Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
क्रोधादिति-पूर्वार्धं गतार्थम् । अयं च शान्तोदात्तः । भवगोचरं संसारविषयं । बीजं कारणं । रूपं स्वरूपं । फलं च कार्यम । ऊहते विचारयति ।।१४-९।।
“ક્રોધાદિ કષાયથી બાધિત ન હોય અને મહાન આશયવાળો હોય તેને અનુક્રમે શાંત અને ઉદાત્ત કહેવાય છે. એવા શાંત અને ઉદાત્ત આત્માઓ ભવના કારણ, સ્વરૂપ અને ફળનો વિચાર કરે છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે આ પૂર્વે સાતમા શ્લોકમાં જણાવ્યું હતું કે અપુનર્બન્ધકોને ઉચિત એવી કલ્યાણકારિણી પ્રકૃતિને લઈને આત્મા શાંત અને ઉદાત્ત બને છે. આ શ્લોકના પૂર્વાર્ધથી તેનું સ્વરૂપ વર્ણવતાં જણાવ્યું છે કે ક્રોધ, માન અને માયાદિ કષાયોથી જે પીડાતા નથી તેઓ શાંત છે અને ઉત્તરોત્તર વિશુદ્ધ અનુષ્ઠાનને પ્રાપ્ત કરવાનો જેનો આશય છે તે મહાન આશયવાળા ઉદાત્ત છે. દશમા ગુણસ્થાનક સુધી કષાયનું અસ્તિત્વ હોવાથી સર્વથા કષાયરહિત અવસ્થાનો તો અહીં સંભવ નથી. પરંતુ તેના અસ્તિત્વમાં પણ તે પીડે નહિ? એ બની શકે છે. શરીરમાં રોગની એવી ઉત્કટ માત્રા ન હોય તો રોગ હોવા છતાં તે શરીરને પીડતો નથી. એવી રીતે ક્રોધાદિ કષાયની માત્રા પણ ઉત્કટ ન હોય તો કષાયો આત્માને પીડાકર બનતા નથી. કષાયો હોય એની ના નહિ, પરંતુ તે જયારે પીડા કરે ત્યારે ખૂબ જ દારુણ સ્થિતિને સર્જે છે. એવી સ્થિતિમાં તાત્ત્વિક ક્રિયા કોઈ પણ રીતે શક્ય નથી.
ક્રોધાદિ કષાયોથી બાધિત ન હોય તો આત્માને ઉત્તરોત્તર અધિકગુણસંપન્ન અનુષ્ઠાનને પ્રાપ્ત કરવા માટે સહેજે મન થતું હોય છે. તેથી જ તેઓને મહાશય તરીકે વર્ણવાય છે. આવા શાંત અને ઉદાત્ત આત્માને ગુર્નાદિપૂજાસ્વરૂપ તાત્ત્વિક યોગપૂર્વસેવા પ્રાપ્ત થતી હોય છે, જેથી કાલાંતરે તે યોગની પ્રાપ્તિમાં કારણ બનતી હોય છે. તાત્ત્વિક જ કારણ કાર્યસાધક બને છે – એ સમજી શકાય છે.
શાંતાદાત્ત આત્માને તાત્ત્વિક યોગપૂર્વસેવાથી જેના દ્વારા યોગની પ્રાપ્તિ થતી હોય છે, તે જણાવતાં શ્લોકના ઉત્તરાર્ધમાં ફરમાવ્યું છે કે આ શાંત અને ઉદાત્ત આત્મા ભવસંબંધી કારણ, સ્વરૂપ અને ફળને આશ્રયીને વિચાર કરે છે. શાંત અને ઉદાત્ત આત્માને સહજપણે જ વિષયકષાયની મંદતા થતી હોવાથી તેને આ સંસારસ્વરૂપ ભવની વિચારણા શક્ય બને છે. જીવને દરેક સમયે સુખની ઝંખના હોવા છતાં તે આજ સુધી મળ્યું નથી અને દુઃખના નાશ માટે અવિરત પ્રયત્ન હોવા છતાં તે નાશ પામ્યું નથી. આવી સ્થિતિને સંસારમાં જોયા પછી તેનાં કારણાદિ જાણવા માટે તે વિચારણા કરે છે. આથી સમજી શકાશે કે આજની આપણી સ્થિતિ કેટલી વિચિત્ર છે. પ્રામાણિકપણે જો કહેવાનું થાય તો કહેવું પડે કે એવી વિચારણા આજ સુધી સ્વપ્રે પણ થઈ નથી. એ આત્માઓની ધાર્મિક પ્રવૃત્તિની અપેક્ષાએ આપણી ધાર્મિકપ્રવૃત્તિ પ્રમાણમાં વધારે છે. પરંતુ તે આત્માની શાંતાદાત્તતા આપણી અપેક્ષાએ ખૂબ જ ચઢિયાતી છે – એમાં ના પાડી શકાય એમ નથી. શાંતાદાત્ત આત્માની ભવસંબંધી વિચારણા એ એક અદ્ભુત સિદ્ધિ છે. ભવની વિચારણા ૨૩૮
અપુનર્બન્ધક બત્રીશી