________________
પ્રકરણ-૮
પાઠ-સંપાદન અંગે વ્યવહારુ સૂચનો
પાઠ્યગ્રંથની ઉપલબ્ધ હસ્તપ્રતો અને તે વિષેની સહાયક સામગ્રીમાંથી પ્રાપ્ત થતાં પ્રમાણોને આધારે પાઠ્યગ્રંથનું સમીક્ષાત્મક સંપાદન કઈ રીતે કરવું અને અધિકૃત વાચના કેવી રીતે તૈયાર થાય એનો સામાન્ય પરિચય આપણે મેળવ્યો. પાઠ્યગ્રંથની બધી ઉપલબ્ધ હસ્તપ્રતોનો સ્થાન-નિર્ણય થાય કે તરત જ સંપાદકે તેમને પ્રાપ્ત કરવી જરૂરી બને છે. અને જો તે શક્ય ન હોય તો પોતાના સંપાદન - કાર્ય માટે તેમના ફોટોગ્રાફ, માઈક્રોફિલ્મ અને હસ્તપ્રતોની ફોટો-કૉપીઓ તેણે પ્રાપ્ત કરવાની રહે છે. જો તેમની પ્રતિલિપિ સંપાદકે જાતે નહિ, પરંતુ કોઈની સહાયથી તૈયાર કરાવી હોય, તો સંપાદકે શક્ય હોય ત્યાં સુધી જાતે જ તે પ્રતિલિપિને મૂળ સાથે સરખાવવી જોઈએ. અને લહિયાના વ્યક્તિત્વને કારણે તેમાં પ્રવેશતી લેખનગત યા અન્ય પ્રકારની અશુદ્ધિઓને સુધારી લેવી જોઈએ, કારણ કે આપણે અગાઉ જોઈ ગયા કે લહિયાનું વ્યક્તિત્વ ડગલે ને પગલે આપણને ડખલ કરતું હોય છે, અને તેની આદર્શપ્રતનો નિર્ણય કરવા માટે આપણે તેના વ્યક્તિત્વથી આગળ પહોંચવું પડે છે. આવી સામગ્રીમાંથી હસ્તપ્રતોનું સંતુલન (collation) શરૂ થશે, જે ક્રમશઃ હસ્તપ્રતોના ઊંડા અધ્યયન, તેમની વિશિષ્ટતાઓનો નિર્ણય, આનુવંશિક સંબંધ અને તેમની સાપેક્ષ વિશ્વસનીયતા, સમીક્ષાત્મક સંસ્કરણનું નિર્માણ અને શક્ય હોય ત્યાં પાઠના મૂળ સ્વરૂપની સ્થાપના તરફ દોરી જશે. પ્રસ્તુત પ્રકરણમાં સમીક્ષાત્મક સંપાદનમાં આવશ્યક એવી બાબતો વિશે કેટલાંક વ્યવહારુ સૂચનો આપવામાં આવશે.
સંપાદકે પોતાની પ્રસ્તાવનાનો પ્રારંભ પોતાના સંપાદનકાર્ય માટે ઉપયોગમાં લીધેલી સમીક્ષાત્મક સામગ્રીના વર્ણનથી કરવો જોઈએ. આથી સર્વ પ્રથમ તો હસ્તપ્રતોનો સામાન્ય પરિચય આપવો જોઈએ, જેમાં પ્રકાશમાં આવી હોય તેવી હસ્તપ્રતોની સંખ્યા, સમીક્ષાત્મક સંપાદન માટે ખરેખર ચકાસેલી હસ્તપ્રતોની સંખ્યા, પૂર્ણતઃ યા આંશિક રૂપે સંતુલિત હસ્તપ્રતોની સંખ્યા અને આ પ્રકારના સંતુલન માટે પસંદ કરેલી હસ્તપ્રતોને પસંદ કરવા માટેનાં કારણોનો સમાવેશ થવો જોઈએ. સંપાદકે ઉપલબ્ધ હસ્તપ્રતોમાંથી જ