Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
આશય એ છે કે માતાપિતાદિ ગુરુવર્ગને પૂર્વે જણાવ્યા મુજબ નિત્ય ત્રણ વાર પ્રણામાદિ કરવા માત્રથી ગુરુપૂજન થતું નથી. પરંતુ તે માટે બીજું પણ જે કરવાનું છે તે જણાવતાં આ શ્લોકમાં ફરમાવ્યું છે કે પૂ. માતાપિતાદિ ગુરુજનોને જે ઇષ્ટ નથી (અનિષ્ટ છે) તેનો ત્યાગ કરવો જોઇએ. આમ જોઇએ તો વાત ખૂબ જ નાની છે. પરંતુ તે મુજબ વર્તવાનું ઘણું જ આકરું છે. માતાપિતાદિને જે ગમતું ન હોય તે કરવું નહિ - આ નિયમનું ચોક્કસપણે પાલન કરવા માટે સૌથી પહેલાં પોતાની ઇચ્છા મુજબ વર્તવાનું બંધ કરવું પડે. ગુરુજનો પ્રત્યે સદ્ભાવ હોય તોપણ આપણી ઇચ્છાના કારણે એ સદ્ભાવ એક વખત તો દૂર જ થતો હોય છે. ગમે તેટલું દુઃખ હોય તો ય આપણી ઇચ્છા હોય તો મજેથી વેઠી લેવાય. પરંતુ આપણી ઇચ્છા ન હોય તો સુખમાં ય મજા ન આવે. ઇચ્છા મુજબ જીવવા મળતું નથી - એ જ મોટામાં મોટું દુઃખ છે. શરીર કે મન સંબંધી દુઃખો તો સાધુપણામાં જ આવે છે અને ગૃહસ્થાપણામાં આવતાં જ નથી - એવું નથી. બંન્ને સ્થાને દુઃખ તો આવતાં જ હોય છે. પરંતુ સાધુપણામાં પોતાની ઇચ્છા મુજબ જિવાતું નથી અને ગૃહસ્થપણામાં તો થોડીઘણી રીતે ઇચ્છા મુજબ જીવી શકાય છે - આવી સુદૃઢ માન્યતાના કારણે કંઇ - કેટલાય આત્માઓ ચારિત્રધર્મનો સ્વીકાર કરતાં અચકાય છે. આ રીતે સમ્યક્ચારિત્રની પ્રાપ્તિમાં અવરોધ કરનારી, ઇચ્છા મુજબ જીવવાની આપણી મનોદશા છે. તે દૂર કરવાની શરૂઆત; યોગની પૂર્વસેવામાં ન થાય તો યોગની સાધનામાં કોઇ ભલીવાર આવે - એ શક્ય નથી. યોગની પૂર્વસેવાના અંગભૂત ગુરુપૂજનમાં આ રીતે ઇચ્છા મુજબ જીવવાની વૃત્તિમાં થોડો કાપ મુકાય છે. ગુરુજનો આપણા અહિતને ઇચ્છતા નથી. આપણા હિત માટે સર્વદા તત્પર એવા ગુરુજનોને જે ગમતું નથી તે આપણા હિતનું કારણ નથી - એમ માનીને ગુરુજનને અનિષ્ટ એવી પ્રવૃત્તિથી આપણે દૂર રહીએ એમાં જ આપણું હિત છે. જાણે-અજાણે પણ અહિતની આપણને પ્રાપ્તિ ન થાય એ માટે ખૂબ જ ઉપયોગપૂર્વક ગુરુજનોના અનિષ્ટની પ્રવૃત્તિનો ત્યાગ કરવો જોઇએ, જેથી સ્વચ્છંદતાનો અંશતઃ પણ નાશ થઇ શકશે.
ઉપર જણાવ્યા મુજબ ગુરુવર્ગના અનિષ્ટની પ્રવૃત્તિનો ત્યાગ કર્યા પછી તેમને જે ઇષ્ટ છે; તેની પ્રવૃત્તિમાં એકનિષ્ઠ બનવાનું આ શ્લોકમાં ફ૨માવ્યું છે. માતાપિતાદિને જે ઇષ્ટ છે તે કોઇ પણ રીતે કરી લેવાનું પણ સહેલું તો નથી જ. તેમને જે ન ગમે, તે ના કરીએ પણ તેમને જે ગમે તે તેઓ કરે, આપણે શા માટે એ કરવાનું... વગેરે વિચારો તો સતત આવ્યા જ કરતા હોય છે. આવા સંયોગોમાં ગુરુજનોને જે ઇષ્ટ છે તે કરવામાં તત્પર બનવાનું, પ્રમાણમાં ઘણું જ અઘરું બને છે. કોઇને પ્રતિકૂળ બનવાનું ટાળી શકાય, પરંતુ કોઇને અનુકૂળ બનવાનું લગભગ શક્ય બનતું નથી. એ માટે યોગ્યતાવિશેષની આવશ્યકતા હોય છે. ચારિત્રસ્વરૂપ યોગની આરાધના પ્રસંગે પૂ. ભવનિસ્તા૨ક ગુરુદેવશ્રીને અનુકૂળ બનવાનું અસહ્ય થઇ પડતું
યોગપૂર્વસેવા બત્રીશી
૧૫૬