Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
જેવું છે. અત્યંત અસાર અને તુચ્છ કોટિનું એ અનુષ્ઠાન છે. એનાથી ભાવની પ્રાપ્તિ જ થતી નથી. અન્ય બૌદ્ધાદિ દર્શનકારો પણ જેને સુવર્ણઘટ જેવું માને છે, તેને આપણે પણ માનવું પડે – એમાં કોઇ પણ પ્રકારની દ્વિધા સેવવાનું કોઇ જ કારણ નથી. ભાવશૂન્ય અનુષ્ઠાનને મોક્ષનું કારણ કોઇ પણ માનતું નથી. કષાયના ઉદયથી ભગ્ન બનેલું એવું પણ અનુષ્ઠાન ભાવાનુવિદ્ધ હોવાથી વિવક્ષિત ફળને આપનારું બને છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૧૦-૨૪ ઉપર જણાવેલી વાતને સ્પષ્ટ કરાય છે—
शिरोदकसमो भावः, क्रिया च खननोपमा । भावपूर्वादनुष्ठानाद्, भाववृद्धिरतो ध्रुवा ||१०-२५ ।।
शिरेति-शिरोदकसमस्तथाविधकूपे सहजप्रवृत्तशिराजलतुल्यो भावः । क्रिया च खननोपमा शिराश्रयकूपादिखननसदृशी । अतो भावपूर्वादनुष्ठानाद्भाववृद्धिर्ध्रुवा । जलवृद्धौ कूपखननस्येव भाववृद्धौ क्रियाया हेतुत्वाद्भावस्य दलत्वेऽपि बहुदलमेलनरूपाया वृद्धेस्तदन्वयव्यतिरेकानुविधानात् ।।१०-२५।।
“શિરાના જલ જેવો ભાવ છે અને કૂવા વગેરેને ખોદવા જેવી ક્રિયા છે. તેથી ભાવપૂર્વકના અનુષ્ઠાનથી ભાવની વૃદ્ધિ નિશ્ચિત છે.” - આ પ્રમાણે પચીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. એનો આશય સમજી શકાય છે કે જમીનમાંથી સ્વાભાવિક રીતે નીકળતા પાણીને શિરોદક (શિરાજલ) કહેવાય છે. એવા જલની વૃદ્ધિ માટે જમીનને ખોદવાથી કૂવા, તલાવ, વાવડી વગેરે બનાવાય છે. અહીં ભાવને શિરોદકની ઉપમા અને ક્રિયાને કૂવા વગેરેને ખોદવાની ઉપમા આપવામાં આવી છે.
જમીનમાં સ્વાભાવિક પાણી પ્રવર્તે છે. તેને પામવા માટે જમીનને ખોદીને જેમ કૂવા વગે૨ે બનાવાય છે તેમ અહીં પણ આત્મામાં રહેલા ભાવને પામવા માટે અને તેની વૃદ્ધિ થાય, એ માટે કૂવા વગેરેના ખનન જેવી ક્રિયા છે. ભાવપૂર્વક અનુષ્ઠાન કરવાથી ભાવની વૃદ્ધિ ચોક્કસ થાય છે. જલની વૃદ્ધિમાં કૂવા વગેરેનું ખનન જેમ કારણ છે તેમ ભાવની વૃદ્ધિમાં ક્રિયા કારણ છે. યદ્યપિ પૂર્વભાવથી જ ઉત્તરભાવ ઉત્પન્ન થતો હોવાથી ભાવની વૃદ્ધિમાં ક્રિયાને કારણ માનવાની જરૂર નથી. પરંતુ ભાવ ભાવનું કારણ હોવા છતાં જ્યારે ક્રિયા હોય છે ત્યારે ભાવના પ્રમાણની અધિકતા હોય છે અને જ્યારે ક્રિયા હોતી નથી ત્યારે ભાવના પ્રમાણની અધિકતા હોતી નથી. આ અન્વયવ્યતિરેકના કારણે ક્રિયામાં ભાવવૃદ્ધિની હેતુતા મનાય છે. ઇત્યાદિ સમજી લેવું જોઇએ.
શ્રી વીતરાગપરમાત્માના શાસનને છોડીને બીજા શાસનમાં પણ ઉપર જણાવ્યા મુજબ મોક્ષની પ્રત્યે ભાવની અને ભાવપૂર્વકની ક્રિયાની મુખ્યહેતુતા સ્વીકારેલી છે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનમાં એ મુજબ હોય તે સમજી શકાય છે. યોગમાર્ગની પ્રાપ્તિમાં આ
યોગલક્ષણ બત્રીશી
૧૦૨