Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પરિશીલનની પૂર્વે
‘યોગપૂર્વસેવા’ બત્રીશીમાં ગુરુદેવાદિપૂજા, સદાચાર, તપ અને મુક્ત્યદ્વેષનું વર્ણન કર્યું. આ બત્રીશીમાં મુક્તિ પ્રત્યેના અદ્વેષનું પ્રાધાન્ય વર્ણવાય છે. કારણ કે મુક્ત્યદ્વેષને લઇને જ ગુરુદેવાદિપૂજા, સદાચાર અને તપ વગેરે અનુષ્ઠાનો યોગનાં અંગ બને છે. મુક્ત્યદ્વેષના અભાવમાં ગુરુદેવાદિપૂજા... વગેરે યોગનાં અંગ થતાં નથી.
મુક્તિ પ્રત્યે દ્વેષ ન કરવા સ્વરૂપ અવસ્થાને મુદ્વેષ કહેવાય છે. ‘મુક્યદ્વેષ' આ શબ્દ કાને પડે ત્યારે તો એમ જ થાય કે આપણને મુક્તિ પ્રત્યે અદ્વેષ છે જ. પરંતુ એ વિષયમાં થોડી વિચારણા કરીએ તો સમજાય કે સાવ એવું તો નથી. ઊંડે ઊંડે થોડો દ્વેષ લાગે છે. દૃઢ અજ્ઞાનના આવેશથી મોક્ષ પ્રત્યે દ્વેષ થાય છે.
અનંતજ્ઞાનીઓનાં પરમતારક વચનોથી પણ જે અજ્ઞાન દૂર થતું નથી, તે દૃઢ અજ્ઞાન છે. એવું અજ્ઞાન જ્યારે કાર્યરત બને છે; ત્યારે તેનો આવેશ હોય છે અને એ આવેશથી મોક્ષ પ્રત્યે દ્વેષ જાગે છે. આ સંસારને અનંતદુઃખમય વર્ણવીને મોક્ષની અનંતસુખમયતાને વર્ણવવામાં શાસ્ત્રકાર પરમર્ષિઓએ કોઇ જ કચાશ રાખી નથી. પરંતુ સંસારમાં પ્રાપ્ત થતા સુખની ભયંકર આસક્તિના કારણે મોક્ષ ઇષ્ટ લાગતો નથી. જે અનિષ્ટ લાગે તેની પ્રત્યે દ્વેષ હોય - એ સ્વાભાવિક છે. આપણને મોક્ષ ઇષ્ટ છે કે સંસાર ઇષ્ટ છે ? આ પ્રશ્નનો ઉત્તર માયા વિના આપવાનું ખૂબ જ અઘરું પડે એવું છે. ગમે તે રીતે સંસારની આસક્તિ ઓછી કરીને મોક્ષની પ્રત્યે રાગ ન કેળવાય ત્યાં સુધી મોક્ષ પ્રત્યેનો દ્વેષ ટાળવા પ્રયત્નશીલ બનવું જોઇએ.
આ બત્રીશીમાં મુક્તિ પ્રત્યેના અદ્વેષનું પ્રાધાન્ય મુખ્યપણે વર્ણવ્યું છે. યોગની પૂર્વસેવા યોગની પ્રાપ્તિનું ત્યારે જ કારણ બની શકે છે કે જ્યારે તે મુખ્ત્યદ્વેષથી સહિત હોય છે. અભવ્યોના આત્માઓ તેમ જ અચરમાવર્ત્તવર્તી ભવ્યાત્માઓ શુદ્ધ શ્રમણપણાની ક્રિયાઓ દ્વારા નવમા ત્રૈવેયકનાં સુખો પામે છે, તેમાં પણ મુક્તિ પ્રત્યેનો અદ્વેષ જ મુખ્ય છે. માત્ર શુદ્ધ દ્રવ્યશ્રામણ્યક્રિયાઓ તેમાં કારણ નથી. દુષ્ટ રીતે ગ્રહણ કરેલા અગ્નિ, શત્રુ અને સર્પ જેમ મારક બને છે, તેમ સંસારના સુખની ઇચ્છાથી કરેલી તે તે દ્રવ્ય-શ્રામણ્ય-ક્રિયા પણ તે અભવ્યાદિના આત્માઓ માટે દુષ્ટ બને છે. એવી ક્રિયાઓને કોઇએ પણ કરવાયોગ્ય ગણી નથી. જેમાં મુક્યદ્વેષનું પ્રાધાન્ય છે; એવી ક્રિયાને સંસારસુખ માટે ગ્રંથકારશ્રીએ કરવાનું જણાવ્યું નથી. પરંતુ તેને ઉપર જણાવ્યા મુજબ અગ્નિ, શત્રુ અને સર્પ વગેરેની જેમ મહાભયંકર વર્ણવી છે. માત્ર આવી ક્રિયાઓથી પ્રાપ્ત થનારા લાભ, ખ્યાતિ કે દેવલોકનાં સુખાદિ પ્રત્યે નજર રાખી એ માટે ધર્મ કરવાનું ઉચિત નથી. તેમ જ એ માટે ધર્મનો ઉપદેશ કરવાનું પણ ઉચિત નથી.
મુક્ત્વદ્વેષપ્રાધાન્ય બત્રીશી
૧૯૬