________________
પ્રકરણ-૪ સમીક્ષાત્મક સંસ્કરણની સમસ્યા
આપણે ધારી લઈએ કે સંપાદકે હજુ સુધી જેનું સંપાદન થયું જ ન હોય અથવા ઓછામાં ઓછું જેનું સમીક્ષાત્મક સંપાદન ન થયું હોય એવા ગ્રંથની સમીક્ષાત્મક આવૃત્તિ પ્રકાશિત કરવાનું નક્કી કર્યું છે. આ માટે સર્વપ્રથમ તો તેણે ઉપલબ્ધ પ્રમાણોને શોધી કાઢવાનાં છે. આ પ્રમાણો એટલે ઘણુંખરું સંચરિત(સંચરણ-પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થયેલી) હસ્તલિખિત પ્રતો અર્થાતુ હસ્તપ્રતો. આ બાબતમાં આપણે આશરે એક સૈકા કરતાં પણ વધુ સમયના વિદ્વાનોના અવિરત પ્રયાસોના ઋણી છીએ, જેમને પરિણામે આજે આપણને અનેક વિખ્યાત સાર્વજનિક પુસ્તકાલયોમાં સચવાયેલી સંસ્કૃત, પ્રાકૃત અને પ્રાન્તીય ભાષાઓની ઘણી ગ્રંથસૂચિઓ(catalogues), હસ્તસૂચિઓ(hand-lists) અને વિવરણાત્મક ગ્રંથસૂચિઓ (descriptive catalogues) પ્રાપ્ત થાય છે. વળી કેટલીકવાર આપણને વ્યક્તિગત માલિકીની હસ્તપ્રતોનો ઉલ્લેખ પણ જોવા મળે છે, જેમકે (રાજેન્દ્રલાલ) મિત્રની Notices. સંસ્કૃત હસ્તપ્રતોની બાબતમાં ઑફેટનું સર્વોત્તમ Catalogus Catalogorum આપણને વ્યક્તિગત ગ્રંથસૂચિઓ હસ્તપ્રતસૂચિઓ અને પત્ર-પત્રિકાઓમાં પ્રકાશિત થયેલ વિવિધ નોંધો, વર્ણનો ઇત્યાદિ દ્વારા જેમનું અસ્તિત્વ જાણીતું છે તેવા પાઠ્યગ્રંથો અને તે ગ્રંથોની હસ્તપ્રતો વિષે સામાન્યતઃ સંક્ષિપ્ત સઘન માહિતી પૂરી પાડે છે. જો કે હસ્તપ્રતોને એકત્રિત કરી તેમનો વિવરણાત્મક પરિચય આપવાનું કામ હજુ પણ ચાલુ જ છે. અને પ્રતિવર્ષ નવી તાજી માહિતી ઉમેરાતી રહે છે, છતાં પણ સંપાદક તેને પ્રાપ્ય સ્રોતોમાંથી જે કાંઈ માહિતી ઉપલબ્ધ થાય તેનાથી સંતોષ માનવાનો રહે છે. આમ તેનું સર્વપ્રથમ કર્તવ્ય તેના કાર્ય માટે કઈ હસ્તપ્રતો ઉપલબ્ધ છે તે શોધી કાઢવાનું અને પછી હસ્તપ્રતોના સંતુલન (collation) અને અવિરત અભ્યાસ માટે તેમને મેળવી લેવાનું છે. તે દસ્તાવેજોનું અનવરત અધ્યયન કરીને તેમજ તેમની વિશિષ્ટતાઓ નોંધીને તેણે પોતાની જાતે ખાતરી કરી સંતોષ મેળવી લેવો જોઈએ કે તે પાઠ્યગ્રંથની વિશુદ્ધપણે સંચારણ પામેલી હસ્તપ્રતો પર જ કામ કરી રહ્યો છે.
૧.
અથવા ફ્રેંચ catalogues raisounse