Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
-
‘કૃતજ્ઞતા’ – એ ચોથો સદાચાર છે. બીજાએ આપણી ઉપર કરેલા ઉપકારના પરિજ્ઞાનને કૃતજ્ઞતા કહેવાય છે. આજ સુધીના આપણા જીવનને યાદ કરીએ તો સમજાશે કે કંઇ-કેટલાય આત્માઓએ આપણી ઉપર અનેક જાતના ઉપકાર કર્યા છે – એનું નિરંતર સ્મરણ કરવું જોઇએ. આપણા વર્તમાન જીવનના અસ્તિત્વમાં એમણે કરેલા ઉપકારો સમાયેલા છે - તેનું વિસ્મરણ ક૨વાનું ઉચિત નથી. બીજાની ઉપર આપણે કરેલા ઉપકારો આપણને નિરંતર યાદ રહે એમાં પણ મોટાભાગના ઉપકારો આપણા સ્વાર્થમૂલક હોય; ખરી રીતે તો એને ઉપકાર કહેવાનું શક્ય જ નથી, છતાં એને આપણે વારંવાર ગાયા કરીએ અને બીજાએ કરેલા ઉપકારોને ભૂલી જઇએ - એ કૃતજ્ઞતા નથી. લોકોત્તર ધર્મની સિદ્ધિના લિંગ તરીકે જણાવેલી કૃતજ્ઞતા લોકોત્તર કોટીની છે. પરમકૃપાળુ શ્રી અરિહંતપરમાત્માએ અને ભવનિસ્તારક પૂ. ગુરુભગવંતાદિએ કરેલા અનુગ્રહને યાદ કરીએ તો ચોક્કસ જ પાપની પ્રવૃત્તિ ઉપર પૂર્ણવિરામ મૂકી શકાશે. પરંતુ લોકોત્તર કોટીની આ કૃતજ્ઞતાને પ્રાપ્ત કરવાનું સરળ તો નથી જ; પણ એ માટે લૌકિક ‘કૃતજ્ઞતા’ સ્વરૂપ સદાચારને પ્રાપ્ત કરવાથી એ સરળ બની શકે છે.
આ તેરમા શ્લોકમાં પાંચમા સદાચાર તરીકે ‘જનાપવાદભીરુત્વ'ને વર્ણવ્યું છે. લોકોની નિંદાને પાત્ર એવા વર્ઝનથી ભય પામવો - એને જનાપવાદભીરુત્વ કહેવાય છે. સારા ગણાતા માણસો આપણા વર્તનની નિંદા કરે એવા વર્તનનો આપણને ભય હોવો જોઇએ. ‘લોકો તો ગાંડા છે, ગમે તેમ બોલે, આપણને જે ઉચિત લાગે તે કરવું...' આવું વિચાર્યા વિના દુર્વર્તનથી દૂર રહેવું જોઇએ. યોગમાર્ગની આરાધના વખતે સર્વ પાપથી દૂર રહેવાનું છે, જે; પાપભીરુત્વ વિના શક્ય નહીં બને. પાપભીરુત્વને પામવા માટે યોગની પૂર્વસેવામાં જનાપવાદની ભીરુતા(ભય)ને પ્રાપ્ત કર્યા વિના ચાલે એવું નથી. સામાન્ય લોકો જેને પાપ તરીકે ગણતા નથી એવા પણ પાપથી દૂર રહેવા માટે યોગની પૂર્વસેવામાં લોકો જેને પાપ માને છે એનો પણ ભય ન હોય - એ ચાલે એવું નથી. લોકની નજરે જે દુર્વર્ઝન છે એવા દુર્વર્તનનો સતત ભય હોવો જોઇએ. ગ્રંથકાર પરમર્ષિએ આ વસ્તુને સમજાવતાં આ શ્લોકની ટીકામાં જણાવ્યું છે કે જનાપવાદ અને મરણ – એ બેમાં કોઇ જ વિશેષતા નથી – અર્થાત્ જેટલો ભય આપણને મરણનો છે તેટલો જ ભય જનાપવાદનો હોવો જોઇએ. મરણ થશે - એમ સમજીને જેમ મરણનાં નિમિત્તોથી આપણે દૂર રહીએ છીએ, તેમ જનાપવાદ (લોકમાં નિંદા) થશે - એમ સમજીને લોકમાં નિંદાના કારણભૂત ઘૂતાદિ વ્યસનોથી દૂર રહેવું જોઇએ - એ પાંચમો સદાચાર છે. અનંતજ્ઞાનીઓ જેને પાપ તરીકે વર્ણવે છે એ પાપના ભયની પ્રાપ્તિ માટે જનાપવાદના ભય સ્વરૂપ સદાચાર અનિવાર્ય છે. ૧૨-૧૩
બીજા સદાચારોનું જ વર્ણન કરાય છે—
૧૭૨
યોગપૂર્વસેવા બત્રીશી