________________
ભારતીય પાઠ-સમીક્ષા
તે જ રીતે સંશોધક પણ કોઈની મદદ વિના જાતે મૂળપ્રત સાથે પ્રતિલિપિને સરખાવી જતો હશે અથવા બીજાની મદદ લેતો હશે, જે તેની સમક્ષ મૂળપ્રત વાંચી જોતો હશે અને તે પ્રમાણે તે સુધારતો હશે. અગાઉ કહ્યું તે પ્રમાણે આવા સુધારા સામાન્ય રીતે હાંસિયામાં અથવા બે લીટીઓની વચ્ચે નોંધવામાં આવતા. જે પરિચ્છેદો ભૂલથી પ્રતિલિપિમાં લખવાના રહી ગયા હોય તે પણ આવી જ રીતે દર્શાવવામાં
આવતા હતા.
૨૦
“હવે હસ્તપ્રત એક સ્થળેથી બીજે સ્થળે કઈ રીતે પ્રવાસ કરતી તે વિષે જરા વિચાર કરીએ. જો હસ્તપ્રત કોઈ ધનિક આશ્રયદાતાની માલિકીની હોય તો તે પ્રતને તે પોતાના પ્રવાસ દરમ્યાન પણ પોતાની સાથે લઈ જતો હોય એમ માની શકાય. વળી કેટલાક વિદ્વાન સાથીદારો પણ સાથે હોય જ. ત્યારે એક શક્યતા રહેતી હતી કે જે વિદ્યાધામોની તે મુલાકાત લેતો તે વિદ્યાધામોમાં પણ તે ગ્રંથની અન્ય હસ્તપ્રતો રહેતી અને પોતાની હસ્તપ્રત સાથે તેમની સરખામણીના પરિણામે સંશોધકને પાઠાન્તરો, વધારાના પરિચ્છેદો ઇત્યાદિ પ્રાપ્ત થતું, જેની નોંધ હાંસિયામાં કે બે પંક્તિઓની વચ્ચે કરવામાં આવતી. સુથનકર સૂચવે છે તે રીતે યાત્રાધામોએ હસ્તપ્રતોનાં સંસ્કરણ, સંશોધન અને સંમિશ્રણમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હોવાનો સંભવ છે. તે લખે છે કે “એવી કલ્પના કરી શકાય કે ઉજ્જયિની, રામેશ્વરમ્, કાશી જેવાં સુપ્રસિદ્ધ યાત્રાધામોનાં વિખ્યાત મંદિરોમાં સમય સમય પર રામાયણ-મહાભારતના ગાનના કાર્યક્રમ રાખવામાં આવતા. આમ યાત્રાધામોએ ધાર્મિક યાત્રાળુઓમાં - આ યાત્રાળુઓના વર્ગમાં ત્યાં આવતા ભાટચારણો અને રામાયણ-મહાભારતના ધંધાદારી ગાયકોનો પણ અવશ્ય સમાવેશ થતો તે ગ્રંથોનાં સ્થાનિક રૂપાન્તરો(version)નું જ્ઞાન પ્રસારવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.” ભલે કાંઈક ઓછે અંશે પણ આ જ વસ્તુ અન્ય પ્રકારના હસ્તલિખિત ગ્રંથોને, ખાસ કરીને વધુ લોકપ્રિય નાટકો અને કાવ્યોને, પણ લાગુ પડી શકે. આવું જ કાંઈક બન્યું હોવું જોઈએ, એનું અનુમાન આજે આપણને પ્રાપ્ત થતા વિભિન્ન પ્રકારના પાઠો અવલોકતાં થઈ શકે.
-
જો આવી સંશોધિત પ્રતો જ ભવિષ્યની પ્રતિલિપિઓના સ્રોત બને તો નવા પ્રતિલિપિકારોને ઘણીવાર પાકની પસંદગીની તક રહે છે. અને તે પોતાની ઈચ્છા - અનિચ્છા પ્રમાણે કોઈ એક પાઠને પસંદ કરે અને અન્યનો અસ્વીકાર કરે. વધારાના પરિચ્છેદોની બાબતમાં પણ આ વસ્તુ બની શકે. આને પરિણામે પાઠમાં ત્વરિત ગતિએ અશુદ્ધિ પ્રવેશ પામતી.
આ કહેવાતા સંશોધકો દ્વારા પ્રતિલિપિઓમાં થતાં સંસ્કરણ ઉપરાંત કેટલાક કિસ્સાઓમાં મૂળ લેખકે સ્વયં પોતાના હસ્તલેખમાં કેટલીક વાર સુધારા યા સંસ્કરણ