________________
યોગદષ્ટિસમુચ્ચય/સંકલના આઠમી દૃષ્ટિમાં દ્વિતીય અપૂર્વકરણ વખતે ધર્મસંન્યાસ પ્રગટે છે, તેથી કેવળજ્ઞાન પ્રગટે છે, તે શ્લોક૧૮૨માં બતાવેલ છે.
કેવળજ્ઞાન પ્રગટ થયા પછી આત્મા કેવો શુદ્ધ બને છે, તે દૃષ્ટાન્તથી શ્લોક-૧૮૩-૧૮૪-૧૮૫માં બતાવેલ છે.
ક્ષીણદોષવાળા મહાત્માઓ શૈલેષી અવસ્થા પ્રાપ્ત કરીને ભવવ્યાધિનો ક્ષય કરે છે, તે શ્લોક-૧૮૬માં બતાવેલ છે. મુક્ત આત્માઓ કેવા હોય છે, તે વ્યાધિમુક્તના દૃષ્ટાન્તથી શ્લોક-૧૮૭માં સ્પષ્ટ કરેલ છે. મોક્ષ પામતાં પૂર્વે સર્વ જીવો ભવવ્યાધિવાળા હોય છે, તે શ્લોક-૧૮૮માં બતાવેલ છે. કેટલાક દર્શનકારો ભવવ્યાધિને ઉપચરિત માને છે, તેનું નિરાકરણ શ્લોક-૧૮૯માં કરેલ છે. ભવવ્યાધિથી મુક્ત થયેલ જ અનુપચરિત મુક્ત છે, તે યુક્તિથી શ્લોક-૧૯૦-૧૯૧માં બતાવેલ છે. બૌદ્ધ દર્શનકારો સાધના કરીને નિર્વાણની પ્રાપ્તિ થાય છે ત્યારે બુઝાયેલા દીપકની જેમ આત્માના અભાવને માને છે, તેનું નિરાકરણ શ્લોક-૧૯૨ થી ૧૯૭ સુધી કરેલ છે. તેથી મુક્ત આત્મા કર્મવ્યાધિથી મુક્ત શુદ્ધ આત્મા છે, તેની સિદ્ધિ થાય છે.
કેટલાક દર્શનકારો આત્માને એકાન્તનિત્ય માને છે, તેથી આત્માને નિત્યમુક્ત માને છે. તેનું નિરાકરણ શ્લોક-૧૯૮ થી ૨૦૦ સુધી કરેલ છે.
આ રીતે આઠ દૃષ્ટિઓનું કથન પૂર્ણ થવાથી સર્વ કથનનો ઉપસંહાર શ્લોક-૨૦૭ થી કરેલ છે. પોતાના યોગના સ્મરણ અર્થે ગ્રન્થકારશ્રીએ અનેક યોગશાસ્ત્રોમાંથી સંક્ષેપથી આ ગ્રન્થનું ઉદ્ધરણ કરેલ છે, તે શ્લોક-૨૦૭માં બતાવેલ છે. વળી, અન્યના ઉપકારના પ્રયોજનથી પણ આ ગ્રન્થ રચ્યો છે, તે શ્લોક-૨૦૮માં બતાવેલ છે.
કુલાદિ ભેદથી ચાર પ્રકારના યોગીઓ છે. તેમાં પ્રથમ પ્રકારના યોગી અયોગ્ય છે અને ચરમ પ્રકારના યોગી યોગનિષ્પન્ન છે. માટે તે બંનેને ઉપકાર થતો નથી, પરંતુ કુલયોગી અને પ્રવૃત્તચયોગીને આ ગ્રન્થથી ઉપકાર થાય છે, તે શ્લોક-૨૦૯માં બતાવેલ છે. કુલયોગી અને ગોત્રયોગીનું સ્વરૂપ શ્લોક-૨૧૦માં બતાવેલ છે. કુલયોગીનું વિશેષ લક્ષણ શ્લોક-૨૧૧માં બતાવેલ છે. પ્રવૃત્તચયોગીનું સ્વરૂપ શ્લોક-૨૧૨માં બતાવેલ છે.
ચાર પ્રકારના યોગીઓમાંથી કુલયોગી અને પ્રવૃત્તચયોગી યોગગ્રન્થના અધિકારી છે, તેથી તેમના ઉપકાર અર્થે ગ્રન્થકારે પ્રસ્તુત ગ્રન્થ રચ્યો છે. તે સિવાય અન્ય પણ યોગમાર્ગના અધિકારીઓના ઉપકાર અર્થે ગ્રન્થકારે આ ગ્રન્થ રચ્યો છે. તે બતાવીને કુલયોગી અને પ્રવૃત્તચક્યોગીથી અન્ય પ્રકારના યોગમાર્ગના અધિકારીનું સ્વરૂપ શ્લોક-૨૧૩માં સ્પષ્ટ કરેલ છે.