________________
૧૩૦
ભારતીય પાઠ-સમીક્ષા
કનીંગહામની સલાહથી ડૉ. હોર્નલેને મોકલાવી હતી. ઈ.સ.૧૯૦૨માં ડૉ. હોર્નલેએ આ હસ્તપ્રત બોડલેના ગ્રંથાલયને ભેટ આપી. ત્યાં તે ભારતીય હસ્તપ્રતોના સૌથી મૂલ્યવાન સંગ્રહનો એક ભાગ બનેલી છે. તેમાં ભૂર્જવૃક્ષની છાલમાંથી બનાવેલાં ૭૦ પત્ર છે. પરંતુ આમાંનાં કેટલાંક પાન તો કેવળ ટુકડા જ છે. પત્રોનું સરેરાશ માપ ૭” X ૪” છે. હસ્તપ્રત શારદા લિપિમાં લખાયેલી છે. તેની ભાષા લૌકિક (popular) સંસ્કૃત છે, જેમાં ઈન્ડો-આર્યન લાક્ષણિકતાઓ પણ દૃષ્ટિગોચર થાય છે, જેને શરૂઆતમાં વિદ્વાનો ‘ગાથા બોલી’ એવું નામ આપવા પ્રેરાયા હતા. પરંતુ લખવાની પદ્ધતિ એકરૂપ નથી અને ઘણા લહિયાઓ દ્વારા કામ થયેલું દેખાય છે. આ ગ્રંથની શોધ પછી તરત જ કેટલાક મુદ્દાઓને આધારે વિદ્વાનોએ ધારણા કરી કે તે હસ્તપ્રત ઈ.સ.ની બીજી શતાબ્દીની હતી, જો કે ડૉ. હોર્નલેને મતે તે ઈ.સ. ની દશમી શતાબ્દીથી મોડી હોઈ શકે નહિ. લિપિની પરિશ્રમપૂર્વક ચકાસણી કર્યા બાદ શ્રી કાયે એવા નિર્ણય પર આવેલા કે તે હસ્તપ્રતનો સમય ઈ.સ.ની બારમી શતાબ્દી હતો. આ હસ્તપ્રતનું સંપાદન અને પ્રકાશન ભારતના પુરાતત્ત્વીય સર્વેક્ષણ (Archaeological Survey) દ્વારા New Imperial Series વોલ્યુમ - ૪૩; ભાગ ૧-૨, ૧૯૨૭ અને ભાગ-૩, ૧૯૩૩ માં કરવામાં આવ્યું છે.
બાવર હસ્તપ્રત :
જ્યારે લેફ્ટનન્ટ બાવર કાગિરિયામાં કુચારમાં હતા ત્યારે કોઈ એક માણસે તેમને એક ભૂગર્ભમાં સમાયેલું નગર બતાવવાનું માથે લીધું. તેની શરત એ હતી કે તેમણે અડધી રાતે ત્યાં આવવું. તે જ માણસે તેમને ભૂર્જપત્ર પર લખાયેલી પ્રાચીન હસ્તપ્રતોનું એક બંડલ આપ્યું, જે આ ભૂગર્ભમાં સમાયેલા નગરની તદ્દન બહારની બાજુએ આવેલી વિચિત્ર જૂની ઈમારતોમાંની એકમાંર્થી ખોદી કાઢવામાં આવ્યું હતું. આ હસ્તપ્રતનાં ૫૬ પાનાં છે. કેટલાંકની જાડાઈ એકવડી છે તો કેટલાંકની જાડાઈ બેવડીથી ચોવડી છે. ઘણુંખરું પાનાંની બન્ને બાજુએ લખેલું લખાણ કાળી શાહીથી લખેલું છે અને એક કરતાં વધુ હાથો વડે લખાયેલું છે. કેટલાંક પાનાં સંપૂર્ણ રીતે તાજાં અને સ્પષ્ટ દેખાય છે, તો બીજાં અત્યંત વિવર્ણ બનેલાં છે. બધાં જ પત્રો અતિશય બરડ અને કોમળ છે. આ હસ્તપ્રતની સર્વપ્રથમ નોંધ બંગાળની ‘એશિયાટિક સોસાયટી'ની નવેમ્બર, ૧૮૯૦ની ‘કાર્યવાહી’ (Proceedings) માં લેવામાં આવી જણાય છે. ફરી એપ્રિલ ૧૮૯૧માં પણ તેની નોંધ લેવાઈ છે. ઈ.સ. ૧૮૯૧માં JASBમાં હોર્નલે પુરાલિપિશાસ્ત્રીય પ્રમાણને આધારે આ હસ્તપ્રતનો સમય ઈ.સ.ની પાંચમી શતાબ્દી હોવાનું પોતાનું તારણ રજૂ કરે છે. આ હસ્તપ્રતના ઓછામાં ઓછા પાંચ સ્પષ્ટ વિભાગો પડે છે, જે આ પ્રમાણે છે : (૧) પાન ૧ થી ૩૧, આ વૈદકશાસ્રીય નિબંધ છે. (૨) પાન ૩૨ થી ૩૬, આમાં સુભાષિતોનો સંગ્રહ છે. (૩) પાન ૩૭ થી ૪૦, અહીં ભગવાન બુદ્ધે આનંદને
#