Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
“અધિકૃત(ક૨વા માટે નિશ્ચિત કરેલા) ધર્મના વિષયમાં પ્રયત્નાતિશયથી થયેલી એ ધર્મસ્થાનને છોડીને બીજા કોઇની પણ ઇચ્છાથી રહિત એવી સ્થિર ચિત્તની જે પરિણતિ છે; તેને પ્રવૃત્તિ કહેવાય છે.” – આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પ્રણિધાનપૂર્વક જે અનુષ્ઠાન કરવાનું નિશ્ચિત કર્યું હોય તે અનુષ્ઠાનના અવસરે, પહેલાં કરેલા પ્રયત્ન કરતાં અધિક પ્રયત્નથી જે અનુષ્ઠાન કરાય છે, તે પ્રવૃત્તિ નામના આશયપૂર્વકનું અનુષ્ઠાન કહેવાય છે. કેટલીક વાર ધર્મ કરવાનું નક્કી કર્યા પછી કરતી વખતે પરિણામ પડી જતા હોય છે. આવા વખતે અનુષ્ઠાન કરવા માટે ઉત્કટ પ્રયત્ન કરવો પડતો હોય છે. પોતાને પ્રાપ્ત થયેલી શક્તિનો પૂરતો ઉપયોગ કરવો પડે છે. આ રીતે યત્નાતિશયથી અધિકૃત ધર્મને કરવાના આશયવિશેષને પ્રવૃત્તિ નામનો આશય કહેવાય છે.
આ આશય દરમ્યાન અધિકૃત ધર્મકાર્યને છોડીને બીજું કોઇ પણ કાર્ય કરવાની અભિલાષા હોતી નથી. આરબ્ધ કાર્ય ક૨વાના પ્રસંગે બીજા કોઇ પણ કાર્યને કરવાની ઇચ્છા થાય તો અધિકૃત કાર્ય સિદ્ધ ન થાય ઃ એ સમજી શકાય છે. પ્રવૃત્તિ નામના આશય દરમ્યાન એવું બનતું નથી. ‘યોગવિંશિકા’ની ટીકામાં ગ્રંથકારશ્રીએ આ આશયનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે પ્રવૃત્તિમાં ક્રિયા જલદીથી સમાપ્ત કરવાનો આશય હોતો નથી. અધિકૃત ધર્મસ્થાનને છોડીને અન્ય કાર્ય ક૨વાનો અહીં અભિલાષ હોતો નથી. તેથી અધિકૃત ક્રિયા જલદી પૂર્ણ કરવાની ઇચ્છા ન હોય એ સ્પષ્ટ જ છે. બંન્નેનું તાત્પર્ય એક જ છે. જે અનુષ્ઠાન કરવાનું નક્કી કર્યું છે; તે વિધિપૂર્વક કરવાથી અવશ્ય ફળને આપનારું બને છે. એવો પરમવિશ્વાસ હોવાથી, ફળ પ્રત્યે એવી કોઇ ઉત્સુકતા ન હોવાથી આરબ્ધ ક્રિયા ઝટ પૂરી કરવાની ઇચ્છાનો અહીં અભાવ હોય છે.
આવી રીતે ઔત્સુક્ય ન હોવાથી અને અન્યાભિલાષા પણ ન હોવાથી અધિકૃત ધર્મના વિષયમાં મન, વચન અને કાયાની એકાગ્રતાપૂર્વક ચિત્તની સ્થિર પરિણતિવાળો પ્રવૃત્તિ નામનો આશય પ્રાપ્ત છે. લોકપ્રસિદ્ધ દરરોજની તે તે ક્રિયાઓમાં આ પ્રવૃત્તિ નામનો આશય સ્પષ્ટપણે જોવા મળે છે. પરંતુ ધાર્મિક ક્રિયાઓમાં તે ભાગ્યે જ જોવા મળે. અનાદિકાળના કુસંસ્કારો આત્માના શુદ્ધ સ્વરૂપને એવી રીતે રોકીને બેઠા છે કે જેથી એમ જ લાગ્યા કરે કે અશુદ્ધ સ્વરૂપ જ આપણું સ્વરૂપ છે. આવી સ્થિતિમાંથી બહાર આવવા માટે આપણે જે કોઇ ધર્મ કરવાનો નિર્ણય કર્યો હોય તેને વિશુદ્ધ રીતે કર્યા વિના ચાલે એવું નથી. માત્ર ધર્મ ક૨વાથી એ સ્થિતિમાં કોઇ પણ રીતે પરિવર્તન શક્ય નથી. પ્રણિધાન અને પ્રવૃત્તિ આશયથી અધિકૃત ધર્મ વિશુદ્ધ બને છે. સ્વવિષયમાં (અધિકૃત ધર્મના ઉપાયમાં) જે ઉત્કટ પ્રયત્ન છે; તેને લઇને અધિકૃત ધર્મમાં પ્રવૃત્તિ થાય છે. શ્રી ષોડષકપ્રકરણમાં તત્રેવ તુ પ્રવૃત્તિ: શુભસારોપાયસકૃતાત્પન્ન.... ઇત્યાદિ રીતે પ્રવૃત્તિસ્વરૂપ આશયનું વર્ણન કર્યું છે. તેનો આશય એ છે કે અધિકૃત ધર્મના વિષયમાં સુંદર સારભૂત ઉપાયથી અત્યંત સંગત જે પ્રવૃત્તિ થાય છે, તે પ્રવૃત્તિસ્વરૂપ આશયપૂર્વકની છે. અધિકૃત એક પરિશીલન
૮૯