Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
કર્યું છે ? સમૃદ્બન્ધકાદિ આત્માઓ અપુનર્બન્ધકાદિ આત્માઓથી ભિન્ન જ હોવાથી તેમનો ઉપન્યાસ અહીં ક૨વો ના જોઇએ ને ? આ પ્રશ્નના ઉત્તરમાં આ ચોથો શ્લોક છે. “પરિણામી; કાર્યથી સર્વથા ભિન્ન નથી. અર્થાત્ પરિણામી એવા કારણમાં કાર્યથી સર્વથા ભિન્નતા નથી. સમૃદ્બન્ધકાદિ આત્માઓમાં ભવસ્વરૂપના નિર્ણયોપયોગી ઊહાપોહનો અભાવ હોવા છતાં સ્વભાવથી જ યોગની પૂર્વસેવા ઔપચારિક છે : આ પ્રમાણે બીજા કહે છે.” – આ પ્રમાણે ચોથા શ્લોકનો સામાન્યાર્થ છે.
કહેવાનો આશય એ છે કે, સમૃદ્બન્ધકાદિ આત્માઓ કાલાંતરે અપુનર્બન્ધક આત્મારૂપે પરિણમે છે. તેવા પ્રકારની કર્મબંધયોગ્યતાનો હ્રાસ થવાથી એ આત્માઓ કાલાંતરે અપુનર્બન્ધક અવસ્થાને પ્રાપ્ત કરે છે. ઘડાનું, માટી જેમ પરિણામી કારણ છે તેમ અપુનર્બન્ધક આત્માનું સમૃદ્બન્ધકાદિ આત્મા પરિણામી કારણ છે. (કાર્યસ્વરૂપે પરિણામ પામતા કારણને પરિણામી કારણ કહેવાય છે.) પરિણામી કારણ માટીનું સ્વરૂપ ઘડામાં પણ હોવાથી ઘટાદિ કાર્યથી માટી સર્વથા ભિન્ન છે - એ જેમ મનાતું નથી તેમ અપુનર્બન્ધક આત્માઓથી સમૃદ્બન્ધકાદિ આત્માઓ સર્વથા ભિન્ન મનાતા નથી. અર્થાત્ કારણમાં કાર્યનો ઉપચાર (દૂષિત પાણીને પગનો રોગ કહેવાય છે તેમ) ક૨વાથી અપુનર્બન્ધક આત્માથી સમૃદ્બન્ધકાદિ સર્વથા ભિન્ન નથી. યોગબિંદુના ૧૮૦મા શ્લોકથી આ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે અતાત્ત્વિક એવી યોગની પૂર્વસેવાનો ઉપન્યાસ સમૃદ્બન્ધકાદિ આત્માની અપેક્ષાએ તેમના કાર્યસ્વરૂપ અપુનર્બન્ધક આત્માઓને આશ્રયીને કર્યો છે. કારણ કે અપુનર્બન્ધક આત્માઓ જ નહિ પરંતુ તેમની સમીપમાં રહેલા સમૃદ્બન્ધકાદિ આત્માઓ પણ બહુલતયા અપુનર્બન્ધકના આચારથી વિલક્ષણ નથી હોતા : એ જણાવનારો એ(અતાત્ત્વિક યોગની પૂર્વસેવાનો) ઉપન્યાસ છે.
શ્લોકના ઉત્તરાર્ધ(તત્સત્યા...)નો આશય એ છે કે બધા લોકો નહિ પણ કેટલાક લોકો એમ કહે છે કે સમૃદ્બન્ધકાદિ આત્માઓમાં ભવસ્વરૂપનો નિર્ણય કરાવનાર ઊહાપોહ (ભવસ્વરૂપનું આલોચન)ના અભાવમાં પણ સ્વભાવથી યોગપૂર્વસેવા અતાત્ત્વિક-ઔપચારિક હોય છે. આથી સમજી શકાશે કે સમૃબંધક વગેરે આત્માને અતાત્ત્વિક જ યોગની પૂર્વસેવા વર્ણવી છે. પરંતુ એક પક્ષમાં ઉપર જણાવ્યા મુજબ (શ્લોકના પૂર્વાર્ધમાં જણાવ્યા મુજબ) કારણમાં કાર્યનો ઉપચાર કરીને યોગપૂર્વસેવાને ઔપચારિક માની છે અને બીજા પક્ષમાં (શ્લોકના ઉત્તરાર્ધમાં જણાવેલા પક્ષમાં) અનાલોચન (ભવસ્વરૂપનિર્ણાયક ઊહાપોહનો અભાવ) દ્વારા અમુખ્યત્વસ્વરૂપ ઉપચારને લઇને યોગની પૂર્વસેવાને ઔપચારિક વર્ણવી છે. બંન્ને પક્ષમાં એટલો ફરક છે – એ યાદ રાખવો. ૧૪-૪
-
સમૃદ્બન્ધકાદિ આત્માઓની ઔપચારિક યોગની પૂર્વસેવાનું સમર્થન કરાય છે. અર્થાત્ સમૃદ્બન્ધકાદિ આત્માઓની યોગની પૂર્વસેવા ઔપચારિક જ હોય છે; તેનું સમર્થન કરાય છે—
અપુનર્બન્ધક બત્રીશી
૨૩૨