Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
એવું લાગતું નથી. શાસનના હિતની ચિંતાના નામે શાસનના આરાધકોમાં આ દૂષણ આજે એવું ફેલાયું છે કે જેની વાત કરી શકાય એમ નથી. કર્મપરવશ જીવો છે. કોઈને કોઈ ખામી રહેવાની. એને જોયા કરશું અને ગાયા કરશું તો નિંદાનું વર્જન કઈ રીતે થશે? દોષ(પરદોષ)ની ઉપેક્ષા કરવામાં નહિ આવે ત્યાં સુધી નિંદાનો ત્યાગ થઈ શકશે નહિ. યોગની પૂર્વસેવામાં સર્વત્ર નિંદાનો ત્યાગ કરવાનો છે. એના બદલે આજે ગુણવાનની પણ નિંદા મજેથી કરાતી હોય છે, તે યોગની પૂર્વસેવાને અનુરૂપ નથી. યોગની પૂર્વસેવામાં બાધક બનનારી આ નિંદાનું વર્જન કર્યા વિના ચાલે એવું નથી. જે દૂષણ યોગની શરૂઆત કરતાં પૂર્વે પણ ન હોવું જોઈએ તે દૂષણ યોગની આરાધનામાંથી પણ દૂર ન થાય તો કેવી સ્થિતિનું નિર્માણ થાય - તે આપણે જોઈ રહ્યા છીએ. ઉપકારીઓની પણ નિંદા સુધી પહોંચી ગયેલા આ દૂષણનો ત્યાગ કરવાથી ગુણીજનોનું આપણને નિરંતર સાંનિધ્ય પ્રાપ્ત થતું હોય છે. અન્યથા નિંદાની પ્રવૃત્તિ કરવાથી ગુણવાન પુરુષો આપણી ઉપર વિશ્વાસ નહિ રાખે.
યોગની પૂર્વસેવાના સદાચારમાંના આઠમા આચારનું વર્ણન કરતાં “આપત્તિમાં દીનતાના અભાવને વર્ણવ્યો છે. એનો આશય સ્પષ્ટ છે કે ગમે તેવો દુઃખનો પ્રસંગ પ્રાપ્ત થાય તોપણ કોઈ પણ જાતની દીનતા નહીં રાખવી જોઇએ. ધર્મના અર્થી જનોને જ્યારે સર્વવિરતિધર્મની આરાધના કરવાનો પ્રસંગ પ્રાપ્ત થશે ત્યારે તે યોગની સાધનામાં પરીસહાદિને દીનતા વિના સહન કરવાના હોવાથી ધર્માર્થીઓએ યોગની પૂર્વસેવામાં ગૃહસ્થજીવનમાં આ રીતે દીનતાનો અભાવ કેળવી લેવો જોઇએ. મુનિજીવનમાં જ્યારે પણ અશુભ કર્મના ઉદયથી આપત્તિ આવતી હોય છે, ત્યારે સામાન્યથી તેનો પ્રતિકાર કર્યા વિના અદનપણે તેને સહી લેવાની હોય છે. આવા પ્રસંગે દીનતાનો પરિહાર કરવાનું શક્ય બને નહિ; તો આપત્તિનો પ્રતિકાર કરવો જ પડશે. યોગની પૂર્વસેવામાં આપત્તિમાં દીનતાનો પરિહાર કરવાથી યોગની સાધના દરમ્યાન આપત્તિનો પ્રતિકાર કરવો નહિ પડે. પૂર્વે કરેલાં હિંસાદિ પાપોને લઈને જયારે પણ દુઃખ(આપત્તિ) આવે ત્યારે તેને દૂર કરવા પ્રાર્થનાદિ કરવાની વૃત્તિને દીનતા કહેવાય છે. કોઈ વાર આપત્તિને દૂર કરનારાં નિમિત્તો મળે અને આપત્તિને દૂર કરી પણ લઇએ; પરંતુ કર્મની વિષમતાએ કોઈ વાર એવા સંયોગો ન મળે ત્યારે દરેકની પાસે આપત્તિને દૂર કરવા વિનંતી, પ્રાર્થના કે આજીજી કરવાની જરૂર નથી. તેમ જ કોઈની પાસે દુઃખને રોવાની પણ જરૂર નથી. કરેલાં કર્મનાં ફળ ભોગવ્યા વિના છૂટકો નથી – એમ સમજીને ખૂબ જ સમતાપૂર્વક આપણા હિત માટે આપત્તિ વેઠી લેવી જોઈએ. સહન નહિ કરવાની વૃત્તિ જ દીનતાનું કારણ છે. દીનતાના પરિવાર માટે સહનશીલતા મેળવવા સિવાય બીજો કોઈ જ ઉપાય નથી.
નવમા સદાચાર તરીકે “સત્વતિજ્ઞત્વને વર્ણવ્યું છે. અંગીકાર કરેલી પ્રતિજ્ઞાનો સારી રીતે નિર્વાહ કરવો તેને સત્વતિજ્ઞત્વ કહેવાય છે. યોગની પૂર્વસેવામાં સામાન્ય રીતે દેવદર્શન-પૂજન, ૧૭૪
યોગપૂર્વસેવા બત્રીશી