Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
વર્તમાનમાં યોગના નામે આચારશૂન્ય, વિવેકશૂન્ય અને અર્થશૂન્ય એવી અનેક વાતો અને પ્રવૃત્તિઓ ચાલી રહી છે. મન, વચન અને કાયાને જરાય કષ્ટ ન આપવું; મન, વચન અને કાયાને ગમતી બધી જ મોહાધીન પ્રવૃત્તિઓ કર્યો જવી અને સાક્ષીભાવ', “અનાસતિભાવ', નિર્લેપભાવ' વગેરે જેવા શબ્દો સમજ્યા સમજાવ્યા વિના રમાડ્યે જવા-આવું તો ઘણું બધું અત્યારે યોગના નામે ચાલી રહ્યું છે. યોગસાધના એ ધર્મારાધના કરતાં કોઇ તદ્દન જુદી અને ઊંચી ચીજ હોય - એવી ભ્રમણા ઊભી કરાતી હોય છે. આપણે એ બધી લાંબી ચર્ચામાં ઊતરવું નથી. પણ એવી બધી વાતોમાં આવી જઈને આપણે એવા દંભયોગી ન બની જઈએ એટલી સાવચેતી ખાતર જ આપણે ઉપરના શાસ્ત્રપાઠો યાદ રાખવાના છે. આપણી નાનામાં નાની અનુકૂળતા મેળવવા માટે બીજા અનેક જીવોને મરણ સુધીની પીડા આપવી જ પડે અને આપણી નાનામાં નાની પ્રતિકૂળતા કાઢવા માટે બીજા અનેક જીવોની અનુકૂળતા ઝૂંટવી જ લેવી પડે – એ સંસારના સુખની એકમાત્ર લાક્ષણિકતા છે. આવા સુખના ત્યાગ વગર ધર્મની - યોગની - સાધનાનો વિચાર પણ થઈ ન શકે. આવા સુખના ત્યાગ સ્વરૂપ ધર્મ પણ, ભવિષ્યમાં એવા વધુ સુખની પ્રાપ્તિ માટે થતો હોય તો એ ધર્મ પણ અનર્થભૂત જ છે. માટે માત્ર સુખના ત્યાગ સ્વરૂપે થતો ધર્મ નહિ, પણ સુખના રાગના ત્યાગ સ્વરૂપે થતો ધર્મ જ શુદ્ધ ધર્મ છે. સારા આશયથી કરાતો ધર્મ પણ ભગવાનની આજ્ઞા મુજબનો ન હોય તો નિરર્થક છે. ઉપરના શાસ્ત્રપાઠમાંની “મોક્ષના કારણ” અને “સર્વજ્ઞોક્ત” એવા ધર્મની વાત યાદ રાખીએ તો, મોક્ષના એકમાત્ર લક્ષ્યથી અને જ્ઞાનીઓએ ફરમાવેલી વિધિથી થતો નાનો પણ ધર્મ જ સાચો ધર્મ છે, તે સિવાયનો ગમે તેટલો મોટો ધર્મ પણ અધર્મ જ છે – આ વાતમાં કશી શંકા રહેતી નથી. આ વાતને “એકાન્તવાદ' કહેનારા અનેકાન્તની આશાતના કરી રહ્યા છે. યોગ અને ધર્મ વસ્તુતઃ એક જ છે – એ વાત આપણે શરૂમાં જ વિચાર આવ્યા. ધર્મારાધના કે યોગસાધના માટે સાધકે જે યોગ્યતા મેળવવાની, કેળવવાની અને જાળવવાની છે તેને પૂર્વસેવા કહેવાય છે. પ્રસ્તુત ગ્રંથમાં તે પૂર્વસેવાનું જ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે તે વાંચતાં સ્પષ્ટ સમજાશે કે સુખના રાગીનું આમાં કામ નથી. સુખનો રાગ અને દુઃખનો દ્વેષ : આ બંન્ને તરફ ઢેષ જાગે તો જ આ પૂર્વસેવા જીવનમાં ઊતરે તેવી છે. આ પૂર્વસેવાને સેવ્યા વિના યોગી બની ગયેલાઓના યોગ, પોતાને અને બીજાઓને ઠગનારા દંભ સિવાય બીજું કશું જ નથી. આ પૂર્વસેવાની અપૂર્વ-અત્યાર સુધી ક્યારેય કોઇની ન કરી હોય તેવી – સેવા કરીશું તો જ સાચા યોગી બનીશું. આવા યોગી ક્રિયામાર્ગના વિરોધી ન હોય. વિરોધ અશુદ્ધ ક્રિયાનો હોય, શુદ્ધ ક્રિયા તો યોગસાધનાનું અવિભાજય અંગ છે, તેની ઉપાસના વિના યોગ સિદ્ધ ન થાય. યોગમાર્ગના સાચા જ્ઞાનના અભાવે આજે યોગ, ધ્યાન, સાધના વગેરેના નામે નરી સુખશીલતા પોષાઈ રહી છે. આપણે એ બધી ગરબડમાં પડવું નથી. ૧૪૮
યોગપૂર્વસેવા બત્રીશી