________________
ભારતીય પાઠ-સમીક્ષા
તો પણ સામાન્ય રીતે આ લાભ ન મળે તે સંભવિત હતું. આમ સારા છાપકામમાં અમુક એક આવૃત્તિને લાગેવળગે છે ત્યાં સુધી પાઠ પ્રમાણિત અને પરિનિશ્ચિત હોય છે. પરંતુ હાથ દ્વારા થતા અનુલેખન કાર્યમાં આમ બનતું નથી. અહીં તો વ્યક્તિદીઠ ભૂલોના પ્રમાણમાં વધઘટ થાય છે. પ્રતોની સંખ્યામાં અભિવૃદ્ધિ કરવા માટે થતું પાછળનું પ્રત્યેક અનુલેખન પાઠમાં ભૂલોના નવા સ્રોત પેદા કરે છે. પરંતુ આ બંને વચ્ચે તાત્વિક ભેદ એ છે કે કોમ્પોઝિટરની પાસે તેના નમૂના તરીકે સ્વહસ્તલેખ (autograph) મોજૂદ હોય છે. જ્યારે લહિયા પાસે નમૂના તરીકે સ્વહસ્તલેખ હોય યા તે પરથી લખાયેલી તરતની પ્રતિલિપિ હોય યા પ્રતિલિપિની પ્રતિલિપિ (કેટલામી પ્રતિલિપિ તે નિશ્ચિત નહિ) હોય. જેટલી હદે લહિયો સ્વહસ્તલેખથી દૂર હશે તેટલી હદે તેની અશુદ્ધિની માત્રા વધશે. કોમ્પોઝિટરની બાબતમાં લહિયાની સરખામણીમાં ભૂલોનું પ્રમાણ ઓછું હશે; તો પણ, કાળજી રાખવા છતાંય, થોડી ભૂલો તો રહેવા પામશે જ.
. આ બંને કિસ્સાઓમાં મૂળમાંથી આ પ્રમાણે જે વિચલન થાય છે તેનાં બે પ્રસિદ્ધ કારણો છે : (૧) નેત્રદોષ અને (૨) માનસશાસ્ત્રીય દોષ. આ બંને પ્રકારની ભૂલોની માત્રા પ્રત્યેક કોમ્પોઝિટર યા પ્રતિલિપિકાર પ્રમાણે વ્યક્તિદીઠ અલગ અલગ રહેશે. લહિયો યા પ્રતિલિપિકાર બંને પ્રકારની ભૂલો કરે તે સંભવિત છે. અને આમ તે મૂળમાંથી થોડેઘણે અંશે પણ વિચલિત થાય એ સ્વાભાવિક છે. નેત્રદોષ એવી ભૂલોને કહે છે જે લહિયાની આંખ તેની નબળાઈને કારણે યા અજાણતાં (બેધ્યાનપણે) કરતી હોય છે. આવી ભૂલોમાં એક શબ્દને સ્થાને બીજો શબ્દ મૂકવો, શબ્દ યા શબ્દસમૂહ રહી જવો, ઉમેરવો ઇત્યાદિનો સમાવેશ થતો હોય છે. અને પોતે જાતે કરેલી ભૂલો અથવા જેમાંથી પ્રતિલિપિ કરવામાં આવી રહી હોય તે આદર્શપ્રતની ભૂલોમાંથી કંઈક અર્થ શોધી કાઢવાની મનોવૃત્તિમાંથી માનસશાસ્ત્રીય ત્રુટિઓનો ઉદભવ થાય છે. પ્રશિષ્ટ ગ્રંથોમાં જોવા મળતી મુખ્ય અશુદ્ધિઓ ઘણું કરીને આ પ્રકારની ભૂલોને કારણે હોય છે. સારામાં સારો લહિયો પણ લાંબા સમય સુધી યાંત્રિક ઢબે પોતાની બુદ્ધિને કંઈક રમત રમવા દીધા સિવાય અનુલેખનનું કામ કરી શક્તો નથી. આમાં જે લખાણ તેને સમજાતું હોય તેમાં તો તે ભાગ્યે જ અક્ષરે અક્ષરનું અનુલેખન કરતો હોય છે. ઘણાખરા પ્રસંગોએ જોવા મળે છે કે લહિયાઓ શબ્દોનું અનુલેખન કરતા હોય છે, અક્ષરોનું નહિ. આ ભૂલોના બે મુખ્ય પ્રકારોમાંથી ઉદ્ભવતી પાઠ્યગ્રંથની વિકૃતિઓની મીમાંસા અન્ય પ્રકરણમાં કરવામાં આવશે. પરંતુ લહિયાની કેટલીક લાક્ષણિકતાઓ આપણે અહીં તપાસીએ. અનુલેખનમાં થતી લહિયાની ત્રુટિયોનો ઉત્પત્તિકાળ લેખકની પ્રત અર્થાત્ સ્વહસ્તલેખ હોઈ શકે. “હોમર (જવો મહાકવિ) પણ કોઈ કોઈ વાર ભૂલો