________________
૯૨
ભારતીય પાઠ-સમીક્ષા
ચકાસી લેવાનું તથા પહેલાંની જેમ જ સઘળાં પાઠાન્તરો સમીક્ષાત્મક ટિપ્પણમાં નોંધવાનું રહેશે. ઈ.સ.૧૨૦૦ પછી થઈ ગયેલા લેખકો માટે પાઠ-સમીક્ષાની સમસ્યા બહુ વિકટ નથી અને આપણી પ્રાચીનતમ તેમ જ શ્રેષ્ઠ હસ્તપ્રત તથા સ્વહસ્તલેખ વચ્ચેના સમયનો ગાળો ઘણો મોટો ન હોય તો આ પદ્ધતિ સ્વીકારી શકાય. ધાર્મિકતાને રંગે રંગાયેલી કૃતિઓમાં ઘણીવાર સંચરણ દરમ્યાન ઘણાં પરિવર્તન અનિવાર્યપણે પ્રવેશતાં હોય છે અને અહીં સૂચવેલી પદ્ધતિ તેમને લાગુ પાડી શકાશે નહીં. ઉદાહરણ તરીકે, લીલાશુક બિલ્વમંગલની રચના “કૃષ્ણામૃતમ્' બે વાચનાઓમાં પ્રાપ્ત થાય છે અને લાંબા સમય સુધી વ્યવસ્થિતપણે સંમિશ્રણ (conflation) ચાલ્યા કર્યું હોવાને કારણે સર્વોત્તમ વર્તમાન હસ્તપ્રતોના પાઠોને પ્રમાણભૂત ઠરાવીને તેના મૂળ પાઠ સુધી પહોંચવું શક્ય નથી. આવા કિસ્સાઓમાં અનુસંધાન (Heuristics), સંસ્કરણ (Recensio) અને સંશોધન (Emendatio)ની નિયમિત પદ્ધતિનો જ ઉપયોગ કરવો જોઈએ. કેટલીક મહત્ત્વની ન ગણાય તેવી રચનાઓની બાબતમાં બે કે ત્રણથી વધુ હસ્તપ્રતો અસ્તિત્વ જ ધરાવતી ન હોય એ સંભવ છે. અને અધિકૃત વાચનાની સમસ્યા અહીં ઘણી સરળ બની જાય છે. જો એક જ વાચના નજરે પડતી હોય તો સર્વોત્તમ હસ્તપ્રતને આદર્શ (norm) તરીકે સ્વીકારવાની રહેશે. જો બે વાચનાઓ અસ્તિત્વ ધરાવતી હોય તો વંશાનુક્રમ પદ્ધતિને આધારે અધિકૃત વાચના તૈયાર થઈ શકશે.
સંપાદકને જ્યારે વૈદિકેતર પાઠ્યગ્રંથો - જેવા કે રામાયણ-મહાભારત અને પુરાણો - સાથે કામ કરવાનું હોય છે ત્યારે તેમનાં સમીક્ષાત્મક સંસ્કરણ તૈયાર કરવામાં ખરી મુશ્કેલી તેને અનુભવાશે. આવા સંપાદનનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ પૂનાના ભાંડારકર ઓરિયેન્ટલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા હાથ ધરવામાં આવેલ મહાભારતનું સમીક્ષાત્મક સંપાદન છે. આદિપર્વના તેમના સમીક્ષાત્મક સંપાદનમાં સુકથનકરે જેમનો પ્રયોગ કર્યો છે અને જેમને પરિપૂર્ણ બનાવ્યા છે તે સિદ્ધાંતો અને પદ્ધતિઓની અવગણના પુરાણો કે તેમના જેવી જ કઠિન અન્ય કૃતિઓનું આવા પ્રકારનું કામ હાથ ધરનાર કોઈ પણ સંપાદક કરી શકે નહિ.