________________
સંશોધન
૧
ગ્રંથના પ્રાચીન લેખકને જે સંતોષ અર્પી શક્યો ન હોત. ખરેખર તો આપણે આપણી સામેના પાઠના નિર્ણયને અભિરુચિ, શૈલી અને નૈતિકતાનાં આપણાં ધોરણો લાગુ પાડવાથી દૂર રહેવું ઘટે. બીજી પદ્ધતિ લેખકની સ્વભાવગત વિશિષ્ટતામાં અસાધારણતાઓ અને વિચિત્રતાઓ હોવાનું પ્રતિપાદિત કરવું તે છે, જે, જો પરંપરામાં અસંગતિ હોય તો, અવશ્યપણે પરંપરાની દોષયુકતતાને લાગુ પાડવામાં આવત. અલબત્ત સર્વોત્તમ લેખકોમાં પણ સ્ખલનો (ક્ષતિઓ) સંભવે છે, તે હકીકતને નકારી શકાય તેમ નથી. પરંતુ એ (હકીકત)ને જે સંચરિત પાઠમાંનો દોષ હોય તે મૂળગ્રંથમાંનો દોષ હશે એમ કાલ્પનિક રીતે માની લઈ, તેને તે દોષને પદ્ધતિસર રહેવા દેવા માટેનું કારણ બનાવવામાં આવે એ યોગ્ય નથી; કારણ કે આવા દોષોને જેમ હોય તેમ પાઠમાં રહેવા દેવાથી પાઠને જે નુકસાન પહોંચે છે તે તેમના પદ્ધતિસર અસ્વીકાર કરવાથી થતા નુકલાન કરતાં વધુ હોય છે.
રૂઢિવાદી સમીક્ષકોની નબળાઈ એ છે કે તેઓ સંશોધનને ભોગે પાઠના અર્થઘટન અને વિવેચનની પ્રશંસા કરે છે. કેટલાક તો એટલી હદે જાય છે કે તેમને મતે પાઠનું સફળતાપૂર્વક સંશોધન કરવા કરતાં પાઠનો સફળતાપૂર્વક બચાવ કરવો તે પાઠ્યપુસ્તકની વધુ સારી સેવા છે. પરંતુ આ સાચું નથી. બંને (સંશોધન અને અર્થઘટન) આમ તો એક જ કાર્ય સાધવાનો પ્રયાસ કરે છે. અને તે એ કે પહેલાં જે અસ્પષ્ટ હતું તેને હવે સ્પષ્ટ બનાવવામાં આવ્યું છે. બીજી બાજુ આથી વિરોધી સંપ્રદાય (સંશોધનવાદી)ની ખામી એ છે કે તે અર્થઘટનનું મૂલ્ય બહુ ઓછું આંકે છે. અને સંશોધનને જ વિદ્વાન પુરુષ માટેનું યોગ્ય ક્ષેત્ર માને છે. અમદાવાદના સ્વર્ગસ્થ કેશવલાલ હર્ષદરાય ધ્રુવ આનું સારું ઉદાહરણ પૂરું પાડે છે. ‘અર્થઘટન પૂર્વે સંશોધન થવું જોઈએ' (Correction should precede interpretation.) એ સૂત્ર આ વલણનું પરિચાયક છે. પરંતુ આ સૂત્ર પણ કેવળ અર્ધસત્ય જ છે. પરિચ્છેદના સમુચિત અર્થઘટને જે અર્થે જરૂરી હોવાનું દર્શાવ્યું હોય તે અર્થ જો સંશોધન દર્શાવી ન શકે તો તે અચૂક નિષ્ફળ જવા સર્જાયું છે. રૂઢિવાદી સમીક્ષકને મુખ્યત્વે પારસ્પરિક પાઠ અને ખાસ કરીને સંચિરત પાઠ(મૂલાદર્શના પાઠ)ને સાચવવાની ચિંતા હોય છે. તે ભારપૂર્વક જણાવે છે, અને તે બરાબર પણ છે, કે જો પાઠપરિવર્તનને અમુક હદથી વધુ ખેંચી લઈ જવામાં આવશે તો તે તેના પોતાના મૂળને જ કાપી નાખશે અને કોઈ પણ પ્રકારની નિશ્ચિતતા રહેશે નહિ. આથી ઓછામાં ઓછું પરિવર્તન એ તેનું મુખ્ય લક્ષ્ય છે.
ઘણા લોકો એમ ધારતા હોવાનું જણાય છે કે પાઠ્યગ્રંથમાં રહેલા પાસ્પરિક પાઠને જેમને તેમ રહેવા દેવાની યુક્તિથી સંશયાત્મક મુદ્દાઓ પર નિર્ણય લેવાનું ટાળી શકાય છે. આ નિયમ ઘણો સરળ છે અને સહેલાઈથી પ્રયોજી શકાય તેમ છે. માનવમનની (તેમનું ) સિદ્ધાંતવાક્ય છે કે - સ્થિતસ્ય ગતિશ્ચિન્તનીયા ।
૪.