________________
ભારતીય પાઠ-સમીક્ષા
તેને આપણે સ્વીકારીએ છીએ. પરંતુ અનુમાનાત્મક સંશોધન તો તેમને સંપૂર્ણ રીતે સંતોષતું હોય તે જોવું આપણે માટે જરૂરી છે. જ્યાં સુધી અનુમાન ચોક્કસાઈપૂર્વક અને સંપૂર્ણતઃ બંધ ન બેસે ત્યાં સુધી તે સંભાવનાની કોટિથી આગળ નિશ્ચિતતા યા પ્રાયઃ નિશ્ચિતતાની કોટિએ પહોંચી શકે નહીં.
જો કોઈ સૂચિત સંશોધન અંતરંગ અને અનુલેખનીય એમ ઉભય પ્રકારની સંભાવનાઓને એકસાથે ન સંતોષી શકે, તો તે સંભાવનાઓનું તુલનાત્મક મહત્ત્વ આ પ્રમાણે છે. જે સંશોધન દસ્તાવેજીય સંભાવનાનું ઉલ્લંઘન કરતું હોય પરંતુ આંતર સંભાવનાને સંતોષતું હોય તે સંશોધન સંભવતઃ સાચું હોઈ શકે, જો કે તેની સચ્ચાઈ સ્વીકારી લેવાનો આપણને કોઈ હક્ક નથી; જ્યારે બીજી બાજુએ જે સંશોધન દસ્તાવેજીય સંભાવનાને સંતોષતુ હોય પરંતુ આંતર સંભાવનાનું ઉલ્લંઘન કરતું હોય તેને સદંતર અર્થહીન - અસ્વીકાર્ય સમજવું. અને આથી આ એક સિદ્ધાંતવચન છે કે સારો પાઠસમીક્ષક કેવળ પુરાલિપિશાસ્ત્રજ્ઞ કરતાં કંઈક વિશેષ યોગ્યતા ધરાવતો હોવો જોઈએ. " અંતરંગ સંભાવનાઓનું સમુચિત મૂલ્યાંકન કરવા માટે દસ્તાવેજીય યા બહિરંગ સંભાવના માટે જોઈએ છે તે કરતાં વધુ જ્ઞાન, નિર્ણયશક્તિ અને અંતર્દષ્ટિની જરૂર રહે છે. આમ અનુમાનાત્મક સંશોધન એ પાઠ-સમીક્ષકનું સૌથી મહત્ત્વપૂર્ણ અને સૌથી કઠિન કાર્ય છે.
એવા પણ કેટલાક પ્રસંગો હોય છે કે જ્યારે આવું અનુમાનાત્મક સંશોધન પણ મદદરૂપ થતું નથી. ઉદાહરણ તરીકે, જયારે અશુદ્ધ પાઠ આપણા મૂલાદર્શ (archetype) ના સમય પૂર્વે જ લેખકની સ્વહસ્તપ્રતથી અતિ નજીકના સમયથી ગ્રંથમાં પ્રવેશી ચૂક્યો હોય, ત્યારે સામાન્ય રીતે આપણે જેને અનુલેખનીય સંભાવના કહીએ છીએ તેનો આશ્રય લઈ શકાય નહીં. કારણ કે લેખકની સ્વહસ્તપ્રત અને મૂલાદર્શનો નિશ્ચિત સમય અને તેમના વચ્ચેના સમયના ગાળાનું જ્ઞાન હોય તો જ મૂલાદર્શના પાઠ(સંચારિત પાઠ)માં પહેલેથી જ પ્રવેશી ચૂકેલ અશુદ્ધ પાઠનો અનુલેખનીય સંભાવનાને આધારે નિર્ણય લઈ શકે. આવે સમયે સંશોધન એક સુભગ તર્ક જેવું જ બની રહે છે. આ પ્રકારનું “ભવિષ્યકથન' પ્રસંગોપાત્ત નવાં પ્રમાણો ઉપલબ્ધ થતાં યથાર્થ હોવાનું પણ સાબિત થઈ શકે.
આમ લેખકની પ્રતના પાઠ-નિર્ણય માટે “સંશોધન પદ્ધતિના પ્રયોગમાં ભયસ્થાનો રહેલાં છે, જેમનો સામનો અને શક્ય હોય ત્યાં ઉપાય પણ કરવો જ રહ્યો. બંને પ્રકારની સંભાવનાઓ સંતોષાતી હોય તો પણ તે સંપૂર્ણ રીતે સંતોષાતી ન હોય ત્યાં સુધી તે પાઠ સંભવિત જ રહે છે. અને સંભાવનાઓ પૂર્ણ રીતે સંતોષાય એવું હંમેશાં બનતું નથી. 2. “A good critic must be something more than a mere palaeographer."
- Hall. p.153.