________________
સંશોધન..
Fe
ઉદાહરણ તરીકે, મહાભારતના સમીક્ષાત્મક સંપાદનમાં સંશોધનને અતિ ગૌણ સ્થાન આપવામાં આવ્યું છે. અહીં સામાન્ય રીતે સંશોધનને બદલે અર્થઘટનને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. સુકથનકર કહે છે કે - ‘અશુદ્ધ પરિચ્છેદોમાં પણ કોઈ ને કોઈ હસ્તપ્રતનો પાઠ તો એવો હોય છે કે જેનો અર્થ બંધબેસતો થાય, પછી ભલે તે અર્થ મૂળ પ્રતનો અર્થ ન પણ હોય, તેમ જ તે અર્થ સંપૂર્ણપણે સંતોષકારક અર્થ પણ ન હોય. તેમ છતાં ઉતાવળિયું સંશોધન પસંદ કરવા જેવું નથી. કારણ કે અનુભવે જણાયું છે કે વિદ્વાનો દ્વારા કરવામાં આવેલા સુધારાઓનો પણ ઘણો નાનો ભાગ સાચા અર્થમાં સંશોધન ગણી શકાય એવો હોય છે. તદુપરાંત મહાભારત જેવા ગ્રંથ-વિશેષની બાબતમાં તો, હજુ સુધી તત્કાલીન રૂઢિપ્રયોગ તથા તત્કાલીન સમાજ વિષે આપણે બહુ ઓછું જાણીએ છીએ. મહાભારતના પાઠમાં થયેલાં પરિવર્તનોથી પણ આપણે પ્રાયઃ અજ્ઞાત છીએ.વળી મૂળ મહાભારત ભાષાકીય દૃષ્ટિએ એકરૂપ અને કોઈ નિશ્ચિત સિદ્ધાંત કે આદર્શ (norm) ને અનુસરનારું હતું એમ પણ કોણ કહી શકશે ?’
ન
ઉપર મુજબ સુકથનકરે જે મહાભારત માટે કહ્યું છે તે એક લેખકની ન હોય તેવી અન્ય પ્રકારની કૃતિઓને પણ સમાન રીતે લાગુ પડે છે. અનુકૂળ સંયોગોમાં સંશોધનનો આશ્રય ત્યારે જ લેવાનો છે જ્યારે શાસ્ત્રીય અર્થઘટનની બીજી બધી જ કસોટીઓ નિષ્ફળ જાય. વળી સંશોધનનો આશ્રય તો વિભિન્ન અને વિસંવાદી હસ્તપ્રત-પ્રમાણને એકરૂપ બનાવવા માટે જ લેવો જોઈએ. હસ્તપ્રતોના સ્પષ્ટ અને સર્વાનુમતિ ધરાવતા પ્રમાણથી વિરુદ્ધ જઈને કદાપિ નહિ. આમ સંશોધન એટલે જ્યારે હસ્તપ્રતના અમુક પાઠમાંથી કોઈ અર્થ ન નીકળતો હોય અથવા સંતોષકારક અર્થ ન નીકળતો હોય ત્યારે તેમાંથી વધુ સારો અર્થ કાઢવા જેને આપણે સામાન્ય અર્થમાં સુધારાવધારા કહીએ છીએ તે નથી. સંશોધન એ તો હસ્તપ્રતોના વિસંવાદી પાઠો જે તરફ સંકેત કરતા હોય તે સંભવિત પાઠ શોધી કાઢવાનો પ્રયાસ છે એમ કહી શકાય. આ સિદ્ધાન્તને અનુસરીને સુકથનકરે ૭૦૦૦ થી ૮૦૦૦ શ્લોકોવાળા બૃહત્કાય આદિપર્વમાં બધાં મળીને કેવળ છત્રીસ સંશોધન કર્યાં છે. અને તે પણ ઘણું કરીને માત્ર એક એક શબ્દનાં જ છે. આ સિદ્ધાન્તની સચ્ચાઈ નેપાળમાંથી શોધાયેલી આદિપર્વની સૌથી પ્રાચીન ઉપલબ્ધ હસ્તપ્રત દ્વારા સાબિત થઈ છે, જેમાં આમાંના પચાસ ટકા જેટલાં સંશોધનોને અનુરૂપ પાઠ જોવા મળે છે.
પરંતુ ઉપર જે કહ્યું તે વ્યક્તિગત લેખકોની કૃતિઓને સંપૂર્ણ રીતે લાગુ પડે એ જરૂરી નથી. અહીં પરિસ્થિતિ કંઈક જુદી હોય છે. અહીં આપણે વર્તમાન હસ્તપ્રતોમાં સચવાયેલ પાઠમાંના વિશુદ્ધ પરિચ્છેદોના પ્રમાણને આધારે લેખકની શૈલી, શબ્દ-વિન્યાસ, વિચાર અને તેની સ્વભાવગત લાક્ષણિકતાઓનો પણ અભ્યાસ કરીએ છીએ. આવાં
3.
Prolegomea પૃ.૯૨