Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
કહેવાનો આશય એ છે કે, કામશાસ્ત્રના પ્રણેતા વાત્સ્યાયને રૂપ, વય, વૈચક્ષણ્ય, સૌભાગ્ય, માધુર્ય અને ઐશ્વર્યને ભોગસાધન તરીકે વર્ણવીને રૂપ, વય અને શ્રીમંતતાને પ્રધાન (મુખ્ય) ભોગસાધન તરીકે વર્ણવ્યાં છે. સામાન્ય રીતે મુખ્ય ભોગસાધનની અપેક્ષાએ વિચારીએ તો સમજાશે કે દરિદ્ર (શ્રીમંતતાના અભાવવાળા) માણસને ભોગસાધન સ્ત્રી વગેરેની પ્રાપ્તિ જ થતી નથી. યૌવનવયના અભાવે વૃદ્ધાદિ અવસ્થામાં ભોગની અશક્તિ હોવાથી ભોગની પ્રાપ્તિ થતી નથી. અને ભોક્તા કુરૂપ હોય તો સુરૂપ સ્ત્રી વગેરેમાં અત્યંત રાગ તેમ જ સામા પાત્રને પોતાની પ્રત્યે સારો ભાવ હશે કે નહિ – એવી આશંકા રહ્યા કરે છે. આવી સ્થિતિમાં ભોગની ક્રિયા હોવા છતાં તે સુખનું કારણ ન બનવાથી તાત્ત્વિક બનતી નથી. કારણ કે તેમાં માનની હાનિ થતી હોય છે. “હું સુખી છું” આવી જાતની લાગણી સ્વરૂપ માન ત્યાં રહેતું નથી. એ કારણે ઇચ્છા પૂર્ણ ન થવાથી અને ભોગની ક્રિયા ન થવાથી ભોગની પ્રવૃત્તિ અતાત્ત્વિક જ બની રહે છે. દષ્ટાંતનો પરમાર્થ ખૂબ જ સ્પષ્ટ છે. ભોગનાં અંગો-સાધનોનો અભાવ હોય તો ભોગસુખની તાત્ત્વિક પ્રાપ્તિ કોઇ પણ રીતે શક્ય નથી. કારણના અભાવે કાર્યની તાત્ત્વિક સિદ્ધિ તો ન જ હોય : એ સમજી ન શકાય એવી વાત નથી.
બસ! આવી જ સ્થિતિ ધર્મક્રિયાની પણ છે. શાંત અને ઉદાત્ત સ્થિતિ ન હોય તો ધર્મક્રિયા પણ બુદ્ધિના વિપર્યાસ(વિકલ્પ)થી ઉત્પન્ન થયેલી હોય છે, તાત્ત્વિક હોતી નથી. કારણ કે એવી ગુરુદેવાદિ-પૂજા વગેરે સ્વરૂપ યોગપૂર્વસેવાથી આંતરિક પ્રશમસુખનો પ્રવાહ ઉદ્દભવતો નથી. ઇન્દ્રિયો અને કષાયોના વિકારથી વિકલ જ યોગપૂર્વસેવાથી ચિત્તમાં સુખનો પ્રવાહ અવિરતપણે વહે છે. આ વાતને જણાવતાં “યોગબિંદુ ગ્રંથમાં કહ્યું છે કે – ભોગસુખના સાધનથી વિકલ અને શાંત તથા ઉદાત્ત અવસ્થાથી રહિત એવા ભોગી અને ધાર્મિક : બંન્નેનું; ભોગસુખ અને ધાર્મિક અનુષ્ઠાન : બંન્ને મૃગજળમાં જળની ભ્રાંતિ જેવું - મિથ્યાવિકલ્પસ્વરૂપ અને પોતાની મતિકલ્પના સ્વરૂપ શિલ્પીએ નિર્માણ કરેલું છે, પરંતુ તાત્ત્વિક નથી. આથી સમજી શકાશે કે સંક્લિષ્ટ આંતરિકપરિણતિના કારણે તેવા આત્માઓને તાત્ત્વિક અનુષ્ઠાન પ્રાપ્ત થતું નથી અને ભોગસુખના સાધનથી વિકલ હોવાથી અપાયની યોગ્યતાના કારણે એવા ભોગીને તાત્ત્વિક સુખ પ્રાપ્ત થતું નથી. પરંતુ ધન્ય આત્માને અર્થાત્ અપુનર્બન્ધક આત્માને અને ભોગાંગોથી સહિત ભોગીને જ તાત્ત્વિક યોગપૂર્વસેવાની અને આભિમાનિક સુખની પ્રાપ્તિ થાય છે. ૧૪-૮
આ રીતે અપુનર્બન્ધક દશાને પામેલા આત્માઓને જ તાત્વિક; યોગની પૂર્વસેવા હોય છે; એ જણાવીને હવે તેના યોગે તેમને જે પ્રાપ્ત થાય છે - તે જણાવાય છે
क्रोधाद्यबाधितः शान्त उदात्तस्तु महाशयः । बीजं रूपं फलं चायमूहते भवगोचरम् ॥१४-९॥
એક પરિશીલન
૨૩૭