________________
૨૦
ભારતીય પાઠ-સમીક્ષા
સુધારી લેતા હોય છે. પુસ્તકોના સંપાદકો પણ તેમના લેખકોની આ પ્રકારની ભૂલોને સામાન્યતઃ પાદટીપોમાં સુધારતા હોય છે. પરંતુ પાઠસમીક્ષાની આ શાખા સાથે આધુનિક ભારતીય પંડિતોને કોઈ સીધો સંબંધ નથી, જો કે સ્વહસ્તલેખ પરથી કરવામાં આવેલી પ્રતિલિપિઓ માટે આવું નથી. પાઠસમીક્ષકનું એ પણ કર્તવ્ય ગણી શકાય કે શિલાલેખો અર્થાત્ પથ્થર પર લખાયેલાં લખાણોને માનવીય દુર્વ્યવહાર, હવામાનનાં પરિવર્તન અથવા શિલાલેખકની ભૂલો દ્વારા થતી ક્ષતિ તેણે દૂર કરી આપવી જોઈએ. આ પ્રકારનાં ઉદાહરણો ભારતમાં પ્રગટ થયેલાં વિભિન્ન પુરાલેખશાસ્ત્રીય (Epigraphical) પ્રકાશનોના પ્રત્યેક પૃષ્ઠ પર જોવા મળે છે.
ભારતીય પાઠસમીક્ષાનું પ્રમુખ ક્ષેત્ર ખાસ કરીને પ્રતિલિપિઓની પ્રતિલિપિઓ છે. આપણે પ્રસ્તાવના(પ્રકરણ-૧)માં જોયું તે પ્રમાણે, જે પાઠ્યગ્રંથો આજે આપણને પ્રાપ્ત થાય છે, તેમની પ્રતિલિપિઓ ઘણું કરીને શિલા કે અન્ય ચિરસ્થાયી ઉપકરણ પર નહીં, પરંતુ ભૂર્જપત્ર, તાડપત્ર, કાગળ આદિ પર કરવામાં આવેલી છે. સમય જતાં વપરાશને કારણે થતી હાનિ સામે તકેદારીરૂપે અને જેની મૂળ માલિકીની તે હસ્તપ્રત હોય તે સિવાયના અન્ય જિજ્ઞાસુ લોકોની તે વિશે જાણવાની ઈચ્છાને સંતોષવા માટે આ હસ્તપ્રતોની પ્રતિલિપિઓ જુદે જુદે સમયે ઘણીવાર તૈયાર કરાવવી પડતી હતી. આ મૂલાદર્શની પ્રતિલિપિ બનાવવાનું કામ, પૂર્વે કહ્યું તે પ્રમાણે, યાંત્રિક ઉપકરણો (જેમ કે આધુનિક ફોટોગ્રાફી દ્વારા થતી આબેહૂબ નકલ) દ્વારા નહીં, પરંતુ માનવહસ્ત દ્વારા થતું, જે ઓછેવત્તે અંશે માનવબુદ્ધિ દ્વારા સંચાલિત હતું. જો આમ ન હોત તો ભારતીય પાઠસમીક્ષાનો ભારતીય પાઠ્યગ્રંથો સાથે ભાગ્યે જ કંઈ સંબંધ હોત. હવે આ પ્રકારે બનતી પ્રતિલિપિ, જેમાંથી તેની નકલ કરવામાં આવી છે એટલે કે તેની આદર્શપ્રત(exemplar)ને ક્યારેય ચોક્સાઈપૂર્વક તે જ સ્વરૂપે પ્રસ્તુત કરી શકે નહીં. (અનુલેખનની) ત્રુટિઓ અનિવાર્યપણે પ્રવેશી જતી હોય છે. આથી કોઈ પણ પ્રતિલિપિ કદી તેની આદર્શપ્રતની તોલે આવીં શકે નહીં. એટલું જ નહિ, તેનાથી ઘણી ઊતરતી હોવાની સંભાવના હોય છે. આ પ્રમાણે પેદા થતો ડ્રાસ અથવા અપકર્ષ ક્રમશઃ પ્રતિલિપિઓ થતાં વૃદ્ધિ પામતો જાય છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો *મિક અનુલેખનમાં ભૂલોની માત્રા સતત વધતી જાય છે, અને ધીરે ધીરે સ્વહસ્તલેખ અને તે પરથી લખાયેલી તરતની પ્રતનો લોપ થતાં પ્રતિલિપિની પ્રતિલિપિઓ અને તેમની પણ ક્રમશઃ થતી પ્રતિલિપિઓને જ આગળના અનુલેખ માટેના સ્રોત બનવું પડે છે. સંચારિત પાઠોમાં ઘણું કરીને ભૂલોની માત્રા સામાન્ય પરિસ્થિતિમાં અવિરતપણે વધતી જ રહે છે. આથી હસ્તપ્રતનો સમય ધ્યાનમાં લેવા જેવી મહત્ત્વની બાબત છે, જો કે ત્રુટિઓ ન હોય તે માટે આ એકમાત્ર માપદંડ નથી.