છે, પણ એમાં અભિમાનવશ વિનય નથી જળવાતો; તો વિનય વિના જ્ઞાન કેવું મળે ? વિનય વિના વિદ્યા નહિ. વળી જેમને મહાન જ્ઞાની ગુરુની આગળ પણ “માનહાનિ ન થાય એટલે કે માન જળવાઈ રહે એ જોવું છે, એ બહાર દુનિયામાં માનની ભૂખ કેટલી બધી રાખવાના ? ત્યારે ગુરુની સામે હાથ જોડીને બેસવામાં વાચના-બોધનો લાભ તો પછી, પણ પહેલાં મહાન વિનય-નમ્રતા ગુણની કમાઈ કરતા રહેવાનો મફતમાં લાભ મળે ! કરવાનું વિશેષ કાંઈ નહિ. ચાહ્ય સામે બેસો, કે બાજુમાં બેસો, કષ્ટમાં શો ફરક પડે છે ? કશો જ નહિ. પણ સામે બેસવામાં ગુરુ પ્રત્યે અને વાચના પ્રત્યે વિનય બહુમાનભાવ આદરભાવ કમાવવા મળે એ સસ્તામાં કે મફતમાં ખરેખરો મહાન લાભ મળ્યો ગણાય. અજ્ઞાન માણસ આવા અમૂલ્ય લાભોનો વિચાર જ નથી રાખતો એટલે સામાન્ય વિનય જેવી બાબતો તરફ દુર્લક્ષ કરે છે અને મહાન લાભો ગુમાવે છે. દા.ત. સવારે ઊઠીને માતાપિતા કે વડીલને પગે પડે એમાં શું કષ્ટ પડે છે? પણ એ નહિ કરીને કેટલું ગુમાવે ? વહેલી પ્રભાતે જ માતાપિતા કે વડીલની આશિષ અને કૃપા મેળવવાનું ગુમાવે. એ ગુમાવે એટલે પૂજયોની આશીષ-કૃપાથી કાર્યોની સિદ્ધિ થવાનો લાભ ગુમાવે. કેટલા મામૂલી કષ્ટના દુર્લક્ષમાં કેવા કેવા મહાન લાભ ગુમાવવાનું થાય ? શેઠાણી વિનયભાવથી સાધ્વીજીના બરાબર સામે બેસી હાથ જોડી સાંભળે છે. સાધ્વીજી કહે છે, સાધ્વીજી પોતાની જીવન કથા કહે છે, જુઓ સૌભાગ્યવતી ! જે મેં અનુભવ્યું, જે મેં સાંભળ્યું, અને જે મને યાદ આવશે, તે કહું છું. એ ધ્યાન દઈને સાંભળજો . - વત્સ દેશ છે. એમાં મોટી કૌશાંબી નગરી છે. ત્યાં ઉદાયન રાજા છે. એને વાસવદત્તા નામે રાણી છે. ત્યાં ઋષભસેન નામે નગરશેઠ છે, એ એક નમુનેદાર શ્રાવક છે. તત્ત્વના અને જીવનના પરમાર્થને જાણનારા, એટલે નગરના વેપારીઓમાં પહેલું આસન પામનારા છે, તેમજ સર્વ કાર્યોમાં વેપારીઓ એમના સામે જુએ છે કે “એ શી સલાહ આપે છે, ને તે સૌ માન્ય કરે છે. વળી એ શ્રાવકધર્મને યોગ્ય શાસ્ત્રોના રહસ્યના સારા જાણકાર છે, એટલે એમને શાસ્ત્રનિષ્ણાત કહી શકાય. કર્મ ! તારી ગતિ ન્યારી