Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
સ્થિતિ જોવા મળતા નહિ. માતા માતા છે; પિતા પિતા છે અને કલાચાર્ય કલાચાર્ય છે - આ સિવાય બીજી કોઈ વાતનો વિચાર કરવાની આવશ્યકતા જ હતી નહિ. માત્ર એ એક જ વિશેષતાને આંખ સામે રાખીને તેમને પ્રણામ કરવાનો હતો પરંતુ તેમના સ્વભાવાદિને જોવાથી યોગની આ પૂર્વસેવાથી આપણે દૂર થયા.
આજે તો માતાપિતાદિ ગુરુવર્ગને પ્રણામ કરવાનું જણાવી શકાય એવી સ્થિતિ જ નથી. કારણ કે સંયુક્ત કુટુંબની પદ્ધતિનો ઉચ્છેદ થવાથી એ શક્ય બનતું નથી. જ્યાં પણ માતાપિતાની સાથે રહેતા હોય છે, ત્યાં પણ હું માતા-પિતાની સાથે રહું છું એમ માનવાના બદલે મારી સાથે માતાપિતા રહે છે – એમ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં માતાપિતા પ્રત્યે બહુમાન કે આદરભાવ ન જ હોય તે સમજી શકાય છે. કલાચાર્યની તો વાત કરવાની જ રહેતી નથી. તેમની અવજ્ઞા ન કરે તો સારું ! એમ જ કહેવાનો પ્રસંગ છે. તેમને પ્રણામ કરવાની વાત તો માંડી જ વાળવી પડશે. આજથી પચાસ વર્ષ પૂર્વે કલાચાર્ય પ્રત્યે જે આદર અને બહુમાનાદિ હતા તે આજે નથી. બેરિસ્ટર થયા પછી પણ પ્રાથમિક માસ્તરને કાદવવાળી જગ્યા હોય તોપણ સાષ્ટાંગ પ્રણામ કરનારા એ વખતે જૈનેતરોમાં જોવા મળતા. જોતજોતામાં આ બધું અદશ્ય થતું ગયું. એની અસર અમારે ત્યાં સાધુજીવનમાં પણ પડી છે. વંદનની બાબતમાં હવે બહુ આગ્રહ જેવું રહ્યું નથી. સમયની અને સંયોગની અનુકૂળતા હોય તો વંદન કરવાનું, નહિ તો કાંઈ નહિ ! કલાચાર્યની તો ઘણી અવજ્ઞા થતી હોય છે. ભણાવનારા આપણી ઉપર ઉપકાર કરે છે – એવી માન્યતા લુપ્ત થતી ચાલી છે. એમને આવડે છે માટે ભણાવવું જ જોઇએ, એમાં વળી ઉપકાર શાનો? લગભગ આવી માન્યતા દઢ થતી ચાલી છે. માતા, પિતા કે કલાચાર્યોની આ રીતે ઉપેક્ષા થતી હોય ત્યારે તેમના જ્ઞાતિજનો માટે કશું જ કહેવાનું રહેતું નથી. આ બધામાં ધર્માચાર્યોના પ્રણામ અંગે શું કહેવું તે સમજાતું નથી. જ્ઞાન કે ઉંમરથી વૃદ્ધ એવા ધર્મોપદેશકોને પ્રણામ કરવાનું; ધર્મના ઉત્કટ અર્થી બન્યા વિના શક્ય નહીં બને. યોગની પૂર્વસેવાનો પ્રારંભ માતાપિતાદિના પૂજનથી થાય છે; અને તેનો પ્રારંભ માતા-પિતાદિને ત્રિકાળ પ્રણામ કરવાથી થાય છે – એ યોગના અર્થીએ યાદ રાખવું જોઈએ.
ઉપર જણાવ્યા મુજબ માતાપિતાદિ ગુરુવર્ગને ત્રણ સંધ્યાએ પ્રણામ કરીને તુરત જ જતા રહેવાનું નથી. થોડી વાર તેમની પાસે બેસીને વાતચીત કરી તેમને કોઇ કામ હોય તો તે અંગે પૂછવું, આપણા કાર્ય અંગે તેમનું માર્ગદર્શન મેળવવું.. વગેરે સ્વરૂપ તેમની પર્યાપાસના કરવી. આ રીતે પપાસના કરવાથી ગુરુવર્ગ પ્રત્યે બહુમાન વધે અને આપણી કોઈ ભૂલ થતી હોય તો તે દૂર થાય.
શ્લોકના ઉત્તરાર્ધમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે ગુરુવર્ગના અવર્ણવાદ(નિંદા વગેરે)નું શ્રવણ કરવું નહિ. કોઈ વાર કાર્યવશ એવા સ્થાને જવાનું થાય ત્યારે ત્યાં આપણાં માતા-પિતાદિની નિંદા થતી હોય તો તે સાંભળવી નહીં. ત્યાંથી ચાલ્યા જવું જોઈએ. એ અંગે કોઈ પૂછે તો
યોગપૂર્વસેવા બત્રીશી
૧૫૪