________________
ક
ભારતીય પાઠ-સમીક્ષા
તેમ રહેવા દેવો વધુ સારો છે. આ સિદ્ધાંત-વાક્ય એ માન્યતા પર આધારિત જણાય છે કે વિરોધી સંપ્રદાય દ્વારા સૂચિત અનુમાનાત્મક સંશોધન કરતાં આવા સંશયાત્મક પાઠનો મૌલિકતા-સંબંધી દાવો વધુ સબળ છે.
ઉપર્યુક્ત સિદ્ધાંતની તદન વિરુદ્ધમાં સમીક્ષકોના બીજા સંપ્રદાય (ઉદારતાવાદી)નો મત એવો છે કે વિકૃત અથવા સંદિગ્ધ પાઠ ને બદલે અનુમાન પર આધારિત પાઠ વધુ પસંદ કરવા યોગ્ય છે (Stopgaps should be preferred to debris). બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે સમીક્ષાત્મક સંસ્કરણ (અર્થાત્ અધિકૃત વાચના) નો પાઠ સંદેહાત્મક હોય ત્યારે લેખકે લખ્યો હોવાનું અશક્ય હોય તેવા પાઠ કરતાં તેણે લખ્યો હોવા સંભવ હોય તેવા પાઠને પ્રસ્તુત કરવો એ વધુ સારું છે. ઉદાહરણ તરીકે, મહાભારતમાં આપણે અગાઉ જોઈ ગયા છીએ કે જ્યારે ઉત્તર અને દક્ષિણની વાચનાઓ એવાં પાઠાન્તરો પ્રસ્તુત કરતી હોય કે જેથી આંતર સંભાવના તેમ જ બહિરંગ યા દસ્તાવેજીય સંભાવના સમાન રીતે સંતોષાતી હોય ત્યારે સુકથનકરે ઉત્તરીય વાચનાના પાઠોને કામચલાઉ અવેજી તરીકે પસંદ કર્યા છે. કારણ કે તે પ્રમાણમાં વધુ શુદ્ધ છે અને પાછળથી થયેલી અભિવૃદ્ધિઓ(પ્રક્ષેપો)થી મુક્ત છે. અહીં એવાં બે શક્ય પાઠાન્તરો વચ્ચે પસંદગી કરવાની હતી કે જેમના અધિકૃત વાચનામાં સમાવેશ અર્થાત્ પ્રવેશ માટે સરખી રીતે સબળ કારણો છે. જો આ પસંદગી, જેમ સુકથનકરે કર્યું છે તે પ્રમાણે, કોઈ નિશ્ચિત સિદ્ધાંતને આધારે ન કરવામાં આવે તો પરિણામે એવી સારગ્રાહી (વા સંકલિત). વાચના પેદા થશે જે કોઈ પણ પરિનિશ્ચિત સિદ્ધાંત પર આધારિત નહિ હોય પરંતુ વિવિધ પ્રકારના પાઠોનો દૂષિત સંગ્રહ (debris) હશે. સંશોધનની બાબતમાં તો આ સિદ્ધાંત વધુ સબળ રીતે લાગુ પડે છે. કારણ કે સંશયાત્મક પરંપરાગત પાઠ કદાચ સફળતાપૂર્વક સુધારી શકાય તેવો હોઈ શકે, જો તે અંતરંગ અને બહિરંગ (documental) સંભાવનાઓને પૂર્ણ રીતે સંતોષતો હોય તી; અને જ્યારે અનુમાન તદન સંભવિત હોય ત્યારે પણ તે લેખક ન લખી શક્યો હોય તે કરતાં તેના વડે લખી શકાયો હોય એવો પાઠ દર્શાવે છે, કેવળ અંતરંગ સંભાવનાને જ લક્ષમાં લેવામાં આવે તો પણ. આવા પ્રસંગોએ અશુદ્ધ પરંપરાગત પાઠ કરતાં કેવળ કામચલાઉ અવેજી (stopgap) તરીકે પણ સંશોધિત પાઠને વધુ પસંદ કરવો જોઈએ, પછી ભલે સંશોધનને પક્ષે બંને પ્રકારની સંભાવનાઓ (આંતરબાહ્ય) સમતોલ રૂપે સંતોષાતી ન પણ હોય.
પાઠસમીક્ષાની એક સૌથી જટિલ સમસ્યા એ છે કે, પાઠની સ્વીકૃત અશુદ્ધિઓ (દોષ) યા અસંગતિઓને કેટલી હદ સુધી લહિયાની નહિ પરંતુ ગ્રંથકર્તાની જ ત્રુટિ તરીકે તેમાં રહેવા દેવી. આ બાબતમાં કોઈ સર્વમાન્ય સિદ્ધાંત પ્રાપ્ય હોય એમ જણાતું નથી. દરેક કિસ્સામાં તેની પોતાની વ્યક્તિગત) ગુણવત્તાને આધારે વિચારણા થવી