________________
૧૮
:
ભારતીય પાઠ-સમીક્ષા
અને મૌખિક રીતે સંચારિત પાઠ વચ્ચે બહુ મોટો ભેદ હોવાની સંભાવના નથી, અને પાઠપરંપરામાં એકરૂપતા જળવાઈ રહે તે સંભવિત છે. પરંતુ જ્યાં આવા કોઈ ખ્યાલ પ્રવર્તતા ન હોય ત્યાં ઉપર દર્શાવેલ પ્રકારના ગ્રંથોના લિખિત પાઠ એકરૂપ નહિ હોય. પ્રત્યેક કેન્દ્રનું તેનું પોતાનું સ્થાનિક રૂપાન્તર હોય તે સ્વાભાવિક છે. આ સ્થાનિક રૂપાન્તરનું આગળ સંચારણ થતાં, તે એવા પરિવર્તનમાંથી પસાર થવાનું કે જે સામાન્યતઃ કોઈ પણ પાઠને અસર કરે, જેમ કે અવિરત પ્રતિલિપીકરણ, સંશોધન ઈત્યાદિ. ગમે તે પરિસ્થિતિમાં આપણા માટે કોઈ પણ એક પ્રતને ગ્રંથના મૂળ પાઠની પ્રતિલિપિ તરીકે જાહેર કરવાનું શક્ય નહિ બને, પછી ભલે તે મૌખિક રીતે સંચરતા ગ્રંથનું સર્વપ્રથમ લિપિબદ્ધ સ્વરૂપ (પ્રતિલિપિ) હોય; કારણ કે ગ્રંથની મૂળ રચના અને તેના લિપિબદ્ધ સ્વરૂપ અર્થાત્ સર્વપ્રથમ પ્રતિલિપિ વચ્ચેના ગાળામાં પાઠકો, વિદ્વાનો અને સંપાદકોની કેટલીય પેઢીઓ વીતેલી હોય છે. પરંતુ જેની કૃતિનું સંચારણ પણ મૌખિક રીતે જ થયું હોય એવા વ્યક્તિગત લેખકની બાબતમાં તેની મૂળ રચના અને પ્રથમ લિપિબદ્ધ પાઠ વચ્ચેનો તફાવત બહુ મોટો નહિ હોય અને તે જ પ્રમાણે સ્થાનિક રૂપાન્તરોની શક્યતા પણ ઓછી થશે. મૌખિક રીતે સંચરિત સમુદાયનિર્મિત રચનાઓમાં જે વિસંવાદી તત્ત્વો દષ્ટિગોચર થાય છે, તેની વિરુદ્ધ વ્યક્તિગત લેખકની રચનામાં પ્રમાણમાં વધુ એકરૂપતા દેખાતી હોય છે. બીજી શક્યતા એ છે કે લેખક પોતે જ તેની રચનાને લિખિત સ્વરૂપ અર્પે. આ કામ તે પોતાને હાથે લખીને કરી શકે અથવા પોતાના વ્યક્તિગત નિરીક્ષણ હેઠળ બીજા દ્વારા લખાવે અને પોતાને હાથે તેમાંની ભૂલો સુધારી લે. આ રીતે લેખકના સ્વહસ્તે લખાયેલી અથવા લેખકના આદેશ અનુસાર લખાયેલી અને લેખકના સ્વહસ્તે સુધારાયેલી હસ્તપ્રતને “સ્વહસ્તલેખ” (autograph) કહે છે. હવે કોઈ પણ એક પાક્યગ્રંથની વાત હોય ત્યારે સ્વહસ્તલેખ એ અંતિમ પ્રમાણે છે. આ રીતે આપણી પાસે બે પ્રકારના પાઠ્યગ્રંથો હોય છે. (૧) જેમનો કોઈ સ્વહસ્તલેખ અસ્તિત્વ જ ધરાવતો ન હોય અને (૨) જેમનો સ્વહસ્તલેખ અસ્તિત્વ ધરાવતો હોય, પછી ભલે તે ઉપલબ્ધ હોય યા અનુપલબ્ધ. આ બે પ્રકારના પાઠ્યગ્રંથોમાંથી ઉદ્ભવતી સમસ્યાઓ સ્વાભાવિક રીતે જ ભિન્ન પ્રકારની રહેશે. પ્રથમ પ્રકારમાં તે મૌખિક રીતે સંચારિત ગ્રંથના મૂળ સ્વરૂપ તથા સર્વપ્રથમ લિખિત આદર્શપ્રત (exemplar) વચ્ચેના સમયના ગાળા પર, અને બીજા પ્રકારમાં સ્વહસ્તલેખ અને પ્રાચીનતમ ઉપલબ્ધ આદર્શપ્રત વચ્ચેના સમયના ગાળા પર આધારિત હશે.