________________
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર
ત્યારપછી પરમાત્માના ધ્યાનમાં લીન બનેલા જ્ઞાનયોગી કર્મ, શરીર અને સંસારથી ઘેરાયેલા હોવા છતાં કેવી રીતે નિર્લેપ રહી શકે છે, તે બત્રીસમાથી સાડત્રીસમા શ્લોક સુધી રજૂ કરી, આડત્રીસમા શ્લોકમાં નિર્લેપ જ્ઞાનયોગીને ક્રિયા કરવાની જરૂર કેમ છે તે જણાવ્યું છે અને તે જ સંદર્ભમાં ઓગણચાલીસમાં શ્લોકમાં ક્રિયા કરનાર યોગી કરતાં જ્ઞાનયોગીની મહત્તાનો અનુભવસ્વરૂપે જે ઉદાસીનતાના પરિણામનો ઉલ્લેખ છે, તે પ્રાય: છઠ્ઠી દૃષ્ટિમાં વર્તતા ગૃહસ્થ કે મુનિને જ સંભવે છે. બીજા શ્લોકોમાં નિર્લેપજ્ઞાનની મગ્નતાને અનુભવસ્વરૂપે પ્રદર્શિત કર્યો છે, તો છેલ્લા શ્લોકમાં ભાવનાજ્ઞાનને પણ જ્ઞાનયોગસ્વરૂપે બિરદાવ્યું છે.
ભાવનાજ્ઞાનસંપન્ન આત્મા જગતને કઈ રીતે જુવે છે, તે ચાળીસથી તેતાલીસમાં શ્લોક સુધી દેખાડવામાં આવ્યું છે. અહીં પણ ભાવના જ્ઞાનના ઉપયોગને જ અનુભવસ્વરૂપે માન્યું છે.
નિર્વિકલ્પઉપયોગરૂપ અનુભવજ્ઞાનમાં અદ્વૈત બ્રહ્મ સચ્ચિદાનંદસ્વરૂપે જ દેખાય છે, કેમકે ત્યાં શુદ્ધ દ્રવ્યનો ઉપયોગ વર્તતો હોય છે. આવું જણાવતાં શંકા થાય કે સ્યાદ્વાદની દૃષ્ટિથી વિચાર કરતાં તો અદ્વૈત બ્રહ્મ જ અસંગત ઠરે. આવી શંકાનું નિવારણ ચુંમાળીસ અને પિસ્તાળીસમા શ્લોકમાં કર્યું છે.
અનુભવજ્ઞાનનો આસ્વાદ માણ્યા વગર તેને સમજાવવું કપરું છે, તેથી છેતાળીશ અને સુડતાળીસમા શ્લોકમાં અનુભવજ્ઞાનને સ્વીકારવાની યુક્તિઓ આપી છે.
આમ શરૂઆતથી અત્યાર સુધી પ્રાતિજજ્ઞાન, પરમ ઉદાસીનતા, સવિકલ્પનિર્વિકલ્પસમાધિ, ચારિત્રયોગની શુદ્ધિ, માધ્યચ્ય, શાસ્ત્રનો રસાસ્વાદ કરવાની ક્ષમતા, કેવળજ્ઞાન, છઠ્ઠી દૃષ્ટિની નિર્લેપતા, પરમાત્મસ્વરૂપમાં લીનતા, ભાવનાજ્ઞાન આદિ અનેક સ્વરૂપવાળા અનુભવોનું વર્ણન કર્યા પછી પ્રાંતે નિર્વિકલ્પજ્ઞાનની અર્થાત્ જ્ઞાનયોગની કે નિશ્ચયનયની વાતો કોને કરવી જોઈએ તે અડતાળીસથી પચાસમા શ્લોક સુધી સ્પષ્ટ કર્યું છે.
શ્લોક એકાવનથી છપ્પનમાં જ્ઞાનયોગની પ્રાપ્તિ માટે આચારોની આવશ્યકતા અને અનિવાર્યતાને દઢ કરવાનો પ્રયાસ કર્યો છે. જેમાં અન્ય દર્શનકારોના તત્સંબંધી કથનોનો પણ ખૂબ સુંદર અને તર્કગમ્ય ઉપયોગ કર્યો છે.
નિર્વિકલ્પસમાધિનું સ્વરૂપ, તેની ઉપયોગિતા અને તેનું ફળ; આ સર્વે ગંભીર પદાર્થોનો બોધ સત્તાવન અને અઠ્ઠાવનમા શ્લોકમાં સંક્ષેપથી આપ્યો છે. જેમાં ક્ષપકશ્રેણીવર્તી મહાત્માઓના જ્ઞાનયોગનું વર્ણન છે.
જ્ઞાનયોગશુદ્ધિ અધિકારનું નિગમન કરતાં; વ્યવહાર અને નિશ્ચયનો સંબંધ, આત્મજ્ઞાન અને તેના ચિંતનનું મહત્ત્વ, જ્ઞાનયોગીનું ધ્યેય આદિનું વર્ણન શ્લોક ચોસઠ સુધી કરીને, અંતિમ શ્લોકમાં દેહાધ્યાસ ટળે ત્યારે જ્ઞાનયોગી ઉજ્વળ યશ પ્રાપ્ત કરે છે તેમ કહી “અનુભવની પ્રાપ્તિ માટેની અદમ્ય ભાવના જાગૃત કરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org