________________
પ્રકરણ - ૬
સંશોધન
પાઠ્યગ્રંથના સ્વરૂપ, સ્થિતિ અને વિષયવસ્તુ (contents) વિષે નિર્ણય બાંધવામાં આવે તે પહેલાં, ગત પ્રકરણમાં દર્શાવ્યા પ્રમાણેની સંચરણ સમયે પાઠમાં પ્રવેશતી અશુદ્ધિઓ અને અવ્યવસ્થાઓના વિવિધ પ્રકારોનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે. સંસ્કરણ (recension) દ્વારા સંપાદક સંચારિત પાડ્યગ્રંથના સૌથી પ્રાચીન સ્વરૂપ સુધી પહોંચી શકે છે. અને આમાં તેનું કાર્ય એક પ્રામાણિક માણસ તરીકેનું રહે છે, અને તે પણ પાઠવિષયક પુરાતત્ત્વવેત્તા તરીકેનું, પાઠ-સમીક્ષક તરીકેનું નહિ; કારણ કે ગ્રંથને શક્ય હોય
ત્યાં સુધી, તેના મૂળ સ્વરૂપ સુધી લઈ જવાનું કાર્ય હજુ બાકી રહે છે; અને પાઠ્યગ્રંથનું મૂળ સ્વરૂપ એટલે લેખકને અભિપ્રેત સ્વરૂપ અર્થાત્ લેખકે જ લખ્યું હોય તે સ્વરૂપ.
આથી સંપાદકે સર્વપ્રથમ આ પ્રશ્ન પોતાની જાતને પૂછવાનો છે “પ્રાચીન લેખકે અહીં આ લખ્યું હોવાની સંભાવના છે?' આ પ્રશ્નનો નિર્ણય કરતી વખતે આપણે લેખકની શૈલી અને તેના વિચાર તથા વિશિષ્ટ સંદર્ભને લક્ષમાં લેવાં જોઈએ. નિષેધાત્મક રીતે વિચારીએ તો આપણે ઠીકઠીક નિશ્ચિતતાથી કહી શકીએ કે અમુક પાઠ મૂળ પાઠ હોવાનું શક્ય નથી. પરંતુ વિધેયાત્મક રીતે જોઈએ તો આવી કસોટી હંમેશાં નિર્ણયાત્મક ન પણ હોય. અહીં આપણે લેખકની શૈલી, તેના વિચાર અને વિશિષ્ટ સંદર્ભ વિષેના આપણા પોતાના ખ્યાલો મંતવ્યો વડે દોરાતા હોઈએ છીએ. આવા પ્રસંગોએ સમાન રીતે કાર્યદક્ષ નિર્ણાયકોના નિષ્કર્ષ પણ જુદા જુદા હોય એ સંભવિત છે. આ વિવિધ નિષ્કર્ષોમાંના પ્રત્યેકને માટે સંભાવનાની માત્રા કેટલી તે આપણે શી રીતે ચકાસવું ? અને પરસ્પર વિરોધી સૂચનો વચ્ચે આપણે પસંદગીનો નિર્ણય શી રીતે કરવો? ”
આથી સંસ્કરણની પ્રક્રિયા દ્વારા સંપાદકે જે પાઠોનો નિર્ણય કર્યો હોય તે પાઠોના આંતરિક સ્વરૂપને તેણે લક્ષમાં લેવું જોઈએ. જો સંચારિત પાઠ (હસ્તપ્રતોમાં જેના વિષે એકરૂપતા પ્રવર્તે છે તેવો પાઠ) અથવા “પારંપરિક પાઠ (જેને વિભિન્ન હસ્તપ્રતો તેમ જ પ્રત્યક્ષ સહાયક પ્રમાણો (testimonia) એ બંનેનો ટેકો હોય એવો પાઠ) સદંતર અર્થહીન