Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
શ્રી અરિહંત પરમાત્માદિ સર્વ દેવને એકસ્વરૂપે તેઓ માને છે. ચોથી દષ્ટિ સુધી આવી અવસ્થા હોય છે. પાંચમી દૃષ્ટિમાં તો શ્રી અરિહંત પરમાત્મા સિવાય બીજા કોઈ દેવ-સર્વજ્ઞ નથી, એવું સ્પષ્ટ જ્ઞાન થાય છે. એ પૂર્વે ચોથી દષ્ટિ સુધી પણ બધા દેવોમાં દેવત્વના કારણ તરીકે સર્વજ્ઞતા અને મોક્ષમાર્ગની દેશકતાને જ તેઓ માનતા હોય છે. સુખાદિફળને આપનારા તરીકે તેમાં દેવત્વને તેઓ માનતા નથી. ઈત્યાદિ સ્પષ્ટ રીતે સમજી લેવું. ૧૨-શા
યોગની પૂર્વસેવાને કરનારા ગૃહસ્થો સામાન્યથી બધા જ દેવોને દેવ તરીકે માને છે - તે તેમની પ્રવૃત્તિથી સ્પષ્ટ જણાવાય છે–
सर्वान् देवान् नमस्यन्ति नैकं देवं समाश्रिताः ।
जितेन्द्रिया जितक्रोधा दुर्गाण्यतितरन्ति ते ॥१२-८॥ सर्वानिति-सर्वान् देवान् नमस्यन्ति नमस्कुर्वते । नैकं कञ्चन देवं समाश्रिताः स्वमत्यभिनिवेशेन प्रतिपन्नवन्तः । जितेन्द्रिया निगृहीतहषीकाः । जितक्रोधा अभिभूतकोपाः । दुर्गाणि नरकपातादीनि व्यसनानि । अतितरन्ति अतिक्रामन्ति ते सर्वदेवनमस्कर्तारः ।।१२-८।।
તેઓ સર્વ દેવોને નમસ્કાર કરે છે; કોઈ એક દેવને આશ્રયીને તેઓ રહેલા નથી. જિતેન્દ્રિય અને જિતક્રોધ એવા તે સર્વ દેવોને નમસ્કાર કરનારા નરકાદિગમન વગેરે સંકટોને પાર કરી જાય છે.” - આ પ્રમાણે આઠમી ગાથાનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્ય રીતે યોગની પૂર્વસેવા સ્વરૂપે ગૃહસ્થ જનો બધા જ દેવોને નમસ્કાર કરે છે. “આ જ મારા દેવ છે' - આવા પ્રકારનો તેમને મતિનો અભિનિવેશ ન હોવાથી તેઓ કોઈ એક દેવને આશ્રયીને રહેલા નથી. તેથી બધા જ દેવોને સર્વસાધારણ રીતે દેવ તરીકે માને છે. બધા દેવોને દેવ તરીકે માનનારા આ મહાત્માઓ ઇન્દ્રિયો અને કષાયને જીતીને દુર્ગોને તરી જાય છે. નરકાદિ દુર્ગતિમાં જવા સ્વરૂપ અહીં દુર્ગ છે. ઇન્દ્રિયોનો નિગ્રહ કરનારા અને કષાયોનો અભિભવ કરનારાને નરકાદિગતિમાં જવું પડતું નથી. વિષય-કષાયની તીવ્ર પરિણતિના કારણે નરકાદિમાં ગમન થાય છે. પરંતુ ઇન્દ્રિયો અને કષાયોનો નિગ્રહ કરવાથી, બધા દેવોને નમસ્કાર કરનારા એ દુર્ગોને તરી જાય છે. ઇન્દ્રિયો અને કષાયોનો નિગ્રહ નરકાદિગમનને દૂર કરનારો છે. બધા ય દેવોને નમસ્કાર કરવા છતાં ઇન્દ્રિયોના નિગ્રહ વિના અને કોપાદિ કષાયોના અભિભાવ વિના દુર્ગાનું અતિક્રમણ શક્ય નથી – એનો ખ્યાલ, યોગની પૂર્વસેવા કરનારે અવશ્ય રાખવો જોઇએ. ૧૨-૮
ननु सर्वेऽपि न मुक्तिप्रदायिन इति कथमविशेषेण नमस्करणीया इत्यत आह
બધા દેવો મુક્તિને આપનારા નથી તો સામાન્ય રીતે બધા દેવોને નમસ્કાર કેમ કરવાનો - આ શંકાનું સમાધાન કરાય છે–
એક પરિશીલન
૧૬૩