________________
36
ભારતીય પાઠ-સમીક્ષા
આધારિત હતું. આ અનુલેખનનું કાર્ય એટલું મહત્ત્વપૂર્ણ હતું કે પાછળનાં પુરાણોમાં, બૌદ્ધ મહાયાન ગ્રંથોમાં અને પ્રાચીન મહાકાવ્ય(રામાયણ-મહાભારત)માં પાછળથી થયેલાં અર્વાચીન ઉમેરણોમાં પુસ્તકોના પ્રતિલિપીકરણ અને હસ્તપ્રતોના નિર્માણની પ્રશંસા મહાપુણ્યદાયી ધાર્મિક ક્રિયા તરીકે કરવામાં આવી છે. આ પ્રવૃત્તિનું મહત્ત્વ એ પરથી આંકી શકાય કે જે હસ્તપ્રતો દ્વારા આપણે પ્રાચીન ગ્રંથો પ્રાપ્ત કર્યા છે તે હસ્તપ્રતોનો સમય બહુ પ્રાચીન કાળ સુધી પહોંચી શકતો નથી, અને આ રીતે જેમના દ્વારા હજારો ગ્રંથો સચવાયેલા છે તે હસ્તપ્રતો તે ગ્રંથોની મૂળપ્રતો હોતી નથી, પરંતુ કેવળ પ્રતિલિપિઓની પ્રતિલિપિઓ હોય છે, અને તે પણ કેટલામી પ્રતિલિપિ તેનો નિર્ણય કરવો પ્રાયઃ અશક્ય હોય છે. આથી વર્તમાન ઉપલબ્ધ હસ્તપ્રતોમાં સમાયેલ મહાન વારસાનું સંરક્ષણ કરવા માટે આપણે પ્રાચીન અને મધ્યયુગીન લહિયાઓએ આદરેલી અનુલેખનની અવિરત પ્રવૃત્તિના ઋણી છીએ. ભારતમાં છેલ્લાં બે હજાર વર્ષની સાહિત્યિક પ્રવૃત્તિઓના ઇતિહાસનું સંશોધન કરીએ તો અનેક કારણવશ આપણે જે ગ્રંથો સદાયને માટે ગુમાવ્યા છે તેમની સંખ્યા જોઈને કદાચ આપણને આઘાત થાય. ઉપલબ્ધ હસ્તપ્રતોમાં આપણને ઘણીવાર સુપ્રસિદ્ધ લેખકોની* એવી કૃતિઓ સંબંધી ઉલ્લેખો પ્રાપ્ત થાય છે જે હજુ સુધી શોધી શકાઈ નથી. એવી જ રીતે અમુક લેખકોની કૃતિઓમાંનાં ઉદ્ધરણો કેટલીક વાર તે કૃતિઓની ઉપલબ્ધ હસ્તપ્રતોમાં જડતાં નથી.
શિલાલેખો અને તામ્રપત્રો પર લખાયેલાં દાનો અથવા સિક્કાઓ કે અન્ય કોતરાયેલી સામગ્રીમાં સચવાયેલી દંતકથાઓની બાબતમાં આપણે ઘણીવાર મૂળ દસ્તાવેજની પ્રમાણિત પ્રતિલિપિઓથી કામ ચલાવવાનું હોય છે. આમાં જો ભૂલો હોય તો તે કર્તા અથવા કર્તા દ્વારા અધિકા૨પ્રાપ્ત મંડળ (commission)ના આદેશ અનુસાર અધિકૃત રીતે કામ કરતા લહિયા (શિલાલેખક : inscriber) યા લહિયાઓના ક્ષતિપૂર્ણ કાર્યને આભારી છે. આ સામગ્રી ટકાઉ હોવાને કારણે અહીં સંચારણનો કોઈ સવાલ પેદા થતો નથી; અને આ દસ્તાવેજોનું મૂલ્ય આપણે માટે તો શિલાલેખકના માર્ગદર્શન માટે સંભવતઃ પહેલાં ભોજપત્ર યા તાડપત્ર પર લખવામાં આવેલ લખાણ જેટલું જ છે. પરંતુ હસ્તપ્રતોની બાબતમાં આમ નથી. કોઈ એક હસ્તપ્રતની અનેક પ્રતિલિપિઓ બનાવવા માટે છેલ્લા કેટલાક સૈકાઓ દરમ્યાન વિકાસ પામેલી યાંત્રિક પદ્ધતિઓના અભાવે પ્રાચીન કાળમાં શબ્દે શબ્દ, અક્ષરે અક્ષર હાથ વડે લખીને જ પ્રતિલિપિ તૈયાર કરવી પડતી હતી. આ સાથે જ એક ધીરી અને કંટાળાજનક પ્રક્રિયા હતી, પરંતુ લૌકિક યા ધાર્મિક વિચારધારાઓને લીધે પ્રતિલિપીકરણનું કાર્ય કરવામાં
⭑
આ અનુવાદમાં ‘લેખક' શબ્દ પ્રાયઃ ‘ગ્રંથકર્તા'ના અર્થમાં પ્રયોજાયો છે - અનુ.