________________
કર
ભારતીય પાઠ-સમીક્ષા
સંશોધકો સમક્ષ ઉપસ્થિત થનારી અને જેમનું સાક્ષ્ય હસ્તપ્રતોના દસ્તાવેજના પ્રમાણ પર આધારિત છે, તેવી કેટલીક સમસ્યાઓના ઉકેલ માટે સામાન્ય માનવબુદ્ધિનો વિનિયોગ છે'' આમાંની ઘણીખરી સમસ્યાઓ ક્રમિક અનુલેખનને કારણે પાઠમાં પ્રવેશતી અશુદ્ધિઓ સાથે સંકળાયેલી છે. અને તેમને સુધારતાં પહેલાં સંપાદકે તે જે પાઠ્યપુસ્તક પર કામ કરતો હોય તેનો ઇતિહાસ લક્ષમાં લેવો જ રહ્યો; નહીં તો એમ બનવા સંભવ છે કે તે અતિ પ્રાચીન કાળથી પ્રવેશી ચૂકેલી ભૂલોને સુધારવા પ્રયત્ન કરતો હોય અને એ ભૂલો એટલી પ્રાચીન કાળથી પ્રવેશેલી હોય, કે જેથી આધુનિક પદ્ધતિઓ દ્વારા તેમનું સંશોધન શક્ય ન હોય. અથવા તો તે મૂળ લેખક સુધી પહોંચતો હોય એટલે કે મૂળ લેખકે જ લખ્યો હોય તેવા પાઠ વિષે શંકા ઉઠાવતો હોય. આથી ગ્રીક અને લેટિન ગ્રંથોની પાઠસમીક્ષા માટે અપનાવવામાં આવેલા પ્રશિષ્ટ આદર્શ પ્રમાણે પાઠ-સમીક્ષાની પ્રક્રિયાના ચાર વિભાગ પાડવામાં આવે છે ઃ
(૧) અનુસંધાન (Heuristics) અર્થાત્ હસ્તપ્રતો તથા તેમની સહાયક સામગ્રી (Testimonia) ની બનેલી બધી સામગ્રી એકત્રિત કરવી અને તેને વંશાનુક્રમ પદ્ધતિ પ્રમાણે અર્થાત્ વંશવૃક્ષ (stemma codicum) રૂપે ગોઠવવી.
(૨) સંસ્કરણ(Recensio) અર્થાત્ ઉપયુક્ત સામગ્રીને આધારે પાઠ્યગ્રંથનો તેના સૌથી પ્રાચીન સ્વરૂપે પુનરુદ્ધાર કરવો.
(૩) સંશોધન (Emendatio) લેખક (ગ્રંથકર્તા)ના પાઠની પુનઃસ્થાપના કરવી
અને
(૪) ઉચ્ચતર સમીક્ષા (Higher Criticism) અર્થાત્ લેખકે ઉપયોગમાં લીધેલા મૂળ સ્રોતોનું પૃથક્કરણ.
પ્રથમ પ્રક્રિયા દ્વારા સંપાદક હસ્તપ્રતના પ્રમાણને નિશ્ચિત પરંપરા-પ્રવાહોમાં વિભાજિત કરી શકે છે. આ પ્રવાહો તદ્દન સ્વતંત્ર હોય અથવા આંતર સંમિશ્રણથી પરસ્પર સંકળાયેલા હોય. આ પ્રક્રિયાનો પ્રારંભ પાઠ્યપુસ્તકના સંચરિતરૂપે પ્રાપ્ત થયેલ સ્વરૂપની ચકાસણીથી થાય છે. જેને માટે હસ્તપ્રતો પર આધાર રાખવાનો રહે છે. આ હસ્તપ્રતો ઉપલબ્ધ હોય અથવા ન પણ હોય. વર્તમાન હસ્તપ્રતોમાં પ્રાપ્ત સાક્ષ્ય(પ્રમાણ)નો સંતુલન (Collation) દ્વારા નિર્ણય કરવો જોઈએ. હસ્તપ્રતનું સંતુલન કરવું એટલે હસ્તપ્રત જેમાંથી ઊતરી આવી હોય તે મૂળ સ્રોતના નિર્ણય માટે જે કાંઈ ઉપયોગી હોય તેનું નિરીક્ષણ કરવું અને તેની નોંધ લેવી તે. મહાભારતના આદિપર્વની સમીક્ષાત્મક આવૃત્તિના ‘ઉપોદ્ઘાત' (Prolegomena)માં સુકથનકરે અને Pancatantra Reconstructed માં
૧. Companion to Classical Studies, પૃ. ૩.