Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ઉપાય નથી. ભવનિતારક પૂ. ગુરુદેવશ્રીની ઉપાસનાથી જેમ પરમતારક પરમગુરુ શ્રી અરિહંતપરમાત્માનો સદ્યોગ પ્રાપ્ત થાય છે, તેમ ઉપકારી માતાપિતાની સેવાથી (વિનયાદિસ્વરૂપ સેવાથી) ભવનિતારક ગુરુદેવશ્રીનું પાતંત્ર્ય પ્રાપ્ત થાય છે, જે સર્વવિરતિધર્મસ્વરૂપ યોગનું મુખ્ય અંગ છે. એ અંગ વિના યોગની બધી જ સાધના સાધ્યસિદ્ધિનું અંગ બનતી નથી.
યોગની પૂર્વસેવાને કર્યા વિના યોગની સાધના માટે કોઈ પણ જાતની યોગ્યતા પ્રાપ્ત થતી નથી. યોગ્યતારહિત માણસો ગમે તેટલી ઉચ્ચ કક્ષાની આરાધના કરે; તોપણ તેઓ સિદ્ધિથી વંચિત જ રહેવાના. અનધિકારીઓને કોઈ ફળ મળે - એ વાતમાં તથ્ય નથી. માટે કોઇ વાર યોગની સાધનાનો પ્રારંભ કરતાં પૂર્વે યોગની પૂર્વસેવાનો પ્રયત્ન કર્યો ન હોય; ત્યારે તેવા સાધકોએ પોતાની એ નબળાઇને સતત ખ્યાલમાં રાખીને જ યોગમાર્ગમાં ચાલવું જોઈએ. ચાલવા માટે પગ જેવું કોઈ જ સાધન નથી. એ સશક્ત હોય તો જ ખરેખર તો ચાલવું જોઈએ. પરંતુ સંયોગવશ પગ અશક્ત-અસમર્થ હોય તો પણ ચાલવું પડતું હોય છે. પણ એ વખતે ચાલનારને પોતાની એ નબળાઈનો સંપૂર્ણ ખ્યાલ હોવાથી ધીમે ધીમે સાચવી-સાચવીને ચાલવા દ્વારા તે વિલંબે પણ ઇષ્ટ સ્થાને પહોંચે છે. યોગની પૂર્વસેવાને આરાધ્યા વિના યોગની આરાધનાને કરનારાએ પોતાની એ ખામીનો ખ્યાલ રાખી એને દૂર કરવા ઉત્કટ પ્રયત્ન કરવો જોઈએ. સાધન ખરાબ નથી, અપૂર્ણ છે. એનો ત્યાગ કરવાની જરૂર નથી, એને પૂર્ણ અને સમર્થ બનાવવાની જ જરૂર છે. અશક્ત પગ પણ લાકડી વગેરેના ટેકાથી કાર્યસાધક બનતા હોય છે.
માતા, પિતા, કલાચાર્ય, તેઓના ભાઇ-બહેન વગેરે અને જ્ઞાનથી કે ઉંમરથી વૃદ્ધ(મોટા) એવા ધર્મના ઉપદેશકો – આ ગુરુવર્ગ છે. તેમણે આપણી ઉપર કઈ જાતનો ઉપકાર કર્યો છે - એ વિચારવાના બદલે કઈ જાતનો ઉપકાર તેમણે આપણી ઉપર કર્યો નથી; એ વિચારવું જોઈએ. આપણી ગર્ભાવસ્થા; જન્મસ્થિતિ; શિશુઅવસ્થા અને બાલ્યાવસ્થા કેવી અજ્ઞાનમયી હતી? એ ઘોર અંધકારમાંથી પ્રકાશને ઝીલવાની પાત્રતા પ્રાપ્ત કરાવીને આપણાં માતાપિતાએ આપણી ઉપર કયો ઉપકાર કર્યો નથી? આપણી એ પાત્રતાને જોઇને કલાચાર્યે સમયોચિત અક્ષરાદિ-જ્ઞાનના પ્રદાન દ્વારા આપણા જીવનને જ નહિ આપણા આત્માને પ્રકાશમય બનાવવા અથાગ પ્રયત્નો કર્યા છે. એ પ્રયત્નો સાથે વિવિધ કલાઓના જ્ઞાનનું પ્રદાન કરતાં કરતાં આપણા હિતની પણ ચિંતા તેઓએ કરી છે. આજની આપણી જે કાંઈ પણ થોડી સારી સ્થિતિ છે તે તેઓના ઉપકારનું જ ફળ છે ને? આવી જ રીતે મામા, માસી, કાકા, ફોઈ... ઇત્યાદિ જ્ઞાતિજનો(સ્વજનો)એ પણ અવસરે અવસરે આપણી સારસંભાળ લઈને આપણા જીવનના પ્રવાહને અવિરતપણે વહેતો રાખવા પૂરતો પ્રયત્ન કર્યો છે. તે બધાએ કરેલા ઉપકારો અગણિત છે. આપણા વિવેકહીન વર્તનને જોયા પછી અને જાણ્યા પછી પણ તેઓએ એ ઉપકારનું ઝરણું વહેતું જ રાખ્યું છે. એના અચિંત્ય સામર્થ્યથી, દિશાપૂર્ણ બનેલા આપણા જીવનને જોઈને આપણા પરલોકની ચિંતામાં વ્યગ્ર
૧૫૨
યોગપૂર્વસેવા બત્રીશી