Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
“આવી – ભવિષ્યમાં કલ્યાણ કરનારી – પુરુષની પ્રકૃતિને આશ્રયીને યોગશાસ્ત્રમાં પૂર્વસેવાદિ સ્વરૂપ વ્યવહાર પ્રવર્તે છે. તેથી આ પૂર્વશ્લોકમાં જણાવેલું) કહેલું યુક્ત જ છે.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે યોગનું નિરૂપણ કરનારા શાસ્ત્રમાં યોગની પૂર્વસેવા અને યોગ વગેરેનો જે વ્યવહાર પ્રસિદ્ધ છે, તે પુરુષ(આત્મા)ની તેવા પ્રકારની પ્રકૃતિ(સ્વભાવ)ને આશ્રયીને છે, કે જે પ્રકૃતિ સંક્લેશ વિનાની છે અને ભવિષ્યમાં કલ્યાણને કરનારી છે. સંક્લેશવિશિષ્ટ પ્રકૃતિને આશ્રયીને યોગની પૂર્વસેવાદિ સ્વરૂપ વ્યવહાર પ્રસિદ્ધ નથી. તેથી “અપુનબંધક આત્માને છોડીને બીજે સબંધકાદિ આત્માઓની યોગની પૂર્વસેવા ઉપચારથી જ છે.” આ પ્રમાણે જે કહ્યું છે તે યુક્ત જ છે.
અહીં એ વાત સમજી લેવી જોઇએ કે યોગમાર્ગની પ્રાપ્તિ માટે જે યોગ્યતાની અપેક્ષા છે, તે માત્ર અપુનર્બન્ધક આત્માઓમાં જ પરમાર્થથી હોય છે. કારણ કે સંક્લેશથી રહિત એવી યોગપૂર્વસેવા તેમને જ હોય છે. અપુનર્બન્ધક આત્માઓથી બીજે સકુબંધકાદિ આત્માઓને યોગની પૂર્વસેવા છે ખરી! પરંતુ તે સંક્લેશથી રહિત નથી હોતી. યોગમાર્ગની સાધનામાં માત્ર યોગની પૂર્વસેવાને વિચારવાથી ચાલે એવું નથી. તે સંક્લેશથી રહિત છે કે નહિ તેનો વિચાર કરવાનું ખૂબ જ આવશ્યક છે. રાગ-દ્વેષની પરિણતિ સ્વરૂપ સંક્લેશનો વિચાર કરવાનું લગભગ આજે બંધ થયું છે.
ગુરુદેવાદિપૂજન, સદાચાર કે તપ વગેરે સ્વરૂપ યોગની પૂર્વસેવાની જ જ્યાં ઉપેક્ષા થતી હોય ત્યાં તે સંક્લેશથી રહિત છે કે નહિ એની વિચારણા ન જ હોય - એ સ્પષ્ટ છે. અપુનબંધક આત્માઓ તેવા પ્રકારની સંક્લિષ્ટ પ્રકૃતિથી રહિત હોય છે. યોગની પૂર્વસેવા જ નહિ સાક્ષાત્ યોગની ક્રિયા હોય તોપણ સંક્લેશની વિદ્યમાનતામાં એ તાત્ત્વિક બનતી નથી. મોક્ષસાધક યોગમાર્ગની સાધનામાં મોટો અવરોધ જ સંક્લેશનો છે. મુમુક્ષુઓએ એ તરફ ખૂબ જ ચીવટથી ધ્યાન આપવું જોઇએ. વર્તમાનની આપણી આરાધનાનું ચિત્ર વિચિત્ર છે. આરાધનાનો પ્રારંભ, મધ્ય અને અંત ખરી રીતે સંક્લેશના અસ્તિત્વ વિનાનો હોવો જોઈએ. એના બદલે મોટા ભાગે આજે એની ચિંતા વિનાનો હોય - એ કેટલું વિચિત્ર છે - તે ન સમજી શકાય એવું તો નથી જ. જે લોકોને મોક્ષની સાધના કરવી નથી એવા લોકોને કાંઈ જ કહેવાનું નથી. પરંતુ જેમણે મોક્ષની સાધનાનો પ્રારંભ કર્યો છે તેમને થોડું કહ્યા વિના ચાલે એવું નથી. વર્તમાન જીવનશૈલી જ એવી બનાવી દીધી છે કે ભાગ્યે જ આપણને આપણા સંક્લેશનો વિચાર આવે.
યોગની પૂર્વસેવાથી જ અસંક્લિષ્ટ સ્થિતિને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવામાં આવે તો યોગમાર્ગની તાત્ત્વિક રીતે આરાધના સરળ બની જાય. આપણી સાધના ગમે તેટલી ઊંચી હોય પરંતુ આપણે ઊંચા ન હોઇએ તો તેનો કશો જ અર્થ નથી. સાધકની ઊંચી અવસ્થા તેની સંક્લેશરહિત અવસ્થાને લઈને છે. વર્તમાનમાં આરાધનાનું મૂલ્ય; તે શું કરે છે તેની અપેક્ષાએ
૨૩૪
અપુનર્બન્ધક બત્રીશી