Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
એ સમજાતું નથી. જો સંસારથી મુક્ત થવું હોય અને મોક્ષે જવું હોય તો યોગની પૂર્વસેવાની ઉપેક્ષા કરવાનું કોઈ કારણ જ નથી. અનંતજ્ઞાનીઓની દષ્ટિએ યોગપૂર્વસેવાની ઉપેક્ષાનું વાસ્તવિક કારણ; ભવના ઉચ્છેદની ભાવનાનો અભાવ છે. “ભવ દુઃખથી ગહન છે, એનો ઉચ્છેદ કઈ રીતે થાય - આવો વાસ્તવિક પરિણામ જ યોગની પૂર્વસેવાને પ્રાપ્ત કરાવે છે.
યોગની પૂર્વસેવાને આત્મસાત્ કર્યા પછી યોગની પ્રાપ્તિ ખૂબ જ સરળ રીતે થાય છે, પ્રાપ્ત યોગ સ્થિર બને છે, સ્થિર યોગ વિશુદ્ધ બને છે અને વિશુદ્ધ યોગ આત્માને પરમપદે બિરાજમાન કરે છે, જેના પ્રારંભમાં આ રીતે યોગની પૂર્વસેવા છે – એ સમજી શકાય છે. એ પૂર્વસેવાના અસંખ્ય ભેદમાંથી અહીં ગુરુદેવાદિપૂજન, સદાચાર, તપ અને મુક્તિ પ્રત્યેનો અદ્વેષ - આ ચારનું જ આ બત્રીશીમાં વર્ણન કર્યું છે. એનો વિચાર કરવાથી સમજાશે કે યોગ પ્રાપ્તિની વાત તો દૂર રહી; પરંતુ યોગની પૂર્વસેવાને પામવાનું પણ કપરું છે. આ સંસારના ઉચ્છેદની ભાવના તીવ્ર ન બને તો પૂર્વસેવા પામવાનું કોઈ રીતે શક્ય નથી. ભવના ઉચ્છેદની ભાવના વિનાનાને તો આ પૂર્વસેવાની વાત સમજવાનું પણ અઘરું છે. (૧૨-૧ી.
ગુરુદેવાદિ-પૂજન સ્વરૂપ યોગપૂર્વસેવાનું વર્ણન કરવા માટે બીજા શ્લોકમાં ગુરુવર્ગ જણાવાય છે
माता पिता कलाचार्य एतेषां ज्ञातयस्तथा ।
वृद्धा धर्मोपदेष्टारो गुरुवर्गः सतां मतः ॥१२-२॥ मातेति-वृद्धाः श्रुतवयोवृद्धलक्षणाः । गुरुवर्गो गौरववल्लोकसमुदायः ।।१२-२।।
માતા, પિતા, કલાચાર્ય, તેમના ભાઈ-બહેન વગેરે જ્ઞાતિજનો અને ધર્મનો ઉપદેશ આપનારા એવા વૃદ્ધજનો – આ બધાને શિષ્ટ પુરુષોએ ગુરુવર્ગ તરીકે માન્યો છે. - આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. આશય ખૂબ જ સ્પષ્ટપણે સમજી શકાય છે કે જેમનું પૂજન કરવાનું યોગની પૂર્વસેવામાં વર્ણવ્યું છે; તે ગુરુવર્ગ માતા, પિતા અને કલાચાર્ય વગેરે સ્વરૂપ છે.
યોગની પ્રાપ્તિ માટે યોગની પૂર્વસેવા છે. યોગની પ્રાપ્તિ પૂર્ણપણે ગુરુદેવશ્રીને આધીન છે. ચાલુ વ્યવહારમાં પણ તે તે વસ્તુની પ્રાપ્તિ ગુરુને આધીન છે. ગુરુકૃપા સર્વસિદ્ધિનું મૂળ છે. સર્વસાવદ્ય યોગથી વિરામ પામ્યા વિના વાસ્તવિક રીતે યોગની પ્રાપ્તિ થતી નથી. એ સર્વવિરતિધર્મની આરાધનામાં પૂ. ગુરુદેવશ્રીના પાતંત્ર્યનું કેટલું મહત્ત્વ છે એ સૌ કોઈ ખૂબ જ સારી રીતે જાણે છે. કોઈને એ અંગે સમજાવવાની ખરેખર જ આવશ્યકતા નથી. પરંતુ આજે ગુરુપરતંત્ર્યલગભગ ગૌણ બની ગયું છે એમ કહીએ તો એમાં કશું ખોટું નથી. ગ્રંથકારપરમર્ષિએ યોગની પૂર્વસેવાના નિરૂપણનો પ્રારંભ “ગુરુપૂજનથી કર્યો છે. એનો થોડો વિચાર કરીએ તો ચોક્કસ સમજાશે કે ગુરુપાતંત્ર્યની પ્રાપ્તિ માટે અહીં વર્ણવતા ગુરુપૂજન સિવાય બીજો કોઈ જ
એક પરિશીલન
૧૫૧