________________
૧૦૨
ભારતીય પાઠ-સમીક્ષા
મેક્સમૂલર, કોલબૂક અને અન્ય વિદ્વાનોના સમૂહે કરેલાં કાર્યોએ સામાન્યતઃ ભારતીય વિદ્યા અને વિશેષતઃ સંસ્કૃત અધ્યયનના ક્ષેત્રમાં સમીક્ષાત્મક અધ્યયનના પાયા નાખ્યા છે.
૫. ભારતીય વિદ્યામાં સંશોધન ક્ષેત્રો સમીક્ષાત્મક અધ્યયનનો સંબંધ ખાસ કરીને
હસ્તપ્રતોના સંગ્રહ તથા તેમની યાદીઓ અથવા ગ્રંથસૂચિઓ (catalogues) છપાવવાના વિચાર સાથે સંકળાયેલ છે. આ વિચારના ઉદ્ભવ અને વિકાસની ચર્ચા ડૉ.એસ કે. બેલવલકરે Descriptive Catalogue of the Govt. MSS Library મુંબઈ, ૧૯૧૬ (હાલ ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, પૂનાના કબજામાં)ના પ્રથમ વોલ્યુમની પ્રસ્તાવના (આમુખ)માં પ્રશસ્ય રીતે કરી છે. આ ઉત્પત્તિ અને વિકાસનો પ્રારંભિક કાલાનુક્રમ આપણે અહીં નોંધીએ - આશરે ઈ.સ.૧૭૭૪ થી ૧૭૭૯ - સર રોબર્ટ ચેમ્બર્સ, જે સર વિલિયમ જોન્સ અને બર્કના મિત્ર હતા તથા કેટલાક સમય માટે બંગાળની “એશિયાટિક સોસાયટીના પ્રમુખ હતા, એક પુસ્તકાલય જેટલા ભારતીય ગ્રંથો એકત્રિત કર્યા હતા. (જુઓ વેબરની બર્લિન હસ્તપ્રતોની ગ્રંથસૂચિ, ૧૮૫૩ની “Vorrede” અર્થાત્ પ્રસ્તાવના) સંસ્કૃત હસ્તપ્રતોના તે અદ્વિતીય સંગ્રહને પાછળથી ઈ.સ. ૧૮૪૨માં પ્રશિયાની સરકારે ખરીદી લીધો હતો અને બર્લિનની ઈમ્પિરિયલ લાયબ્રેરીમાં રાખ્યો હતો. ૧૭૭૯ - સર વિલિયમ જોન્સ શાકુન્તલનું તેમણે કરેલું અગ્રેજી ભાષાન્તર પ્રસિદ્ધ કર્યું. ૧૭૮૨ - કર્નલ મેકેન્ઝીએ “મદ્રાસ એસ્ટાબ્લિશમેન્ટ'માં ઈજનેર તરીકે ભારતમાં પદાર્પણ કર્યું. ૧૭૯૬-૧૮૦૬ - મેકેન્ઝીને દક્ષિણની તપાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું. પાછળથી તે ભારતના “સર્વેયર જનરલ' બન્યા હતા. તેમણે હસ્તપ્રતો, શિલાલેખો, પ્લાનો, નકશાઓ અને અન્ય પ્રાચીન સામગ્રી એકત્રિત કરી. તેમનો સંગ્રહ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ૧૦,૦૦૦ પાઉન્ડ આપી ખરીદ્યો હતો. ૧૮૨૮-મેકેન્ઝીના સંગ્રહની એચ.એચ. વિલ્સને તૈયાર કરેલી ગ્રંથસૂચિ પ્રસિદ્ધ થઈ. ૧૮૬૮ (દસમી મે) - લાહોર દરબારના મુખ્ય પંડિત પં. રાધાકૃષ્ણ, વાઈસરાય અને ભારતના ગવર્નર જનરલને એક પત્ર પાઠવ્યો, જેમાં ભારત સરકારને તેમણે ભારતના ઘણા પ્રદેશોમાં અસ્તિત્વ ધરાવતી સંસ્કૃત, અરેબિક અને પશિયન પુસ્તકોની ગ્રંથસૂચિ એકત્રિત કરવા આદેશ આપવા બદલ અભિનંદન આપ્યા હતા, અને ભારત તથા યુરોપમાં વર્તમાન બધી સંસ્કૃત હસ્તપ્રતોની ગ્રંથસૂચિ તૈયાર કરવાના કાર્યની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.