Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
હોય છે. કોઇને પણ પીડા ન પહોંચાડવી અને કોઇને અનુકૂળ બની શાતા આપવી - એ બેમાં જે અંતર છે, એવું જ અંતર ગુરુજનોના અનિષ્ટત્યાગમાં અને ઇષ્ટોપાદાનમાં છે. દ્વેષ ન હોય તો સામા માણસને જે અનિષ્ટ છે, તેનો ત્યાગ કરી લેવાય, પરંતુ સામા માણસ પ્રત્યે બહુમાન ન હોય તો તેને જે ઇષ્ટ છે તેનું ઉપાદાન શક્ય નહિ બને. માતાપિતાદિ ગુરુજનોના અનુગ્રહનું નિરંતર સ્મરણ કરી તેમની પ્રત્યે ચિકાર બહુમાન કેળવી લેવું જોઇએ. અન્યથા તેમને જે ઇષ્ટ છે તેનું ઉપાદાન કરી શકાશે નહીં. માતાપિતાદિ ગુરુજનો કરતાં વર્તમાનમાં આપણે ગમે તેટલી ઉચ્ચ ભૂમિકામાં હોઇએ તોપણ ભૂતકાળમાં જે અનુગ્રહ ગુરુજનોએ કર્યો છે તેને યાદ રાખ્યા જે વિના છૂટકો નથી. કારણ કે એ અનુગ્રહનું જ ફળ વર્તમાનની સ્થિતિ છે, એમનો અનુગ્રહ પ્રાપ્ત થયો ન હોત તો આપણને વર્તમાન જોવા પણ ન મળત.
માતાપિતાદિ ગુરુજનોને જે અનિષ્ટ છે તેનો ત્યાગ કરતી વખતે અને તેમને જે ઇષ્ટ છે તેનું ઉપાદાન કરતી વખતે જે ધ્યાનમાં રાખવાનું છે તે જણાવતાં શ્લોકના ઉત્તરાર્ધમાં જણાવ્યું છે કે ધર્મ અને મોક્ષ પુરુષાર્થને બાધા ન પહોંચે એ રીતે વર્તવું જોઇએ. ગુરુજનોના અનિષ્ટ કે ઇષ્ટના ત્યાગ કે ઉપાદાનથી પોતાના ધર્માદિ પુરુષાર્થની હાનિ ન થાય - એ જોવું જોઇએ. આવા વખતે ધર્માદિ પુરુષાર્થની આરાધનામાં તત્પર બનવું જોઇએ. ગુરુજનોને અનુસરવાનું એ વખતે નહિ કરવું. કારણ કે ધર્માદિ પુરુષાર્થની આરાધનાનો અવસર અતિ દુર્લભ છે. મહામુસીબતે ધર્માદિ પુરુષાર્થની આરાધનાની તક પ્રાપ્ત થતી હોય છે. માતાપિતાદિને અનુસરવાથી એ તક સરી જતી હોય તો માતાપિતાદિ ગુરુજનોને અનુસર્યા વિના એ તકને સાધી લેવાનું ખૂબ જ આવશ્યક છે. અર્થ અને કામ માટે પોતાનાં માતાપિતાદિના ઇષ્ટ કે અનિષ્ટનો વિચાર નહિ કરનારાની સંખ્યા આજે ઘણી છે. આવા લોકો પણ ધર્મ કે મોક્ષ પુરુષાર્થની આરાધનામાં માતાપિતાદિના ઇષ્ટાનિષ્ટનો વિચાર કર્યા કરે - એ તો કોઇ પણ રીતે ઉચિત નથી. અર્થ અને કામ તો નામથી જ પુરુષાર્થ છે. પારમાર્થિક રીતે તો તે અનર્થભૂત જ છે. અનર્થસ્વરૂપ એ પુરુષાર્થ માટે માતાપિતાદિના ઇષ્ટ-અનિષ્ટનો વિચાર ન કરે તો આજે એમાં કશું અનૌચિત્ય જણાતું નથી. પરંતુ ધર્મ કે મોક્ષ પુરુષાર્થની આરાધનાના વિષયમાં તુરત જ અનૌચિત્ય જણાતું હોય છે. ખૂબ જ વિચિત્ર મનોદશા છે ને ? પોતાના ગુરુજનોના ઇષ્ટાનિષ્ટનો વિચાર કરી ધર્મ અને મોક્ષ સ્વરૂપ પુરુષાર્થની આરાધનામાં બાધા ન પહોંચે તો કોઇ પણ રીતે ગુરુજનોના અનિષ્ટના પરિહારમાં અને ઇષ્ટના સંપાદનમાં તત્પર બનવું જ જોઇએ. પરંતુ એવી તત્પરતામાં ધર્માદિ પુરુષાર્થની આરાધનામાં બાધા પહોંચતી હોય તો કોઇ પણ રીતે ધર્માદિ પુરુષાર્થની આરાધનાને બાધ આવે નહિ - એ રીતે વર્તી લેવું જોઇએ. ગુરુજનોનો અનુગ્રહ ધર્માદિ પુરુષાર્થની સાધનાના અવસર કરતાં તો મહાન નથી જ - એ યાદ રાખવું જોઇએ. આ વિષયમાં
એક પરિશીલન
૧૫૭