________________
પાઠોના પ્રકાર *
ર૫
સંબંધી વિશિષ્ટતાઓ પણ ચીવટપૂર્વક સાચવે અથવા જે આદર્શપ્રતની તે પ્રતિલિપિ કરતો હોય તેમાં રહેલો લુખાંશ યા અવાચ્ય અંશ તેમને તેમ જ રહેવા દે તો આપણે તેનામાં વિશ્વાસ મૂકવા પ્રેરાઈએ છીએ.
વર્તમાન પાઠ્યગ્રંથોની પ્રાપ્તિ આપણને બે પ્રકારનાં સંચારણ દ્વારા થઈ છેઃ એક પ્રકાર અનુજ્ઞપ્ત licensed) યા સંરક્ષિત સંચારણ છે. આ પ્રકારમાં ગ્રંથનું અનુલેખન લેખક યા લેખકના પ્રતિનિધિ અથવા મૂલાદર્શના વિદ્વાન માલિકની રાહબરી નીચે કરવામાં આવે છે, અથવા અનુલેખન આશ્રયદાતા રાજાના આદેશથી કરવામાં આવે, જે પોતે અનુલેખન-કાર્યના નિરીક્ષણ માટે અધિકૃત વિદ્વાનોને નીમે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ પ્રકારના સંચારણમાં પાઠની અખંડતા અને સચ્ચાઈ જળવાઈ રહે તે માટે પ્રતિલિપિકાર પર નિયંત્રણ મૂકવામાં આવે છે. કારણ કે જો આવુ નિયંત્રણ ન રાખવામાં આવે તો ગ્રંથની અખંડતા અને સચ્ચાઈ લેખકના પોતાના જ જીવનકાળ દરમ્યાન અવશ્ય જોખમાઈ જાય. લેખક જીવિત ન હોય તો આવી અશુદ્ધિની તકો ઘણી વધી જાય છે. બીજો પ્રકાર કદાચ ઘણો વધુ પ્રચલિત છે. તે છે અનિયમિત યા અનિયંત્રિત સંચારણ. આ પ્રકારના સંચારણમાં હસ્તપ્રતોનું અનુલેખન ઘણી વાર મૂર્ખ અને અલ્પશિક્ષિત માનવીઓ દ્વારા કરવામાં આવે છે, જેઓ પોતાને જે લખવાનું છે તેનાથી સદંતર અજ્ઞાત નથી હોતા. જે જમાનામાં ગ્રંથની મૂળ આદર્શપ્રતો વૈભવનો વિષય માનવામાં આવતી અને એવી ચીવટ અને ઉત્સાહપૂર્વક સાચવવામાં આવતી હતી કે જેથી કોઈ વિદ્વાન પુરુષ માટે પણ તેની પ્રાપ્તિ મુશ્કેલ બને, તે જમાનામાં આવી વૈયક્તિકરૂપે પ્રતિલિપિ તૈયાર કરવામાં શી મુશ્કેલી પડતી હશે તેની કલ્પના આજે પણ આધુનિક વિદ્વાનોને વ્યક્તિગત માલિકીનાં પુસ્તકાલયોમાં સંગ્રહાયેલી હસ્તપ્રતોની પ્રતિલિપિઓ મેળવવામાં પડતી મુશ્કેલી પરથી કરી શકાય. અહીં “ધવલા', જયધવલા” અને “મહાધવલા’ વિષેનું આધુનિક દષ્ટાંત આપી શકાય. આ કૃતિઓની એક માત્ર પ્રમાણભૂત હસ્તપ્રત દક્ષિણ કન્નડના મુદિબિદ્રીના જૈન ધર્મસ્થાનમાં સચવાયેલી છે. ઘણા સમય પછી અગાધ ધેર્ય, રાજદ્વારી કુનેહ અને વિપુલ ખર્ચ પછી આમની પ્રતિલિપિઓ પ્રાપ્ત કરી શકાઈ હતી.
હવે આવી મૂલપ્રતો સંબંધે આપણે અગાઉ જણાવ્યું છે કે આ વર્તમાન હસ્તપ્રતોમાં ઘણી વાર નિરીક્ષકો(revisers)એ સંશોધન કર્યું હોય એમ જણાય છે. આ મૂલાદર્શની પ્રતિલિપિ કેવી રીતે તૈયાર કરવામાં આવતી હતી અને પ્રતિલિપિકારનું કામ નિરીક્ષક દ્વારા કઈ રીતે સુધારવામાં અાવતું હતું તે વિષે આપણે હજુ અંધારામાં છીએ. સંભવતઃ પ્રતિલિપિકાર કોઈની મદદ વિના જ પોતાની આદર્શપ્રત લઈ તેનું અનુલેખન કરતો હશે અથવા તો બીજા કોઈ લહિયા યા વાચકની મદદ લેતો હશે, જે પાઠનું મોટેથી વાંચન કરતો હશે અને તે અનુસાર લહિયો અનુલેખન કરતો હશે.