________________
પાઠોના પ્રકાર
૨૯
સ્વતંત્ર રીતે વહેતો નથી. પહેલાં જણાવ્યું તે પ્રમાણે સંશોધકો અને સંપાદકોની અવિરત પ્રવૃત્તિ દ્વારા આ પ્રવાહો શરૂઆતથી જ સંમિશ્રિત થયેલા હોય છે.
આ રીતે ભારતીય હસ્તપ્રત-પરંપરા દર્શાવે છે કે જ્યારે કાળ દ્વારા થતા વિનાશ અને અન્ય પરિબળોએ ઘણાખરા સ્વહસ્તલેખો અથવા તેમની તરતની પ્રતિલિપિઓ અથવા તેમની પ્રારંભિક પ્રતિલિપિઓને પણ નષ્ટ કર્યાં હતાં ત્યારે તેમની જે પાછળની પ્રતિલિપિઓ આજે આપણને ઉપલબ્ધ થાય છે, તેઓ મૂળ પાઠને ખંડિત, વિકૃત અને અપભ્રષ્ટ સ્વરૂપે પ્રસ્તુત કરે છે. કેટલીકવાર પાઠને થયેલી ક્ષતિ એવા પ્રકારની હોય છે કે તે પાઠ પ્રાયઃ અગમ્ય બને છે.
ભારતમાં ઘણા ગ્રંથો કાલનિર્મિત વિનાશ, કલા પ્રત્યેની વિમુખતા યા અહેતુક વિનાશથી, ગ્રંથ પોતે મહત્ત્વનો ન હોય તેને લીધે તથા કીડા અને ઉધેઈના આક્રમણને કારણે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. ઉપલબ્ધ ગ્રંથોમાં તેમના છૂટાછવાયા ઉલ્લેખ સિવાય તેમની કોઈ નિશાની બાકી રહી નથી. પરંતુ મહાયાન બૌદ્ધોની અવિરત સાહિત્યિક પ્રવૃત્તિઓને કારણે કેટલાક બ્રાહ્મણ ધર્મના તેમ જ બૌદ્ધ ધર્મના, ઘણુંખરું બૌદ્ધ ધર્મના, મહત્ત્વના ગ્રંથો તિબેટ અને ચીનના સરકારી દફતરખાનામાં તિબેટી યા ચીની ભાષામાં પ્રતિલિપિ રૂપે યા અનુવાદ રૂપે સચવાયેલા છે. કેટલાક કિસ્સાઓમાં લુપ્ત ગ્રંથોનાં રૂપાંતરો પ્રાપ્ત થાય છે. આનુ સૌથી પ્રશિષ્ટ ઉદાહરણ પરંપરા અનુસાર મૂળ પૈશાચી ભાષામાં રચાયેલ ગુણાઢ્યની બૃહત્કથા છે, જે સદાને માટે લુપ્ત થઈ ગયેલી છે. પરંતુ ક્ષેમેન્દ્ર અને સોમદેવે કરેલાં બે સ્વતંત્ર સંસ્કૃત રૂપાન્તરો દ્વારા તે સચવાઈ છે. આવા કેટલાક લુપ્ત ગ્રંથો વિષેની માહિતી આપણને નીચેના સ્રોતો દ્વારા પ્રાપ્ત થાય છે :- (૧) ભાષાન્તરો (૨) ઉપલબ્ધ હસ્તપ્રતોમાં નામોલ્લેખ (૩) ઉદ્ધરણો અને (૪) ટીકાઓ.
જો કે ભારતનો સાહિત્યિક અને પાઠસમીક્ષાનો ઇતિહાસ હજુ પણ અમર્યાદિત ક્ષેત્રવાળા નવીન સંશોધનનો વિષય છે, તેમ છતાં વર્તમાન હસ્તપ્રતોના અધ્યયનમાંથી કેટલાક મુદ્દાઓ ઊભા થાય છે. આપણે આ અગાઉ જોયું કે આ હસ્તપ્રતો અવિચ્છિન્ન પરંપરાના એક યા વધુ પ્રવાહોમાં વિભક્ત હોય છે. તેઓ દેશના વિભિન્ન પ્રદેશોમાં પ્રચલિત વિભિન્ન લિપિઓમાં લખાયેલી હોય છે. હવે મધ્યકાલીન યુગમાં ધંધાદારી લહિયા એક કે વધુમાં વધુ બે કરતાં વધુ લિપિઓથી પરિચિત હોય તે સંભવિત ન હતું. સ્વાભાવિક રીતે જ તેમની પ્રતિલિપીકરણની પ્રવૃત્તિ એક યા બે લિપિ પૂરતી જ મર્યાદિત રહે. આ પરથી એમ નિર્ણય કરી શકાય કે હસ્તપ્રત-પરંપરા જે લિપિમાં મૂલ આદર્શપ્રત લખાઈ હોય તેને સમાંતર પ્રવાહ યા શાખામાં ઊતરી આવતી. જે